પિતા-પુત્રએ ટ્રૅક પર સૂઈને શા માટે કરી આત્મહત્યા?

09 July, 2024 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરાના છએક મહિના પહેલાં જ સાઉથ ઇન્ડિયન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન થયાં હતાં

પ્રતીકાત્મક તસવીર

વસઈના એવરશાઇનગરમાં રહેતા ૬૦ વર્ષના ગુજરાતી બ્રાહ્મણ હરીશ મહેતા અને તેમના ૩૦ વર્ષના પુત્ર જય મહેતા ગઈ કાલે ભાઈંદર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૬ પાસે પાટા પર સૂઈ ગયા હતા. થોડી વારમાં ટ્રૅક પર ચર્ચગેટ જતી લોકલ ટ્રેનની નીચે બન્ને આવી જતાં તેમનાં કરુણ મૃત્યુ થયાં હતાં. પોલીસના કહેવા મુજબ પિતા-પુત્ર પ્લૅટફૉર્મ પરથી ઊતરીને રેલવેના ટ્રૅક પર મીરા રોડ તરફ ગયા હતા એટલે તેમણે સુસાઇડ કર્યું હોવાની શક્યતા છે. તેમણે આવું પગલું શા માટે ભર્યું હશે એવો સવાલ થઈ રહ્યો છે. વસઈ રેલવે-પોલીસે બન્નેનાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જે આજે તેમના પરિવારને સોંપાવાની શક્યતા છે. જય મહેતાના છએક મહિના પહેલાં જ તેની સાઉથ ઇન્ડિયન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન થયાં હતાં અને તેની માતાનું કોરોના મહામારીમાં અવસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

વસઈ રેલવે પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે દસેક વાગ્યે ભાઈંદર રેલવે-સ્ટેશનના ૬ નંબરના પ્લૅટફૉર્મથી થોડે દૂર મીરા રોડ તરફના ટ્રૅક પર બે વ્યક્તિના ટ્રેનની નીચે કપાઈ ગયેલા મૃતદેહ પડ્યા હોવાની જાણ થયા બાદ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આ મૃતદેહ ૬૦ વર્ષના હરીશ મહેતા અને તેમના ૩૦ વર્ષના પુત્ર જય મહેતાના છે. રેલવે સ્ટેશનના ક્લોઝડ સરકિટ ટેલિવિઝન કૅમેરા (CCTV)ના ફુટેજમાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે બન્ને પ્લૅટફૉર્મથી ઊતરીને મીરા રોડ તરફ ગયા હતા અને પાટા પર સૂઈ ગયા હતા. ચર્ચગેટ તરફ જતી ટ્રેનની નીચે તેઓ કપાઈ ગયા હતા. મૃતદેહોનો તાબો લઈને અમે પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલમાં મોકલી દીધા છે. આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તેમણે શા માટે આ પગલું ભર્યું હતું એ જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.’

vasai suicide mira road bhayander mumbai police mumbai mumbai news