ટીનેજરોને વૅક્સિન આપવા ટૂરિસ્ટ-પ્લેસ પર વૅક્સિનેશન

28 May, 2022 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેકેશન ચાલુ હોવાથી બીએમસીએ છ ટૂરિસ્ટ-પ્લેસ પર ૧૨થી ૧૪ અને ૧૫થી ૧૭ વર્ષના વયજૂથનાં બાળકો માટે વૅક્સિન આપવાનું નક્કી કર્યું

બીએમસીએ ગેટવે ઑફ ઇન્ડિયામાં ગઈ કાલથી બાળકો માટે વૅક્સિનેશન ડ્રાઇવ શરૂ કરી હતી.

મુંબઈમાં કોવિડ વૅક્સિનેશન ડ્રાઇવને દરેક વયજૂથ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને લોકો લાઇન લગાવીને વૅક્સિન લેવા પડાપડી કરી રહ્યા હતા. જોકે એની સામે ૧૨થી ૧૪ અને ૧૫થી ૧૭ વર્ષના વયજૂથનો કોવિડ વૅક્સિનેશન ડ્રાઇવને ખૂબ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકો એક્ઝામમાં વ્યક્ત હોવાથી અને હવે વેકેશન પડવાની સાથે કોરોનાનું પ્રમાણ ઓછું થતાં આ વયજૂથ ખૂબ ઓછા પ્રમાણમાં વૅક્સિન લેવા આવે છે એટલે એનું પ્રમાણ વધારવા ટૂરિસ્ટ-પ્લેસ બેસ્ટ વિકલ્પ બની રહેશે. એથી બીએમસીએ છ ટૂરિસ્ટ-પ્લેસ પર વૅક્સિનેશન શરૂ કરવાનું નક્કી કર્યું છે અને સમયાંતરે એમાં વધારો કરવામાં આવશે. 
ટૂરિસ્ટ-પ્લેસ પર કોવિડ વૅક્સિનેશન ડ્રાઇવ વિશે માહિતી આપતાં બીએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પબ્લિક-હેલ્થ) સંજય કુરહાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈમાં બધા વયજૂથના નાગરિકો દ્વારા કોવિડ વૅક્સિનેશન ડ્રાઇવને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જોકે ૧૨થી ૧૪ અને ૧૫થી ૧૭ વયજૂથનાં બાળકો માટેની વૅક્સિનેશન ડ્રાઇવને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકોની સ્કૂલોમાં એક્ઝામ ચાલુ હોવાથી તેઓ એમાં વ્યસ્ત હોવાથી વૅક્સિન લઈ શક્યા નહીં હોય. એથી બીએમસીએ સોસાયટીઓમાં પણ તેમની વૅક્સિનેશન ડ્રાઇવ થાય એ વિકલ્પ રાખ્યો હતો. જોકે હવે વેકેશનમાં બાળકો તેમના પરિવાર સાથે રજાની મજા માણવામાં વ્યસ્ત છે. એથી આ વયજૂથમાં વૅક્સિનેશનનું પ્રમાણ વધારવા બીએમસી દ્વારા ટૂરિસ્ટ-પ્લેસ પર વૅક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બીએમસીના તમામ વૉર્ડના વૉર્ડ ઑફિસરોએ તેમના વૉર્ડમાં આવતાં તમામ ટૂરિસ્ટ-પ્લેસ વિશે માહિતી આપી હતી અને એના પરથી લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. એના પર વર્કઆઉટ કરીને હાલમાં છ જગ્યાએ વૅક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી કૅમ્પને સારો પ્રતિસાદ મળશે ત્યાં સુધી એ ચાલુ રાખવામાં આવશે.’

કઈ ટૂરિસ્ટ જગ્યાએ ડ્રાઇવ શરૂ થઈ?

૧) ગેટવે ઑફ ઇન્ડિયા (ગઈ કાલથી શરૂ થઈ)
૨) જહાંગીર આર્ટ ગૅલરી (આજથી)
૩) છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય
૪) જિજામાતા ઝૂ (ભાયખલા પ્રાણી સંગ્રહાલય)
૫) કાન્હેરી કેવ્સ
૬) સ્નો વર્લ્ડ (આર-સિટી મૉલ)

Mumbai mumbai news coronavirus covid19 covid vaccine