વસઈ-વિરાર સુધરાઈનો એકદમ રેઢિયાળ કારભાર

16 January, 2022 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટર ન હોવા છતાં ઑપરેશન કરીને દરદીઓને મુશ્કેલીમાં મૂકનાર બોગસ ઑર્થોપેડિક ડૉક્ટરની વસઈ પોલીસે કરી ધરપકડ : ચીટિંગ સહિતના કેસમાં પકડાયેલા આ ડૉક્ટરે કોરોનાના સમયમાં મીરા-ભાઈંદરની સરકારી હૉસ્પિટલમાં એક વર્ષ કામ કર્યું હતું

આરોપી હેમંત પાટીલ ઉર્ફે હેમંત સોનાવણે

વસઈ-વિરાર પરિસરમાં બોગસ ઑર્થોપેડિક ડૉક્ટર હેમંત પાટીલ ઉર્ફે હેમંત સોનાવણેની વસઈ પોલીસે ચીટિંગ સહિતના મામલામાં ધરપકડ કર્યા બાદ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ડૉક્ટરે કોરોનાના સમયમાં મીરા-ભાઈંદરમાં આવેલી સરકારી હૉસ્પિટલમાં એક વર્ષ કામ કર્યું હતું. મહત્ત્વની વાત એ છે કે જેની પાસે ડૉક્ટરની ડિગ્રી નથી તેને એક નહીં પણ બબ્બે મહાનગરપાલિકાએ કેવી રીતે આરોગ્ય વિભાગમાં કામે રાખ્યો? કેટલીક મહિલાઓની છેડતી કરવાની ફરિયાદ મળ્યા બાદ આ બોગસ ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આવી નિયુક્તિ કરનારા સુધરાઈના અધિકારી સામે કાર્યવાહી કરવાની માગણી કરાઈ રહી છે.
વસઈ પોલીસે બે દિવસ પહેલાં બોગસ ઑર્થોપેડિક ડૉક્ટર હેમંત પાટીલ ઉર્ફે હેમંત સોનાવણેની ધરપકડ કરી હતી. ડૉક્ટર ન હોવા છતાં ઑપરેશન કરીને મુશ્કેલીમાં મુકાયેલા કેટલાક દરદીઓએ વસઈ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તે પલાયન થઈ ગયો હતો. જોકે બાદમાં પોલીસે તેની થાણેમાંથી ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જણાયું હતું કે આરોપી ગયા વર્ષે મીરા ભાઈંદર મહાનગરપાલિકાની ટેમ્બા હૉસ્પિટલમાં કાર્યરત હતો ત્યારે તેણે કેટલીક મહિલાઓની છેડતી કરતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
કોઈની પણ નિયુક્તિ કરતાં પહેલાં ડિગ્રી અને અનુભવને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આરોપી હેમંત પાટીલની કોરોનાની પહેલી લહેરમાં સરકારી હૉસ્પિટલમાં કોઈ પણ જાતની ચકાસણી કર્યા વિના નિયુક્તિ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ એક વર્ષ અહીં કામ કરતી વખતે અશ્લીલ વર્તન અને કામમાં ધ્યાન ન આપતો હોવાની ફરિયાદ મળતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેને એ સમયે મહિને ૬૦ હજાર રૂપિયા પગાર અપાતો હતો. અનીતા દીક્ષિત નામની એક મહિલા કર્મચારીએ હેમંત પાટીલ સામે ફરિયાદ નોંધાવીને કમિશનરને જાણ કરતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
હવે જ્યારે બોગસ ડૉક્ટરની ધરપકડ વસઈ પોલીસે કરી છે ત્યારે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના એ સમયના ઇન્ચાર્જ ડૉ. પ્રમોદ પડવળ સામે કાર્યવાહી કરવાની માગણી કરીને ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. બીજી પણ કેટલીક સામાજિક સંસ્થાઓએ આવી માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

મીરા-ભાઈંદરમાં બોગસ ડૉક્ટરો રડાર પર
બોગસ સર્ટિફિકેટના આધારે પ્રૅક્ટિસ કરનારાઓ સામે પહેલાં પ્રશાસન દ્વારા કાર્યવાહી કરાતી હતી, પરંતુ છેલ્લાં ચાર વર્ષથી આવી કાર્યવાહી બંધ કરી દેવામાં આવી છે. હેમંત પાટીલનો મામલો સામે આવ્યા બાદ મીરા-ભાઈંદર પ્રશાસન સફાળું જાગ્યું છે. સુધરાઈના મેડિકલ ઑફિસર નંદકુમાર લહાણેએ કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદર ક્ષેત્રમાં ૨૦૫ હૉસ્પિટલ અને ૮૮૭ પ્રાઇવેટ ક્લિનિક છે. સામાન્ય રીતે પ્રશાસન દ્વારા તમામ ડૉક્ટરોનાં સર્ટિફિકેટ ચકાસાય છે, પરંતુ બે વર્ષથી કોરોનાને લીધે એ બંધ છે. હવે ચકાસણી મીરા-ભાઈંદર પ્રશાસન નહીં પણ રાજ્ય સરકારના હેલ્થ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. એમાં કોઈ ડૉક્ટર બોગસ સર્ટિફિકેટથી પ્રૅક્ટિસ કરતો હોવાનું જણાશે તો તેની સામે પ્રશાસન કાર્યવાહી કરવાને બદલે પોલીસ સ્ટેશનમાં જ સીધી ફરિયાદ નોંધવામાં આવશે.’

mumbai mumbai news coronavirus covid19 mira road bhayander