વસઈમાં પોલીસ-ઑફિસરને કોરોનાનું સંક્રમણ

11 April, 2020 11:45 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

વસઈમાં પોલીસ-ઑફિસરને કોરોનાનું સંક્રમણ

વસઈ-વિરાર પટ્ટામાં કોરોનાના દરદીઓમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ભયનું વાતાવરણ સર્જાયું છે. ગઈ કાલે એક પોલીસ અધિકારી અને એક મહિલાને કોરોનાનું સંક્રમણ થવાની સાથે અત્યાર સુધી અહીં કોરોનાના ૩૧ કેસ સામે આવ્યા છે.
વિરારમાં રહેતા ૫૭ વર્ષના એક પોલીસ અધિકારીને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ રહે છે વિરારમાં, પણ ડ્યુટી અંધેરીના પોલીસ-સ્ટેશનમાં છે. કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાતાં તેમને નાલાસોપારાની રિદ્ધિવિનાયક હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયા છે, જ્યારે તેમના ચાર પરિવારજનોને હોમ-ક્વૉરન્ટીન કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાના અન્ય કેસમાં વસઈમાં રહેતી બાવન વર્ષની મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેના પતિને કોરોનાનું સંક્રમણ થયું હોવાથી તેને પણ ચેપ લાગ્યો છે. પતિનું પાંચમી એપ્રિલે મૃત્યુ થયું હતું. અત્યારે આ મહિલાને એક હૉસ્પિટલમાં આઇસોલેશનમાં રખાઈ છે.
આ બે નવા કેસ સાથે વસઈ-વિરારમાં અત્યાર સુધી કોરોનાના ૩૧ દરદીઓ નોંધાયા છે. પાલઘરમાં બે પેશન્ટ જોવા મળવાની સાથે અહીં ચાર જણનાં આ બીમારીમાં મૃત્યુ પણ થયાં છે. ચોંકાવનારી વાત એ છે કે કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી પાલિકા પ્રશાસન અને પોલીસે અહીંના ૯ વિભાગને ડેન્જર ઝોન જાહેર કર્યા હોવા છતાં લોકો ખુલ્લેઆમ ખરીદી કરવા નીકળી પડે છે.
પાલઘર જિલ્લા પ્રશાસન, વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકા તથા પોલીસ આ વાઇરસ ખૂબ જોખમી હોવાથી એનાથી બચવા માટે અત્યંત જરૂરી કામ સિવાય કોઈએ ઘરમાંથી બહાર ન નીકળવાની ચેતવણી આપતાં હોવા છતાં અનેક જગ્યાએ લોકો એને ગંભીરતાથી નથી લેતા આથી અહીં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ભયનું વાતાવરણ સર્જાયું છે.

vasai coronavirus covid19 mumbai mumbai news