૩૦ રૂપિયા લેવામાં ૫૦,૦૦૦ ગુમાવ્યા

16 May, 2022 10:47 AM IST  |  Mumbai | Mehul Jethva

દીકરીનાં લગ્નની ખરીદી માટે બૅન્કમાંથી પૈસા કઢાવીને ઘરે આવી રહેલા વિરારના સિનિયર સિટિઝનને તમારી ૧૦ રૂપિયાની નોટો પડી ગઈ છે એમ કહી તેમના હાથમાંની પૈસાની થેલી લઈને ગઠિયો ભાગી ગયો

પ્રતીકાત્મક તસવીર

વિરારમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝનની દીકરીનાં લગ્ન હોવાથી તેઓ બૅન્કમાં પૈસા કઢાવવા ગયા હતા. પૈસા કઢાવીને ઘરે પાછા આવતી વખતે એક યુવાન તેમની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી દસ રૂપિયાની નોટો નીચે પડી ગઈ છે. એ ઉપાડવા જતાં તેમના હાથમાં પકડેલી પૈસાની થેલી લઈને તે યુવાન નાસી ગયો હતો. છેતરપિંડીનો શિકાર થયેલા સિનિયર સિટિઝને વિરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિરાર-ઈસ્ટમાં ગ્લોબલ સિટી અગરવાલ પૅરૅમાઉન્ટ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના જિતેન્દ્ર ઘેલાણીએ કરેલી ફરિયાદ અનુસાર તેમની પુત્રી પાયલનાં લગ્ન હોવાથી તેઓ વિરાર-વેસ્ટમાં વિવા કૉલેજ રોડ પર આવેલી બૅન્ક ઑફ ઇન્ડિયામાં પૈસા કઢાવવા ગયા હતા. ત્યાં ૫૦,૦૦૦ રૂપિયા કઢાવ્યા પછી તેઓ બૅન્કની બહાર ઘરે જવા માટે પોતાના સ્કૂટર પર બેસવા જતાં હતા ત્યારે એક યુવાન તેમની પાસે આવ્યો અને કહ્યું કે કાકા, તમારા પૈસા પડી ગયા છે. તે યુવાને એમ કહેતાં જિતેન્દ્રભાઈએ નીચે પડેલી દસની ત્રણ નોટો પોતાની સમજીને ઉપાડવા ગયા ત્યારે બીજા હાથમાં પકડેલી પૈસાની થેલી લઈને યુવાન નાસી ગયો હતો. થોડી વાર પછી છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વિરાર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.

વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ વરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 

mumbai mumbai news Crime News mumbai crime news virar mehul jethva