જીવદયા કરવા જતાં બે મિત્રોએ જીવ ગુમાવ્યો

25 July, 2022 10:49 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

વિરારમાં રહેતા ચાર મિત્રો રવિવારની રજા એન્જૉય કરવા કારમાં નીકળ્યા હતા ત્યારે અચાનક કૂતરો રસ્તામાં આવી જવાથી ડ્રાઇવરે ઇમર્જન્સી બ્રેક મારતાં કાર ત્રણ પલટી મારીને ઝાડ સાથે અથડાતાં બે મિત્રોનાં થયાં મૃત્યુ

ઝાડ સાથે અથડાઈને કચ્ચરઘાણ નીકળી ગયેલી જતીન પાટીલની કાર

રવિવાર હોવાથી ગઈ કાલે વિરારમાં રહેતા ચાર ફ્રેન્ડ ફાર્મહાઉસ જવા નીકળ્યા બાદ કારનો સવારમાં ઍક્સિડન્ટ થવાથી ચારમાંથી બે મિત્રોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કાર નારંગી ફાટકથી વિરાર ફાટા તરફના રસ્તામાં પૂરપાટ વેગે જતી હતી ત્યારે અચાનક કૂતરું રસ્તામાં આવી જવાથી ડ્રાઇવરે બ્રેક મારતાં કાર પલટી મારી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું. કારના માલિક અને જેના ફાર્મહાઉસમાં જવા બધા નીકળ્યા હતા તે યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું તો ગંભીર રીતે ઘાયલ થયેલા તેના એક મિત્રને ભાઈંદરમાં આવેલી ટેમ્પા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

વિરાર પોલીસના જણાવ્યા મુજબ વિરારમાં રહેતો ૨૨ વર્ષનો જનાદર્શન ઉર્ફે જતીન પાટીલ ૨૧ વર્ષના દેવેશ મર્ચન્ડે અને અન્ય બે મિત્રો સાથે ગઈ કાલે સવારના તેની અર્ટિગા કારમાં વિરાર હાઇવે નજીક આવેલા ફાર્મહાઉસમાં રવિવારની રજામાં એન્જૉય કરવા માટે નીકળ્યો હતો. કાર તેનો ડ્રાઇવર જયેશ પારધે ચલાવી રહ્યો હતો. કાર નારંગી ફટકથી હાઇવે તરફના વિરાર ફાટાના માર્ગમાં ગોકુળવાડી પાસે પહોંચી ત્યારે અચાનક એક કૂતરો રસ્તામાં આવી ગયેલો જોઈને ડ્રાઇવરે કૂતરાને બચાવવા માટે જોરદાર બ્રેક મારી હતી. અચાનક બ્રેક લાગવાથી કાર બેકાબૂ થઈ જતાં એ ધડાકાભેર રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં ડ્રાઇવરની બાજુની આગળની સીટમાં જતીન બેઠો હતો ત્યાં જ કાર ઝાડ સાથે અથડાઈ હતી એટલે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેની પાછળની સીટમાં બેસેલા દેવેશ મર્ચન્ડે ગંભીર રીતે ઘાયલ થવાથી તેને તાત્કાલિક ભાઈંદરની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

કારે ત્રણ પલટી મારી
ઍક્સિડન્ટના આ કેસની તપાસ કરી રહેલા વિરાર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વિજય સાઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત સવારના સાત વાગ્યે થયો હતો. જતીન પાટીલના કારમાં સાથે રહેલા મિત્રે નિવેદન આપ્યું છે કે તેઓ નારંગી ફાટકથી વિરાર ફાટા તરફ જતા હતા ત્યારે અચાનક રસ્તામાં કૂતરો આવી જતાં ડ્રાઇવરે તેને બચાવવા માટે ઇમર્જન્સી બ્રેક મારતાં કાર ડાબે તરફ ઊછળીને ત્રણ પલટી માર્યા બાદ ઝાડ સાથે અથડાઈ હતી. ડાબી સાઇડની સીટમાં બેસેલા બંને મિત્રોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ડ્રાઇવરને ગંભીર ઈજા થવાથી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. ચારેય મિત્રો કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે.’

ટક્કરમાં ઝાડની છાલ કારમાં ઘૂસી
તપાસ અધિકારી વિજય સાઠેએ વધુમાં કહ્યું હતું કે ‘કારની ઝાડ સાથેની અથડામણ એટલી જોરદાર હતી કે ઝાડની છાલ કારના દરવાજામાં ઘૂસી ગઈ હતી. ઝાડ અને કારની આવી હાલત થઈ છે એના પરથી કહી શકાય છે કે ઍક્સિડન્ટ કેટલો ભયંકર હશે. ડાબી સાઇડ બેસેલા જતીન પાટીલ અને દેવેશ મર્ચન્ડેને ટક્કર વખતે ગંભીર ઈજા પહોંચવાથી તેમનાં મૃત્યુ થયાં હતાં.’

mumbai mumbai news virar prakash bambhrolia