હું ઓબીસી સમાજમાંથી આવું છું એટલે મહેસૂલ ખાતું ન મળ્યું: કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર

29 June, 2021 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

vijay wadettiwar of the congress has alleged that he was denied the revenue portfolio owing to his caste

વિજય વડેટ્ટીવાર, બાળાસાહેબ થોરાત

મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને કૉન્ગ્રેસી નેતા બાળાસાહેબ થોરાતે સોમવારે જણાવ્યું હતું કે તેમના પક્ષના નેતા અને સાથીપ્રધાન વિજય વડેટ્ટીવારે સંયમ જાળવવો જોઈએ અને ધીરજ ધરવી જોઈએ. સાથે જ વડેટ્ટીવારને ભવિષ્યમાં ચોક્કસ મોટી જવાબદારી મળશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઓબીસી સમુદાયમાંથી આવતા હોવાના કારણે મહેસૂલ ખાતું ન મળ્યું હોવા વિશેની વડેટ્ટીવારની ટિપ્પણી અંગે પૂછાયેલા પ્રશ્નમાં થોરાતે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.

વર્તમાન સમયમાં વડેટ્ટીવાર રાહત અને પુનર્વસન, ડિઝેસ્ટર મૅનેજમેન્ટ અને બહુજન વિકાસ (ઓબીસી) વેલ્ફેર ડિપાર્ટમેન્ટનો ચાર્જ સંભાળી રહ્યા છે.

લોનાવલા ખાતે રવિવારે યોજાયેલા ઓબીસી સંમેલન દરમિયાન વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘ગત વિધાનસભામાં તેઓ વિપક્ષના નેતા હતા અને હવે તેમને વધુ મોટો પોર્ટફોલિયો મળવો જોઈતો હતો.’

હું ઓબીસી સમુદાયમાંથી આવતો હોવાના કારણે રેવન્યુ પોર્ટફોલિયોમાંથી મને બાકાત રખાયો હતો એવો તેમણે દાવો કર્યો હતો.

વડેટ્ટીવારના નિવેદન મામલે ગેરસમજ સર્જાઈ હોવાની સ્પષ્ટતા કરતાં થોરાતે સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘કદાચ, તેઓ બીજું કશુંક કહેવા ઇચ્છતા હતા, પરંતુ તેમણે સંયમ અને ધીરજ જાળવવા જોઈએ. ભવિષ્યમાં તેમને ચોક્કસ મોટી જવાબદારી સોંપાશે.’

mumbai mumbai news indian politics