ઊર્મિલા માતોંડકર શિવસેનામાંથી વિધાન પરિષદમાં જશે?

31 October, 2020 10:32 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઊર્મિલા માતોંડકર શિવસેનામાંથી વિધાન પરિષદમાં જશે?

ઊર્મિલા માતોંડકર શિવસેનામાંથી વિધાન પરિષદમાં જશે?

રાજ્યની વિધાન પરિષદની ૧૨ ખાલી બેઠક માટેના ઉમેદવારની પસંદગીની મહા વિકાસ આઘાડી સરકારમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે બૉલીવુડની અભિનેત્રી ઊર્મિલા માતોંડકરને શિવસેનાના ક્વોટામાંથી ઉમેદવારી અપાઈ હોવાની શક્યતા જોવાઈ રહી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અભિનેત્રીને ફોન કર્યો હોવાની ચર્ચા છે. પક્ષના પ્રવક્તા સંજય રાઉતે પણ આ બાબતે રદિયો નથી આપ્યો.
ઊર્મિલા માતોંડકરને શિવસેનાના ક્વોટામાંથી વિધાન પરિષદની ઉમેદવારી સોંપવા બાબતે ખુદ ઉદ્ધવ ઠાકરેએ ફોન કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચગી છે. શિવસેનાના સંસદસભ્ય અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે ઊર્મિલા માતોંડકરને ઉમેદવારી આપવી કે નહીં એ નક્કી કરવાનો અખત્યાર મુખ્ય પ્રધાનનો છે. કૅબિનેટનો આ નિર્ણય છે એથી આના વિશે ઉદ્ધવ ઠાકરે જ ફાઇનલ નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી ઊર્મિલા માતોંડકરે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર મુંબઈની ચૂંટણીમાં કૉન્ગ્રેસ વતી ઉમેદવારી નોંધાવી હતી. જોકે તેનો બીજેપીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી સામે કારમો પરાજય થયો હતો. ત્યાર બાદ કૉન્ગ્રેસના આંતરિક રાજકારણને લીધે ઊર્મિલાએ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અન એપછી હવે ઊર્મિલા શિવસેનાના સંપર્કમાં હોવાનું ચર્ચાય છે. ઉદ્ધવ ઠાકરેએ તેની સાથે ફોન પર વાત કરી હોવાથી તેને શિવસેનાના ક્વોટામાંથી વિધાન પરિષદની ઉમેદવારી આપવાની શક્યતા છે.
રાજ્યની વિધાન પરિષદની ખાલી થયેલી ૧૨ બેઠક બાબતે સત્તાધારી પક્ષમાં જોરદાર રસ્સીખેંચ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. શિવસેના, કૉન્ગ્રેસ અને એનપીસી એ ત્રણેય પક્ષમાં અનેક લોકો વિધાન પરિષદમાં જવા ઉત્સુક હોવાથી એમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનું ત્રણેય પક્ષ માટે મુશ્કેલ બન્યું છે.
જાણવા મળ્યું છે કે ૧૨ નામ ફાઇનલ કરીને રાજ્યપાલને સોંપી દેવાયાં છે. કયા પક્ષમાંથી કોનું નામ અપાયું છે એ તો સમય આવ્યે જ જાણી શકાશે.

mumbai mumbai news shiv sena