જ્વેલરી સ્ટોરની મહિલાએ જબરું તિકડમ કર્યું

19 April, 2024 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રાહકને બતાવવાના બહાને પોણાબે લાખ રૂપિયાની સાચી ચેઇન ચોરીને ખોટી સ્ટૉકમાં મૂકી દીધી

પ્રતીકાત્મક તસવીર

વસઈ-વેસ્ટમાં બાભોલા નાકા નજીક આવેલી તનિષ્ક જ્વેલર્સમાં ૧,૭૫,૦૦૦ રૂપિયાની ચેઇન ચોરી થવાની ઘટના બની હતી. એની તપાસમાં દુકાનમાં કામ કરતી મહિલા અમૃતા સકપાળે જ આ કાંડ તેના સાથીની મદદથી કર્યો હોવાનું જાણવા મળ્યું છે. દુકાનના મૅનેજરે ૧૪ એપ્રિલે બપોરે બીજા ગ્રાહકને બતાવવા માટે ચેઇનનો સ્ટૉક કાઢ્યો ત્યારે એમાં એક ચેઇન ખોટી મળતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. દુકાનમાં લગાવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ ચેક કરતાં ૧૧ એપ્રિલે દુકાનમાં ચેઇન જોવા આવેલી એક વ્યક્તિને અમૃતાએ ચેઇન બતાવવાનો ઢોંગ કરીને ખોટી ચેઇન યુવાન પાસેથી લઈને સ્ટૉકમાં રાખી હતી. આ સમગ્ર મામલો બહાર આવતાં તનિષ્ક જ્વેલર્સે પોતાના સ્ટાફ સહિત અન્ય એક યુવાન સામે માણિકપુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દુકાનમાં ચોરી થઈ હોવાનાં CCTV કૅમેરાનાં ફુટેજ અમને મળ્યાં છે એમ જણાવતાં માણિકપુર પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારી અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અનિલ ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફુટેજના આધારે સ્ટાફ સહિત બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે હાલમાં કોઈની ધરપકડ થઈ નથી.’ 

mumbai news Crime News vasai thane crime