પૈસાના ચક્કરમાં તમારી ઇજ્જત પણ ખોઈ બેઠો, હવે તમારા માટે હું જીવતો નથી રહ્યો

28 July, 2021 09:34 AM IST  |  Mumbai | Mehul Jethva

પપ્પાને આવો મેસેજ કર્યા પછી વિલે પાર્લેનો ૨૭ વર્ષનો ગુજરાતી યુવાન શુક્રવારથી મિસિંગ

ગુમ થયેલો નિશાંત ગોહિલ.

વિલે પાર્લેમાં રહેતો ૨૭ વર્ષનો ગુજરાતી યુવાન આર્થિક પરેશાનીમાં આવીને શુક્રવારે સવારે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. સાંજના પાંચ વાગ્યે તેણે પરિવારજનોને મેસેજ કરીને તેને ન શોધવાની જાણ કરી હતી અને જિંદગી પૂરી કરી દેવાની પણ વાત મેસેજમાં જણાવી હતી. જુહુ પોલીસે આ ઘટનાની મિસિંગની ફરિયાદ નોંધી છે.
વિલે પાર્લે (વેસ્ટ)માં દાદાભાઈ ક્રૉસ રોડ પર સ્નેહધારા સોસાયટીમાં રહેતો ૨૭ વર્ષનો નિશાંત ગોહિલ રોજિંદા ક્રમ અનુસાર શુક્રવારે સવારે મસ્જિદ બંદર કામે જવા માટે નીકળ્યો હતો. ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે તેના પપ્પાને તેણે મેસેજ કરીને જાણ કરી હતી કે ‘તમે મારી બેસ્ટ ફૅમિલી હંમેશાં રહ્યા છો. હું સારો બની ન શક્યો. પૈસાના ચક્કરમાં હું તમારી પણ ઇજ્જત ખોઈ બેઠો. તમે લોકો તમારું ધ્યાન રાખજો. હવે તમારા માટે હું જીવતો નથી રહ્યો. મારી પાસે બીજો કોઈ ઑપ્શન રહ્યો નથી. બસ, મારા જીવનની સફર અહીં સુધી જ હતી. બને તો મને માફ કરી દેજો. તારાં જેવી મમ્મી બધાને મળતી નથી. હું ઉપરવાળાને કહીશ કે તને હંમેશાં ખુશ રાખે અને તારું આયુષ્ય લાંબું રાખે. હાલો, હવે મને વધુ યાદ નહીં કરતા.’ 
આ મેસેજ બાદ નિશાંતે તેનો મોબાઇલ બંધ કરી દીધો હતો. નિશાંતના મામા જગદીશ પરમારએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિશાંત મસ્જિદ બંદરમાં તેના મિત્રની રમકડાંની દુકાનમાં કામે જતો હતો. શુક્રવારે પણ તે રોજની જેમ દુકાને ગયો હતો. ત્યાર બાદ તેનો મેસેજ આવતાં અમે બધા શૉક્ડ થઈ ગયા હતા અને તેની શોધમાં લાગ્યા હતા. તેની દુકાનથી એવું જાણવા મળ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી તે દુકાને આવી નહોતો રહ્યો. તેણે દુકાને એમ કહીને રજા લીધી હતી કે તેની મમ્મીની તબિયત ખરાબ છે. તેના પર કોઈ કરજ નહોતું. 
તેણે આવું પગલું કેમ ભર્યું હશે એ બાબત અમને ચોક્કસ કારણ મળી નથી રહ્યું.’ 
જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીકાંત માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુમ થઈ ગયેલા યુવાનની શોધ માટે અમારા પ્રયાસો ચાલુ થઈ ગયા છે. એમાં તેની કૉલ હિસ્ટરી અને અન્ય માહિતી કાઢવામાં આવી રહી છે. તેનું ઘરેથી જતા રહેવા પાછળનું કોઈ કારણ મળી નથી રહ્યું. વધુ તપાસ કરી રહ્યા છીએ.’

Mumbai Mumbai news mehul jethva