નામચીન નક્સલવાદી પ્રશાંત કાંબળે ઉર્ફે લૅપટૉપ ઝડપાયો

06 May, 2025 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ વર્ષથી ફરાર હતો, ૬-૭ વર્ષથી ખોપોલીમાં છુપાયો હતો

૪૪ વર્ષના નક્સલવાદી પ્રશાંત કાંબળે

મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ પુણેના નિવાસી અને ૧૫ વર્ષથી ફરાર એવા ૪૪ વર્ષના નક્સલવાદી પ્રશાંત કાંબળેની ધરપકડ રાયગડ જિલ્લાના ખોપોલીમાંથી કરી છે. તે પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI-માઓવાદી)નો સક્રિય સભ્ય હોવાનો આરોપ છે. અર્બન નક્સલમાં પ્રશાંત કાંબળે એક મોટું નામ છે. તે લૅપટૉપ અને કમ્પ્યુટર રિપેરિંગમાં એક્સપર્ટ હોવાથી તે લૅપટૉપ તરીકે પણ ઓળખાય છે. તેનું કામ શહેરોમાં રહેતા ઉચ્ચ શિક્ષિત લોકોને નક્સલવાદીઓ સાથે જોડવાનું હતું. પોલીસે જણાવ્યું હતું કે છેલ્લાં ૬-૭ વર્ષથી તે ખોપોલીમાં છુપાઈને રહેતો હતો અને આદિવાસી બાળકોને ભણાવતો હતો.

થાણે ATSએ તેની સામે ૨૦૧૧માં કેસ નોંધ્યો હતો અને ૧૫ વર્ષથી તે વૉન્ટેડ હતો. રવિવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને સાત દિવસ માટે ૧૩ મે સુધી તેને પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસ-રેકૉર્ડ મુજબ પ્રશાંત કાંબળે પોતાના પરિવાર સાથે પુણેના તાડીવાલા રોડ પર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને તે કબીર કલા મંચ સાથે સંકળાયેલો હતો જે માઓવાદીઓનું એક સંગઠન છે. ૨૦૧૦ની ૧૫ નવેમ્બરે ૨૮ વર્ષની વયે તેણે કામ માટે મુંબઈ જાઉં છું એમ કહીને ઘર છોડ્યું હતું અને પછી તે ઘરે નહોતો ગયો. ૨૦૧૧ની ૧૮ જાન્યુઆરીએ તેના પરિવારે તે ગુમ થયો હોવાની ફરિયાદ પુણેના બંડ ગાર્ડન પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. પરિવારે જણાવ્યું હતું કે કાંબળેએ કમ્પ્યુટર રિપેર કરાવવા મુંબઈ જાઉં છું એમ કહીને ઘર છોડ્યું હતું.

પરિવારને કહ્યું હતું પાછો નહીં આવું
પ્રશાંત કાંબળેના ભાઈએ ૨૦૧૧માં ATSને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ‘લાપતા થયાના થોડા દિવસ બાદ પ્રશાંતે ફોન કરીને જણાવ્યું હતું કે હું નક્સલીઓમાં સામેલ થયો છું અને તેમની સાથે જંગલોમાં જઈ રહ્યો છું, મેં હથિયારોની ટ્રેઇનિંગ લીધી છે અને કમ્પ્યુટરના જ્ઞાનનો ઉપયોગ તેમના માટે કરું છું, મારા પાછા આવવાના બધા દરવાજા બંધ થયા છે, હું આગળ નીકળી ગયો છું, હું પાછો નહીં આવું.’

maharashtra maharashtra news anti-narcotics cell crime news mumbai crime news pune news mumbai mumbai news