સલૂન ખૂલ્યાં, પણ ધાર્યા પ્રમાણે લોકો આવ્યા નહીં

29 June, 2020 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલૂન ખૂલ્યાં, પણ ધાર્યા પ્રમાણે લોકો આવ્યા નહીં

ઘાટકોપરમાં પીપીઈ સૂટ પહેરીને મહિલા કસ્ટમરના વાળ સેટ કરતો હેર સ્ટાઈલિસ્ટ (તસવીર: પી.ટી.આઇ.)

કોરોના વાઇરસના રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલાં નિયંત્રણોના ભાગરૂપે ત્રણ મહિનાથી બંધ પડેલી વાળંદોની કેટલીક દુકાનો ગઈ કાલે ખૂલી ગઈ હતી. સરકારી આદેશની જોગવાઈ મુજબ કન્ટેઇનમેન્ટ ઝોન્સ સિવાયના વિસ્તારોમાં હેરકટિંગ સલૂન્સ ખોલવામાં આવ્યાં હતાં, પરંતુ કર્મચારીઓની તંગીને કારણે બધાં હેરકટિંગ સલૂન્સ ખૂલ્યાં નહોતાં. ત્રણ મહિના પછી થોડી દુકાનો ખૂલવાને કારણે વાળ કપાવવા માટે લોકોની કતાર લાગવાની સંભાવના ખોટી ઠરી હતી, કારણ કે લોકોમાં કોરોનાનો ચેપ લાગવાનો ભય હજી ઓછો થયો નથી. સલૂન અને બ્યુટી પાર્લર્સમાં પૅડિક્યૉર, મૅનિક્યૉર, બ્લીચિંગ વગરે ચામડીની ટ્રીટમેન્ટની સર્વિસ હાલમાં શરૂ નહીં કરવા સરકારની માર્ગદર્શક સૂચનાઓમાં જણાવવામાં આવ્યું હોવાથી એ સર્વિસ ગઈ કાલે ખોલવામાં આવી નહોતી.

રેડ ઝોન કે કન્ટેઇનમેન્ટ ઝોનમાં ન આવતા હોય એવા વિસ્તારોના હેરકટિંગ સલૂન્સ ખોલતી વખતે સલૂનમાલિકોએ જણાવ્યું હતું કે અમે ગ્રાહકો અને કર્મચારીઓનાં ટેમ્પરેચર તપાસવા, સૅનિટાઇઝરનો વપરાશ કરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા સહિતની આરોગ્યની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરી રહ્યા છીએ. મિશન બિગિન અગેઇનના ભાગરૂપે સલૂન અને પાર્લર ખોલવામાં આવ્યા પછી ચેપ લાગવાની આશંકાથી ગ્રાહકો ઓછા આવે છે અને બીજી બાજુ સલૂનના માલિકો પણ મર્યાદિત સંખ્યામાં ગ્રાહકોને અંદર આવવા દેતા હતા.

વરલીના એક સલૂનના માલિક શૈલેશ સુર્વેએ જણાવ્યું હતું કે ‘અમે સવારે ૧૦થી બપોરે ૧૨, બપોરે ૧૨થી ૩ અને બપોરે ૩થી સાંજે ૬ વાગ્યાના ટાઇમ-સ્લૉટમાં વારાફરતી ત્રણ ત્રણ ગ્રાહકોને સલૂનમાં પ્રવેશ આપીએ છીએ. ગ્રાહકો અપૉઇન્ટમેન્ટ માગે ત્યારે સરકારી માર્ગદર્શક સૂચનાઓનો ખ્યાલ રાખીને તેમને પ્રવેશ આપીએ છીએ. અમે ગ્રાહકોનાં ટેમ્પરેચર ચેક કરવા ઉપરાંત તેમને સૅનિટાઇઝર્સ આપીએ છીએ. મોઢું લૂછવા ફ્રેશ ટૉવેલ્સ આપીએ છીએ અને એ લોકો ગયા પછી ખુરસીઓને પણ સૅનિટાઇઝ કરીએ છીએ. મેં મારી દુકાન સવારે ૮ વાગ્યે ખોલી અને પહેલા દિવસે ખૂબ સારી ઘરાકી થઈ છે. અમે ત્રણ મહિનાથી ઘરમાં બેકાર બેઠા હતા.’

જોકે સાંતાક્રુઝના એક સલૂનમાલિક ઇર્શાદ ખાને કહ્યું કે  ‘ત્રણ મહિના પછી સલૂન ખોલ્યું હોવાથી સારી ઘરાકી મળશે એવી અપેક્ષા હતી, પરંતુ ધાર્યા પ્રમાણે ઘરાકી મળી નહોતી. કોરોનાનો ચેપ લાગવાના ભયથી લોકો ઓછી સંખ્યામાં આવ્યા. રોગચાળાનો ભય હજી ઓછો થયો નથી.’

બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સના સલૂનમાલિક પરવેઝ અન્સારીએ જણાવ્યું હતું કે ‘કર્મચારીઓની ગેરહાજરીને કારણે મેં મારું સલૂન ખોલ્યું નહોતું, કારણ કે મારા કર્મચારીઓ હજી તેમના વતનથી પાછા આવ્યા નથી.’

coronavirus covid19 lockdown mumbai mumbai news maharashtra