રસ્તે જતી ગુજરાતી ટીનેજર ગમી જતાં તેની કરી છેડતી

30 November, 2022 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મર્સિડીઝમાં જઈ રહેલા ઉત્તર પ્રદેશના યુવાને કારમાં તેનો પીછો કર્યો, ઇશારા કર્યા અને પછી ફોન-નંબર લખેલી ચિઠ્ઠી આપી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

દિવસ-રાત જાગતા અને પ્રમાણમાં સેફ ગણાતા મુંબઈમાં પણ હવે ગુંડારાજ થવા જઈ રહ્યું છે કે શું એવો સવાલ થાય એવી ઘટના રવિવારે અંધેરી-વેસ્ટના આંબોલી પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.

કોચિંગ ક્લાસમાંથી રવિવારે બપોરે ૩.૩૦ વાગ્યે ઘરે જઈ રહેલી ૧૫ વર્ષની ગુજરાતી ટીનેજર અને તેની બહેનપણી સાથે આ ચોંકાવનારી ઘટના બની હતી. છેડતીની આ ઘટના વિશે માહિતી આપતાં આંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બંડોપંત બન્સોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બંને ટીનેજર પગપાળા જવા નીકળી હતી. એ વખતે આરોપી સલમાન કુરેશી તેના મિત્ર સાથે મર્સિડીઝ કારમાં હતો. તેને ગુજરાતી ટીનેજર ગમી ગઈ એટલે કાર એકદમ ધીમે ચલાવીને તેમનો પીછો કરવા, હાથ દેખાડવા અને ઇશારા કરવા માંડ્યો હતો. જોકે ટીનેજરે તેને ભાવ નહોતો આપ્યો. એ પછી પણ ટીનેજરનો પીછો કરવાનું ચાલુ રાખતાં બંને છોકરીઓ ગભરાઈ ગઈ હતી અને તેનાથી પીછો છોડાવવા રિક્ષા પકડી હતી. જોકે સલમાને તેમની રિક્ષાનો પણ પીછો કર્યો હતો. તેમની રિક્ષા ટ્રાફિકમાં ફસાઈ જતાં ઊભી રહી ગઈ હતી. એ તકનો લાભ લઈને સલમાન નીચે ઊતર્યો હતો અને રિક્ષા પાસે જઈ ગુજરાતી ટીનેજરની બૅગ પર એક ચિઠ્ઠી મૂકીને ચાલતી પકડી હતી. એમાં તેનો મોબાઇલ નંબર લખ્યો હતો. એથી ગભરાઈ ગયેલી ટીનેજરે ઘરે જઈને તેના પિતાને વાત કરી હતી અને એ મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી આપતાં તેના પિતાએ અમારો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.’

સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બન્સોડેએ વધુમાં કહ્યું હતું કે ‘સલમાન મુંબઈ ફરવા આવ્યો હતો અને ટીનેજર ગમી જતાં તેણે આવું પગલું ભર્યું હતું. અમે તેના ફોન-નંબરને ટ્રેસ કરીને તેને ઝડપી લીધો છે, જ્યારે તેનો મિત્ર રાત્રે જ ઉત્તર પ્રદેશ જતો રહ્યો છે. અમે તેની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. જોકે આ બેલેબલ ઑફેન્સ હોવાથી તેને જેલ-કસ્ટડી થઈ છે અને હાલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.’

mumbai mumbai news Crime News mumbai crime news andheri