કામગારોની અછતને કારણે APMC માર્કેટમાં ગાડીઓના પ્રવેશ પર રિસ્ટ્રિક્શન

17 May, 2020 07:27 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કામગારોની અછતને કારણે APMC માર્કેટમાં ગાડીઓના પ્રવેશ પર રિસ્ટ્રિક્શન

એપીએમસી માર્કેટ

નવી મુંબઈમાં આવેલી એપીએમસીની પાંચ માર્કેટો દાણા બંદર, મસાલા માર્કેટ, શાકભાજી માર્કેટ, ફ્રૂટ્સ માર્કેટ અને કાંદા-બટાટા માર્કેટ સોમવારથી ફરી ખૂલી રહી છે, પણ ટ્રક લૉડિંગ, અન-લૉડિંગ કરનાર માથાડી કામગારોમાંથી ઘણા કામગારો કોરોનાના કારણે વતન જતા રહ્યા હોવાથી એ સમસ્યા માર્કેટને પજવશે. એથી હાલમાં ગણતરીની ૩૦૦ ટ્રકોને જ માર્કેટ યાર્ડમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે.

એપીએમસીની માર્કેટો ફરી ખોલવા સંદર્ભે શનિવારે સરકારી ઉચ્ચ અધિકારી, એપીએમસીના ડિરેક્ટરો, વેપારીઓ, માથાડી કામગાર નેતાની ગઈ કાલે શનિવારે સાંજે ૪ વાગ્યે બેઠક યોજાઈ હતી જેમાં સોમવારથી માર્કેટો ખોલવાનો નિર્ણય લેવાયો હતો. આ વિશે માહિતી આપતાં ગ્રોમાના જૉઇન્ટ સેક્રેટરી ભિમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘ગઈ કાલની મીટિંગમાં કોંકણ પ્રાંતના મુખ્ય અધિકારી શિવાજી દોંડ, ગ્રોમાના એપીએમસીના ડિરેક્ટર નીલેશ વીરા, ગ્રોમાના વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્ર ગજરા, સેક્રેટરી અમૃત જૈન અને સલાહકાર અશોક બડિયા સાથે માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલ અને શશિકાંત શિંદે હાજર રહ્યા હતા.
હાલમાં માથાડી કામગારોની સંખ્યા ઓછી હોવાથી રોજની માત્ર ૩૦૦ જ ગાડીઓ માર્કેટ યાર્ડમાં લેવાની પરવાનગી અપાઈ છે. બાકી બધી જ ટ્રકોએ રસ્તા પર પાર્કિંગ ન કરતાં ટ્ર્ક ટર્મિનલમાં જ તેમની ટ્રકો પાર્ક કરવાની રહેશે. તેમને દરેકને ટૉકન અપાશે અને એ મુજબ જ તેમણે યાર્ડમાં એન્ટ્રી લેવાની રહેશે.

વેપારીઓને ખાસ ચેતવણી અપાઈ છે કે કોઈ પણ હિસાબે ઓવર ટ્રેડિંગ કરીને માલ મગાવતા નહીં, નહીં તો એ વધારાની ટ્રકો બાબતે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. વળી માર્કેટ સવારના ૯થી સાંજના પાંચ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. સોમ, બુધ અને શુક્ર લૉડિંગ થશે અને મંગળ, ગુરુ, શનિ અન-લૉડિંગ થશે. એ ઉપરાંત કોરોના વિશે જે નિયમો પાળવાના હોય છે જેવા કે માસ્ક પહેરવો, સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવું, સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો વગેરે નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.’

એપીએમસીના કર્મચારીઓ લાઈનમાં કલાકો સુધી ઊભા તો રહ્યા, પણ બધાની મેડિકલ તપાસ ન થઈ શકી

નવી મુંબઈ એપીએમસી માર્કેટ સોમવારથી ખૂલવાની હોવાથી એ પહેલાં સાવચેતીના પગલે દરેક કર્મચારીની મેડિકલ તપાસ કરાવવાનું આયોજન નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરાયું છે, પણ એપીએમસીના અનેક કર્મચારીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ તેમનો વારો ન આવતો હોવાની ફરિયાદ કરાઈ છે.

આ બાબતે માહિતી આપતાં એપીએમસીના દાણાબંદરના ડાયરેક્ટર નીલેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવી મુંબઈની પરિસ્થિતિ હાલ ખરાબ છે, રોજેરોજ નવા કેસ બહાર આવી રહ્યા છે. આપણે માર્કેટ ચાલુ કરવી છે પણ આપણો મૂળ ઉદ્દેશ એ છે કે કોઈ અવૉન્ટેડ માણસ(કોરોનાગ્રસ્ત) કે તેનાં લક્ષણ ધરાવતી વ્યક્તિ જો માર્કેટમાં પૂરતી કાળજી વગર પ્રવેશે તો એ બધા માટે જોખમી છે. એથી આપણે એવો કેસ કોઈ ન પ્રવેશે એનું ધ્યાન રાખવાનું છે. એનએમએમસીને પૂરતો સહકાર આપવો પડશે. હાલ કર્મચારીઓને લાઈનમાં ઊભા રહેવું પડે છે અને ચકાસણી કરાવ્યા વગર પાછું જવું પડે છે એ અમે પણ જાણીએ છીએ, પણ હકીકત એ છે કે એનએમએમસી પાસે ઓછો મેડિકલ સ્ટાફ છે. એથી આપણે જે કૅમ્પ લઇએ છીએ એમાં પણ ઓછો સ્ટાફ આવે છે. આપણને પહેલાં એમ કહેવાયું હતું કે પાંચ ટીમ આવશે, પણ આમાંથી માત્ર ૨ જ ટીમ આવી હતી. એ પણ અન્ય જગ્યાએ કૅમ્પ કરીને આવી હોવાથી લેટ આવી અને વળી જલદી નીકળી ગઈ. એ લોકો હાલ ઓવરલોડ કામ કરી રહ્યા છે. બહુ જ સ્ટ્રેસમાં કામ કરી રહ્યા છે. આપણે તેમને જબરદસ્તી ન કરી શકીએ. આપણે તેમને શક્ય એટલો સહકાર આપી આપણી મેડિકલ તપાસ કરાવી કામે ચડવાનું છે.’

mumbai mumbai news navi mumbai vashi apmc market coronavirus covid19