10 February, 2026 07:01 AM IST | Mumbai | Rohit Parikh
પળવારમાં ભર્યુંભાદર્યું ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું. આગની જ્વાળાઓ બનાવની ભયાવહતા દર્શાવે છે. જીવ ગુમાવનાર ભાવના સત્રા.
વિર્લે પાર્લે-ઈસ્ટના ફિરોઝશાહ મેહતા રોડના કંકુવાડીમાં બનેલી એક આગની દુર્ઘટનાથી આ વિસ્તારના રહેવાસીઓ અને મુંબઈનો વાગડ સમાજ હચમચી ગયો હતો. આ બનાવ ગઈ કાલે સવારે ૯.૫૧ વાગ્યે સુવિધા પર્લ સોસાયટીના ગ્રાઉન્ડ પ્લસ ૧૩ માળના બિલ્ડિંગમાં બન્યો હતો. ૧૩મા માળે રહેતા રેડીમેડ ગાર્મેન્ટ્સના અગ્રણી વેપારી જિતેન્દ્ર સત્રાના ફ્લૅટમાં આગ ફાટી નીકળી હતી જેમાં જિતેન્દ્ર સત્રાનાં ૬૨ વર્ષનાં ભાભી ભાવના ભરત સત્રાનું ગૂંગળામણ થવાથી મૃત્યુ થયું હતું અને કાચ વાગતાં તથા ગૂંગળામણથી ઈજાગ્રસ્ત જિતેન્દ્ર સત્રાની ૩૪ વર્ષની દીકરી અનેરી હૉસ્પિટલમાં છે. આ દુર્ઘટનાથી સત્રા-પરિવારનો લગ્નોત્સવ માતમમાં ફેરવાઈ ગયો છે. આ પરિવારે આ દુર્ઘટનાને કારણે આજે બોરીવલીના દુર્ગા ગાર્ડનમાં યોજાનારો લગ્ન-સમારંભ સાદાઈથી ઘરમેળે કરવાનો નિર્ણય લીધો છે.
આ પરિવારમાં બનેલી માહિતી પ્રમાણે મૂળ ભચાઉનાં પ્રતિભા જિતેન્દ્ર સત્રાના દીકરા દેવાંશ અને ઘાટકોપરનાં કલ્પના કીર્તિ ગાલાની દીકરી જિનલનાં આજે ધામધૂમથી લગ્ન યોજાયાં હતાં. છેલ્લા એક અઠવાડિયાથી આ પરિવારમાં લગ્નોત્સવની જોરદાર ઉજવણી ચાલી રહી હતી. જોકે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે એવો પ્રસંગ ગઈ કાલે સવારે જિતેન્દ્ર સત્રાના પરિવારના બધા સભ્યો તેમની સોસાયટીની નીચેના ફ્લૅટમાં નાસ્તોપાણી કરવા ગયા હતા ત્યારે બન્યો હતો.
સોસાયટીના એક સભ્યએ નામ ન જણાવવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે જે ફ્લૅટમાં આગ લાગી હતી એ ઘરમાં લગ્નપ્રસંગે કુળદેવીની સ્થાપના કરીને દીવો પ્રગટાવાયો હતો. એ પછી ઘરના સભ્યો નીચેના ફ્લૅટમાં નાસ્તોપાણી કરવા ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ દીવાની ઝાળ જે ગાદી પર દીવો કરવામાં આવ્યો હતો એના પર પડતાં આગ લાગી હતી. એને કારણે જિતેન્દ્ર સત્રાનો આખો ફલૅટ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે જિતેન્દ્રભાઈનાં ભાભી ભાવનાબહેન અને અનેરીબહેન તથા અન્ય સભ્યોને ઘરમાં આગ લાગી હોવાની જાણ થતાં બધા નીચેના ફ્લૅટમાંથી દોડી આવ્યા હતા. દરવાજો ખોલ્યા બાદ ફ્લૅટમાં અંદર જોવા જતાં ભાવનાબહેન અને અનેરીબહેન કાળા ધુમાડાને કારણે ફ્લૅટમાં અટવાઈ ગયાં હતાં. તેમની સાથે આવેલા અન્ય લોકો બહાર નીકળી જવામાં સફળ થયા હતા. આ બનાવને કારણે એ પછી અમે બધા અન્ય સગાંસંબંધીઓને ત્યાં ચાલ્યા ગયા હતા.’