ખાનગી કેન્દ્રો પર ૬૮ ટકા ઘટ્યું વૅક્સિનેશનનું પ્રમાણ

25 October, 2021 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૈસા ખર્ચીને રસી લેનારા લોકોનું રસીકરણ હવે પૂરું થઈ ગયું હોવાથી પ્રાઇવેટ સેન્ટરો પર લોકોની ગિરદી ઘટી

જસલોક હૉસ્પિટલ દ્વારા આયોજિત કોવિડ-19 વૅક્સિન ઝુંબેશમાં એક મહિલાને રસી અપાઈ રહી છે.

મુંબઈમાં વૅક્સિનેશનની ઝુંબેશમાં અત્યાર સુધી અગ્રેસર રહેલી પ્રાઇવેટ હૉસ્પિટલોમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં રસીકરણમાં ૬૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, જે માટે નિષ્ણાતો પૈસા ચૂકવી શકે એવી વસ્તીને ઓછામાં ઓછી એક વૅક્સિન મળી ચૂકી હોવાનું કારણ આપે છે.

તમામ ખાનગી હૉસ્પિટલો માટે વૅક્સિનેશન અને કોવિડ-19ના ચીફ કો-ઑર્ડિનેટર ડૉક્ટર ગૌતમ ભણસાલીએ કહ્યું હતું કે ‘રસીના પૈસા ખર્ચી શકનારા લોકોએ અત્યાર સુધીમાં ખાનગી હૉસ્પિટલોમાં રસીનો પહેલો ડોઝ લેતાં હવે રસીકરણ માટે પૈસા ખર્ચવાની તાકાત ન ધરાવતા લોકો જ બાકી રહ્યા છે.’

પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ ખાનગી હૉસ્પિટલોમાં રસીનો પ્રથમ ડોઝ લેવા આવનારાઓની સંખ્યામાં ૮૩.૪ ટકાનો અને બીજો ડોઝ લેવા આવનારાઓની સંખ્યામાં ૫૮.૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએમસી ખાનગી ખેલાડીઓને સીએસઆર પ્રવૃત્તિના ભાગરૂપે પૈસા ખર્ચી ન શકતા લોકોને વૅક્સિનેટ કરવા પ્રોત્સાહિત કરી રહી છે.

તબીબી અને આકસ્મિક કટોકટીના કેસ સાથે કામ કરતા એનજીઓ ગોલ્ડન અવર ફાઉન્ડેશને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને રસી આપવા માટે બીએમસી સાથે હાથ મિલાવ્યા છે. આ ફાઉન્ડેશનના વડા ડૉ. ભણસાલીએ જણાવ્યું હતું કે ‘આ માટે બીએમસી અમને સંબંધિત વિસ્તારના ડેટા અને સ્થળો વિશે જણાવી મદદ કરી રહી છે. હાલમાં મુંબઈમાં ૯ ઝૂંપડપટ્ટીમાં અમારી રસીકરણ ઝુંબેશ ચાલુ છે.’

એમએમઆરમાં ૧૦૦ ટકા લોકોને રસીકરણનો પ્રથમ ડોઝ આપનારું નવી મુંબઈ પ્રથમ કૉર્પોરેશન બન્યું છે. મુંબઈની વસ્તીના ૯૮ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૫૫ ટકાને બન્ને ડોઝ મળ્યા છે. મુંબઈમાં હાલમાં ૩૫૦ સરકારી અને ૧૯૨ ખાનગી કેન્દ્રો રસીકરણના કાર્યક્રમમાં સક્રિય છે.

coronavirus covid19 covid vaccine vaccination drive mumbai mumbai news