ભુલેશ્વરમાં ભરબપોરે થઈ આંગડિયાની ઑફિસમાંથી એક કરોડ રૂપિયાની ચોરી

26 September, 2022 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે આરોપીઓ બંધ ઑફિસનો દરવાજો તોડીને અંદર રાખેલી તિજોરીમાંથી કૅશ સાથે પલાયન થઈ ગયા : વી. પી. રોડ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ભુલેશ્વરમાં આવેલી આંગડિયાની એક ઑફિસમાં ભરબપોરે બે વાગ્યે બે અજાણ્યા ચોરે પ્રવેશ કરીને તિજોરીમાં રાખેલા એક કરોડ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના શનિવારે બની હતી. સીસીટીવી કૅમેરામાં ચોરીની આ ઘટના નોંધાઈ છે, જેમાં બે ચોર આંગડિયાની ઑફિસમાં જાય છે. આ ફુટેજના આધારે વી. પી. રોડ પોલીસે તપાસ શરૂ કરી છે. ધોળે દિવસે ભુલેશ્વર જેવા ભીડભાડવાળા વિસ્તારની ઑફિસમાં ચોરી થવાની ઘટનાથી વેપારીઓ ચોંકી ઊઠ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ ભુલેશ્વરમાં આવેલી પટેલ કુરિયર સર્વિસ નામની આંગડિયાની ઑફિસમાં રાખવામાં આવેલી તિજોરીમાંથી શનિવારે બપોરે બે વાગ્યે એક કરોડ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી. કંપની વતી કિરણ પટેલે વી. પી. રોડ પોલીસને ઑફિસમાંથી ચોરી થઈ હોવાની જાણ કર્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં દેખાયા મુજબ બે યુવક ઑફિસના મેઇન દરવાજાની કડી તોડીને ઑફિસમાં પ્રવેશ્યા હતા અને અંદર જઈ તિજોરીની કડી તોડીને એમાં રાખેલી એક કરોડ રૂપિયાની રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.

આ કેસની તપાસ કરી રહેલા વી. પી. રોડ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કે. બેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બપોરના બે વાગ્યે પટેલ કુરિયર સર્વિસ નામની આંગડિયાની ઑફિસ બંધ હતી ત્યારે બે ચોર એમાં ઘૂસ્યા હતા અને તેમણે તિજોરીમાં રાખેલા એક કરોડ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં બે આરોપી ઑફિસમાં જતા અને બહાર નીકળતા દેખાય છે. આંગડિયા કંપનીના માલિકે તિજોરીમાં થોડા દિવસ પહેલાં એક કરોડથી વધુ રકમ મૂકી હતી, જેમાંથી તેમણે થોડા રૂપિયા લીધા હતા. બાકીના રૂપિયા તિજોરીમાં હતા એની અજાણ્યા ચોરોએ ઉચાપત કરી હોવાનું આ ઘટનામાં જણાઈ આવે છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે અમે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કામ જાણભેદુનું હોઈ શકે છે. મોટા ભાગે આવી ચોરીમાં કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓ સંકળાયેલા હોય છે. આથી અમે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.’

mumbai news Crime News mumbai crime news mumbai police