માવઠાએ કરી દ્રાક્ષને ખાટી

20 March, 2023 09:22 AM IST  |  Mumbai | Rohit Parikh

પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ દ્રાક્ષ બગડી જાય એ પહેલાં જ કિસમિસ બનાવવાની શરૂઆત કરી ઃ હવે એના ભાવ તૂટવાની પૂરતી સંભાવના

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના નાશિક અને અન્ય જિલ્લાઓમાં આ મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે દ્રાક્ષ અને અન્ય પાકોને ભયંકર નુકસાન થવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. તેઓ કહે છે કે ‘અત્યારે અમારી હાલત એવી છે કે અમે પાકને જીવાતોથી બચાવવાની ચિંતા કરવાને બદલે એને ખુલ્લામાં સડવા દેવાનું શરૂ કર્યું છે. દ્રાક્ષના પાકની હાલત એટલી ગંભીર છે કે અમે એમાંથી કિસમિસ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અમે હજી પહેલા ફટકામાંથી બહાર આવ્યા નથી ત્યાં ફરીથી વરસાદ આવવાની આગાહીથી અમારા પગ ધ્રૂજી ગયા છે. અમુક ખેડૂતોને ઘરના પ્રસંગોને મુલતવી રાખવાના નિર્ણય લેવાની નોબત આવી છે.’

અમે અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ એમ જણાવીને ઑલ ઇન્ડિયા ગ્રેપ્સ ગ્રોવર્સ ફેડરેશનના અધ્યક્ષ સોપાન કાંચને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ૬ માર્ચથી શરૂ થયેલા કમોસમી વરસાદના કારણે ખાલી દ્રાક્ષને નહીં, અનેક ફળો અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આમાંથી ચાર જિલ્લા નાશિક વિભાગમાં આવે છે અને પાંચમો કોંકણમાં આવે છે. અત્યારે આ દ્રાક્ષની લણણીની  મોસમ છે અને વરસાદને કારણે ફળ પર તિરાડ પડી શકે છે અને આખરે એને નુકસાન થાય છે. અત્યાર સુધીમાં પાકને કેટલું નુકસાન થયું અને એની કેટલી આડઅસર થશે એના આંકડા આવતાં હજી વાર લાગશે. આના પર સરકારી ધોરણે સર્વે થઈ રહ્યો છે. જોકે દ્રાક્ષના ભાવ એકદમ ડાઉન થઈ ગયા છે. હવામાન આવું જ રહેશે તો એનાથી ખેડૂતોની હાલત ખૂબ જ ગંભીર થવાની પૂરી શક્યતા છે.’

એક અંદાજ પ્રમાણે નાશિક વિભાગના નાશિક, ધુળે, જળગાવ અને અહમદનગર જિલ્લામાં અને કોંકણ વિભાગના પાલઘર જિલ્લામાં ૬,૮૦૦ હેક્ટર જમીન પરના પાકને નુકસાન થયું છે. સામૂહિક રીતે આ પાંચ જિલ્લામાં ૧૨ તાલુકા એવા છે જ્યાં પાકને નુકસાન થયું છે. આ માહિતી આપતાં સોપાન કાંચને કહ્યું હતું કે ‘આ આંકડા અત્યારે રાજ્યના કૃષિ વિભાગના અધિકારીનો આ પ્રારંભિક અહેવાલ છે જે તેમના જિલ્લા એકમોના પ્રતિસાદના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. પંચનામા બાદ આ આંકડા બદલાય એવી શક્યતા છે.’

દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાં ઝાપટાં પડ્યાં હતાં એમ જણાવતાં રત્નાગિરિના ખેડૂત રૂપેશ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાદળિયા વાતાવરણને કારણે કેરીમાં જીવાતો પડવાની શરૂઆત થઈ ગઈ છે. એની સાથે ગરમી પણ બહુ જ છે, જેને કારણે કેરીનાં ફળ મોટાં થયાં પહેલાં જ ઝાડ પરથી નીચે પડી જાય છે. અત્યારે એક અંદાજ મુજબ ૨૫ ટકા નુકસાન તો થઈ ગયું છે.’

આવા હવામાનથી ફળો અને શાકભાજીમાં જીવાતો અને રોગો પેદા થવાની શક્યતાઓ વધારે હોય છે એમ જણાવતાં વેજિટેબલ્સ ગ્રોવર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ શ્રીરામ ગાઢવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ હવામાનને કારણે દ્રાક્ષ, ઘઉં, ચણા અને મકાઈ જેવા અન્ય પાકો પણ જોખમમાં છે. ડિંડોરી તાલુકાના ખેડૂત મહેશ કિનવતે જણાવ્યું હતું કે ‘ભારે વરસાદને કારણે કાપણી માટે તૈયાર ઘઉં રાતોરાત પડી ગયા હતા. મને સવારે મારી ચાલુ લણણી પાણીમાં ડૂબી ગયેલી જોવા મળી, જ્યારે ઊભો પાક પડી ગયો હતો. હું ત્રણ મહિનામાં પૈસા કમાવાની અને મારા પુત્રનાં લગ્ન માટે એનો ઉપયોગ કરવાની આશા રાખતો હતો. એને બદલે મને મારા પુત્રનાં લગ્ન મુલતવી રાખવાની નોબત આવી છે.’

વરસાદથી દ્રાક્ષના પાકને ભારે નુકસાન થશે એમ જણાવતાં શ્રીરામ ગાઢવેએ કહ્યું હતું કે ‘નુકસાન અસ્પષ્ટ છે અને એને શોધવામાં હજી ઘણા દિવસો લાગશે. લણણી ફરી શરૂ થાય ત્યારે જ નુકસાન કેટલું ગયું એ સંપૂર્ણપણે સમજી શકાય છે. નિકાસનો વર્તમાન દર જે પ્રતિ કિલો ૮૦ રૂપિયા છે એ સ્થાનિક બજારમાં ૧૦થી ૨૦ રૂપિયા ઘટી જશે. આગામી દિવસોમાં વાઇન યાર્ડના માલિકોને ભારે નુકસાન થશે. અત્યારે વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારની હાલત સમજવી મુશ્કેલ છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર દ્રાક્ષ, કેરી અને ડુંગળી જેવા બાગાયતી પાકોને નુકસાન કૃષિ પાકો કરતાં વધુ છે, કારણ કે તેઓ લણણીની તૈયારીમાં છે. કૃષિ પાકોમાં ઘઉં અને મકાઈને સૌથી વધુ નુકસાન થયું છે.’

mumbai mumbai news mumbai rains mumbai weather rohit parikh