સ્થાનકમાં સ્ટેડિયમ, મહાસતીજી અમ્પાયર

28 September, 2021 09:07 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ઘાટકોપરના ગારોડિયાનગરના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘમાં રમાઈ ગઈ સાવ અનોખી ક્રિકેટ મૅચ : આમાં શ્રાવકો બન્યા આઠ ટીમના સભ્યો, બધી ટીમના અલગ ડ્રેસકોડ અપાયા ને મૅચના મૅન ઑફ ધ મૅચનાં ઇનામ પણ અપાયાં, હવે રમાશે સેમી-ફાઇનલ ને ફાઇનલ

સ્થાનકમાં સ્ટેડિયમ બનાવીને ધાર્મિક ક્રિકેટ મૅચનું આયોજન કરવામાં આવ્યું હતું

ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરમાં આવેલા શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-ગારોડિયાનગરમાં અનોખી મૅચ રમાઈ હતી, કારણ કે આ મૅચ સાધર્મિક રીતે રમાઈ હતી. એટલે કે ધાર્મિક મૅચ પણ ખૂબ જ અલગ અંદાજે રમાઈ હતી. આમ ખરા અર્થમાં તો સ્થાનક બન્યું હતું સ્ટેડિયમ.

ચાતુર્માસમાં પધારેલા લીમડી સંપ્રદાયનાં પચાસ વર્ષનાં પ.પૂ. ડૉ. પ્રશસ્તિકુમારી મહાસતીજી અને સંપૂર્ણ મૅચ માટે તૈયારી કરનાર પૂ. ઉત્સાહી દીપ્તિકુમારી મહાસતીજી દ્વારા અજરામર ક્રિકેટ મૅચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો અને સાત મહિલાઓની ને એક પુરુષોની ટીમ હતી. સોળ મહાસતીઓનાં નામથી ટીમનાં નામ રખાયાં હતાં જેમ કે બ્રાહ્મી, સુંદરી, રાજેમતી, દ્રૌપદી, કૌશલ્યા, ચંદનબાળા, મુગ્રાવતી અને પુરુષ ટીમનું નામ અભયકુમાર રાખવામાં આવ્યું હતું. ટીમમાં ૮૦ વર્ષનાં બાથી લઈને મોટી ઉંમરના ટ્રસ્ટીગણ પણ સામેલ હતાં. દરેક ટીમને નવકાર મહામંત્રના કલર પરથી ડ્રેસકોડ અપાયા હતા.                                            

આધ્ય સ્થાપક શાસન સમ્રાટ અજરામર ગુરુદેવના નામથી મૅચનું નામ રાખવામાં આવ્યું છે તેમ જ સ્થાનકમાં અજરામર સ્ટેડિાયમ જેવું તૈયાર કરાયું હતું એમ જણાવતાં આ અનોખી મૅચ વિશે માહિતી આપતાં પ.પૂ. ડૉ. પ્રશસ્તિકુમારી મહાસતીજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્ઞાન સાથે ગમ્મત કરવામાં આવે તો સૌકોઈને એમાં જોડાવાનું ગમે. લોકોને સરળતાથી ધર્મનું જ્ઞાન પણ મળે અને યંગસ્ટર્સ પણ વધુમાં વધુ જોડાય એટલે આવી અત્યાધુનિક રીત અપનાવીને ક્રિકેટ મૅચનું આયોજન કરાયું હતું. આઠ ટીમમાં ૫૬ જણે ભાગ લીધો હતો. એક ટીમે સાત-સાત ઓવર કરવાની હોય અને એક ઓવર છ બૉલની હોય છે એટલે એક ટીમને ૪૨ સવાલનો જવાબ આપવાનો હોય છે.’

ધાર્મિક ક્રિકેટ મૅચ એટલે શું એ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે ‘આ મૅચમાં જે બોલિંગ કરે એટલે તે પ્રશ્નો પૂછે અને જે ટીમ બૅટિંગ કરે તેણે એના જવાબ આપવાના હોય છે. આ વખતે મેં ટીમ-મેમ્બરોને મહાવીરસ્વામીના જીવન ચારિત્ર્ય વિશે ૩૧૦ સવાલ આપ્યા હતા. જેમ કે તેમનો જન્મ ક્યારે થયો હતો, તેમના સંયમનાં કેટલાં વર્ષ થયાં હતાં જેવા સવાલો, જે તેમના જીવનથી જોડાયેલા હોય. આ મૅચમાં સૌથી વધુ રન કરનારને મૅન ઑફ ધ મૅચ, મૅચમાં ભાગ લેનાર દરેકને અનુમોદના કરી હતી. હવે સેમી-ફાઇનલ, ફાઇનલ રમાશે. સેમી-ફાઇનલ માટે છ પ્રકારના જીવ એટલે કે છકાયના બોલ વિષય પર ૩૫૦ સવાલો આપવામાં આવ્યા છે. આ મૅચમાં હું અમ્પાયર બની હતી. સ્થાનકને પણ સરસ રીતે સજાવવામાં આવ્યું હતું. ટીવીમાં જોવા મળે એવી જ મૅચ, પણ અહીં ફક્ત ધાર્મિક જ્ઞાન મળે એ રીતે એને ડિઝાઇન કરી છે. લોકો પણ ખૂબ ઉત્સાહથી ભાગ લેવા આગળ આવ્યા હતા.’

mumbai mumbai news ghatkopar preeti khuman-thakur