✕

બંધ ફ્લૅટમાંથી ૩ ગુજરાતી ભાઈ-બહેનનાં કોહવાઈ ગયેલાં શબ મળી આવ્યાં

30 October, 2026 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરારમાં ગ્લોબલ સિટીની ઘટના: બીમારી-આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની આશંકા

ગાર્ડન ઍવન્યુ બિલ્ડિંગના ફ્લૅટ-નંબર ૧૨૦૩માંથી મૃતદેહો મળ્યા હતા.

વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી વિસ્તારમાં આવેલા ગાર્ડન ઍવન્યુ બિલ્ડિંગની D વિંગમાં ફ્લૅટ-નંબર ૧૨૦૩માંથી બુધવારે રાત્રે એક જ ગુજરાતી પરિવારનાં બે ભાઈઓ અને એક બહેનના કોહવાયેલા મૃતદેહો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક માહિતીના આધારે આ મામલે બોલિંજ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પાડોશીઓને ફ્લૅટમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં તેમણે પોલીસને જાણ કરી હતી. એના પગલે પોલીસે સ્થળ પર પહોંચીને, દરવાજો તોડીને તપાસ કરતાં પચાસ વર્ષના કુમાર મનસુખલાલ મહેતા, બાવન વર્ષના દીપેશ મનસુખલાલ મહેતા અને ૪૮ વર્ષનાં ખેવના મનસુખલાલ મહેતા નામનાં ૩ ભાઈ-બહેનનાં શબ મળી આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં ગંભીર બીમારીઓ અને ભારે આર્થિક તંગીને કારણે તેમણે ઝેર પીને સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

બોલિંજ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃત્યુ પામનાર આ ત્રણેય ભાઈ-બહેનો છેલ્લા કેટલાક સમયથી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં હતાં. આસપાસના લોકોના જણાવ્યા મુજબ આ પરિવાર ખૂબ જ સંઘર્ષયુક્ત જીવન વિતાવી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મૃત્યુ પામનારની કાંદિવલી ખાતે રહેતી એક બહેનનો સંપર્ક કરીને તેમને આ સમાચાર આપી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના વિશે એક અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો પણ હાથ લાગ્યો છે. દીપેશના મોબાઇલ ફોનમાં ૨૦ ઑક્ટોબરે રેકૉર્ડ કરવામાં આવેલો એક વિડિયો મળી આવ્યો છે. આ વિડિયોમાં મોટા ભાઈ કુમાર મહેતાને કૅન્સર જેવી ગંભીર અને અસાધ્ય બીમારી હોવાનો તથા બીજા ભાઈ દીપેશને પૅરૅલિસિસ (લકવા) હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શારીરિક અક્ષમતાની સાથે-સાથે આ પરિવાર લાંબા સમયથી ગંભીર આર્થિક સંકટ અને નાણાકીય ભીંસનો સામનો કરી રહ્યો હતો, જેને કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યાં હતાં.’

હાલમાં બોલિંજ પોલીસે આ મામલે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધીને તમામ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસ મોબાઇલ પર મળેલા વિડિયોની સાથે-સાથે અન્ય પુરાવાઓની પણ બારીકાઈથી તપાસ કરી રહી છે જેથી આ કરુણ ઘટના પાછળનાં તમામ ચોક્કસ સંજોગો અને કારણો બહાર આવી શકે. પોલીસ અને પ્રશાસન દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી પૂરઝડપે ચાલુ છે.

mumbai news mumbai virar gujarati community news gujaratis of mumbai