21 January, 2026 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુરુમૂર્તિએ તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે, “આપણે વ્યક્તિગત ચિંતા વ્યક્ત કરીએ ત્યારે તે નબળાઈ ગણાય છે, પરંતુ તમામ લોકો સામૂહિક ચિંતા વ્યક્ત કરે તો તે ક્ષમતા બની જાય છે.
મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત વસુધૈવ કુટુમ્બકમ કી ઓર કોન્ક્લેવ અને પ્રદર્શનના 5મા દિવસે સાર્વભૌમત્વ, વૈશ્વિક સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગના બદલાતા સંજોગો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા તેમજ પ્રદર્શન બંનેમાં વિદ્યાર્થીઓ તથા જાહેર જનતાની ભાગીદારી અને ઉત્સાહ યથાવત જળવાઈ રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ 79મા પરમપૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે.
કોન્ક્લેવના સ્થળે આજે પાંચમા દિવસે પણ વસુધૈવ કુટુમ્બકમ પ્રદર્શન આખો દિવસ ખૂલ્લું રહ્યું હતું, જેમાં મુલાકાતીઓએ પ્રાચીન ભારતીય જ્ઞાનમાં રહેલા 12 શાશ્વત સિદ્ધાંતોની પ્રસ્તુતિ નિહાળી હતી. આ પ્રદર્શન શાસન, રાજદ્વારી સંબંધો અને સંસ્થાકીય જવાબદારી પરના વિમર્શ માટે એક મજબૂત માળખું પૂરું પાડી રહ્યું છે.
વિદ્યાર્થીઓની ભાગીદારી આજે પણ નોંધપાત્ર રહી હતી. વિવિધ સમયગાળા દરમિયાન મોડેલ યુનાઈટેડ નેશન્સ (MUN)નાં અલગ અલગ સત્ર તથા નાલંદા વાદ સત્ર દ્વારા પદ્ધતિસરની તથા ફળદાયી ચર્ચા અને સંવાદ કરવામાં આવ્યો. આ ચર્ચા-વિચારણા તેમજ સંવાદની પ્રક્રિયાએ વિદ્યાર્થીઓને રાજદ્વારી સંબંધો, શાસન અને નૈતિક નિર્ણય લેવાની પ્રક્રિયાને વ્યવહારિક રીતે સમજવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સવારના સત્રમાં મથુરાદાસ હૉલ ખાતે સાર્વભૌમત્વ: પ્રાચીન અને આધુનિક વિષય પર એક સત્ર યોજાયું હતું. જેમાં પૂજ્ય મહારાજ સાહેબ અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) ના સેન્ટ્રલ બોર્ડના પાર્ટ-ટાઈમ ડાયરેક્ટર અને તુગલક મેગેઝિનના એડિટર એસ. ગુરુમૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુમૂર્તિએ તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે, “આપણે વ્યક્તિગત ચિંતા વ્યક્ત કરીએ ત્યારે તે નબળાઈ ગણાય છે, પરંતુ તમામ લોકો સામૂહિક ચિંતા વ્યક્ત કરે તો તે ક્ષમતા બની જાય છે. એ જ કામ સ્વામીજી કરી રહ્યા છે. તેઓ આપણા સૌની ચિંતા એક સૂત્રમાં બાંધી રહ્યા છે.”
આ સત્રમાં સભ્યતાના પરિપ્રેક્ષ્યથી લઈને સમકાલીન નેશન-સ્ટેટની વ્યવસ્થા સુધી સાર્વભૌમત્વના વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં આર્થિક સાર્વભૌમત્વ, સાંસ્કૃતિક સ્વાયત્તતા અને વૈશ્વિકીકરણથી પ્રભાવિત દુનિયામાં શાસન વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
બપોરના સત્રમાં બહુવિધલક્ષી સંસ્થાઓ અને સંક્રમણ કાળ પર પેનલ-4 યોજાઈ હતી. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર રુચિરા કંબોજ, ધર્મ એલાયન્સના સ્થાપક પ્રશાંત શર્મા (મોડરેટર), ઇન્ડિયન એસોસિએશન ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (IAIS) ના સેક્રેટરી જનરલ રાજીવ નયન તથા ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) ના ડાયરેક્ટર સમીર પાટીલે ભાગ લીધો હતો. આ સત્રમાં અનય જોગલેકરે મુખ્ય પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. આ પેનલે બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ વચ્ચે બહુવિધલક્ષી સંસ્થાઓની કામગીરી અને તેમાં સુધારાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી. આજના દિવસે થિંક ટેન્ક્સ, પ્રોફેશનલ્સ અને શિક્ષણ પર પોડકાસ્ટ સત્રોની શ્રેણી પણ યોજાઈ હતી. આ સત્ર દરમિયાન પેનલિસ્ટ્સ દ્વારા ઓગસ્ટ ક્રાંતિ મેદાન ઘોષણાપત્ર (August Kranti Maidan Declaration) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
લોક જોડાણને વધુ રસપ્રદ અને આકર્ષક બનાવવામાં આવ્યું, જે અંતર્ગત આજે 5મા દિવસે મુલાકાતીઓએ આકર્ષક લેસર શો અને શેરી નાટકોનો આનંદ માણ્યો હતો. સાંજના લેસર શોમાં પ્રકાશ, અવાજ અને વર્ણન દ્વારા વસુધૈવ કુટુમ્બકમના મુખ્ય વિષયો અને પરિવાર-સમાજ વચ્ચેના આંતર સંબંધોને રજૂ કરવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવા જૂથો દ્વારા રજૂ કરાયેલા શેરી નાટકોએ મૂલ્યો, જવાબદારી અને ન્યાય જેવા સામાજિક વિષયો પર લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.
એકંદરે, 20 જાન્યુઆરીનો દિવસ સાર્વભૌમત્વ, વૈશ્વિક સહયોગ અને સંસ્થાકીય સુધારા પર કેન્દ્રિત રહ્યો હતો, જેમાં યુવા પેઢી અને સામાન્ય જનતાની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
આ વિવિધ કાર્યક્રમો ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં સવારે નવ વાગ્યાથી શરૂ થાય છે. આ તમામ કાર્યક્રમો 22મી જાન્યુઆરી સુધી ચાલનાર છે અને તેમાં જાહેર જનતા ખુલ્લાં અને નિઃશુલ્ક છે.