ટ્રેન ચાલુ થતાં જ જૈન મહિલાનું બૅલૅન્સ ગયું, પડ્યાં પણ જીવ બચ્યો

21 September, 2021 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદ જઈ રહેલાં સિનિયર સિટિઝન પ્રમીલા મારૂ વસઈ સ્ટેશને ટ્રેનમાં ચડતી વખતે ટ્રૅક અને પ્લૅટફૉર્મના ગૅપ વચ્ચેથી નીચે જ જવાનાં હતાં પરંતુ તેમને બહાર ખેંચી લેવાયાં હતાં : જોકે તેમને મલ્ટિપલ ફ્રૅક્ચર્સ આવ્યાં છે

વસઈ સ્ટેશન પર પ્રમીલા મારૂ પ્લૅટફૉર્મ અને ટ્રૅકના ગૅપ વચ્ચે આવી ગયાં અને તેમના પતિએ કઈ રીતે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો એ સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગયું હતું

હૈદરાબાદમાં રહેતી ૭૧ વર્ષની સિનિયર સિટિઝન પ્રમીલા મારૂને વસઈ જીઆરપીએ નવજીવન આપ્યું છે. તેઓ તેમના ૭૪ વર્ષના પતિ નવીનચંદ્ર મારૂ સાથે પ્લૅટફૉર્મ નંબર-૭ પર ચા લેવા માટે ભાવનગર-કાકીનાડા સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેનમાંથી વસઈ રેલવે સ્ટેશન પર ઊતર્યાં હતાં. એ વખતે અચાનક જ ટ્રેન ચાલવા લાગી હતી ત્યારે તેમનું બૅલૅન્સ જતું રહ્યું હતું. આ બનાવ પ્લૅટફૉર્મના સીસીટીવી કૅમેરામાં કેદ પણ થયો હતો.

અચાનક ટ્રેન શરૂ થતાં ટ્રેન જતી રહેશે એથી ગભરાયેલા દંપતીએ ટ્રેન પકડવાની કોશિશ કરતાં પ્રમિલા મારૂએ બેલેન્સ ગુમાવતાં તેઓ લપસી ગયાં હતાં. લપસી જવાનું મુખ્ય કારણ એ હતું કે તેમણે એક હાથમાં ચાનો કપ પકડી રાખ્યો હતો અને બીજા હાથથી તેમણે કોચના સ્ટીલનો રોડ પકડવાનો પ્રયાસ કર્યો હતો. આમ કરતી વખતે તેમણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હોવાથી પ્લૅટફૉર્મ અને ટ્રેકના ગૅપ વચ્ચે પડી ગયાં હતાં, ત્યારે જ ટ્રેન સ્પીડથી ઉપડવાની શરૂઆત કરી રહી હતી અને તેમના પતિ પણ પત્નીને બચાવવા દોડી રહ્યા હતા.

આ બનાવ વિશે માહિતી આપતાં વસઈ જીઆરપીના સચિન ઇનગાવલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહિલા પ્રવાસીને ગૅપમાં પડતાં જોતા પ્લૅટફૉર્મ પર ફરજ બજાવી રહેલા ૩ જીઆરપી પોલીસ મહિલાને બચાવવા દોડ્યા હતા. તેઓએ મહિલાને પ્લૅટફૉર્મ પર ખેંચવાનો પ્રયાસ કર્યો અને તેઓ સફળ રહ્યા અને ટ્રેન પ્લૅટફૉર્મ પરથી નીકળી ગઈ હતી. આ મહિલા ટ્રેન દ્વારા ખેંચાઈ ગઈ હોવાથી તેમની કમર વળી ગઈ હતી, એથી તેમને તાત્કાલિક પાસે આવેલી રવિ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમને કમર અને અન્ય ભાગમાં ઘણાંબધાં ફ્રેક્ચર આવ્યાં હોવાનું સમજાયું હતું, પરંતુ હૉસ્પિટલના ડૉક્ટરે કહ્યું હતું કે સદ્નસીબે તેમના બન્ને પગ વ્યવસ્થિત છે, પણ પગમાં ઈજા થઈ હતી. તેમની કમરના ફ્રેક્ચરને કારણે તેઓ થોડા દિવસ માટે હૉસ્પિટલમાં રહીને સારવાર લેશે. જો મહિલા આખા પ્લૅટફૉર્મ પર ખેંચાઈ હોત તો તેમનું બચવું શક્ય નહોતું. એક હાથમાં ચાના કપને સંતુલિત કરતાં ટ્રેનમાં ચડવા જઈ રહ્યાં હોવાથી તેમણે સંતુલન ગુમાવ્યું હતું.’

પાલિતાણામાં બે મહિનાથી સાધર્મિક કરવા રોકાયાં હતાં અને હૈદરાબાદ ઘેર જઈ રહ્યાં હતાં એમ કહેતાં પ્રમિલાબહેનના પતિ નવીનભાઈ મારૂએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચાતુર્માસ હોવાથી પાલિતાણામાં અમે બે મહિના ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાં ગયાં હતાં. ટ્રેન પકડીને અમે ૨૭ કલાકની મુસાફરી કરીને સિકંદરાબાદ ઘેર જઈ રહ્યાં હતાં. અમારી ટ્રેન વસઈ થઈને કલ્યાણથી પુણે જઈને હૈદરાબાદ જવાની હતી. ચૌવિહાર કરવાનો હોવાથી મારી વસઈમાં રહેતી બહેન ચા લઈને સ્ટેશને આવી હતી. સ્ટેશને ચા લીધી અને ટ્રેન શરૂ થવાની હતી એટલે મારી પત્નીએ એક પગ મૂક્યો જ હતો કે એ વખતે અચાનક જ ટ્રેન શરૂ થવા લાગી હતી, પરંતુ બેલેન્સ ન રહેતાં તે નીચે પડી ગઈ હતી. તેને પગમાં અનેક ફ્રેકચર આવ્યાં હોવાથી મૅજર ઑપરેશન કરવું પડશે. હાલમાં અમે ખૂબ આઘાતમાં હોવાથી વધુ કંઈ બોલી શકીએ એ પરિસ્થિતિમાં નથી.’

mumbai mumbai news vasai hyderabad preeti khuman-thakur