બર્થ-ડેની કરી અનોખી ઉજવણી : દિવ્યાંગ-ગરીબોને વહેંચી ૫૫૦ કેક

14 October, 2021 08:24 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કાંદિવલીના યુવકના જન્મદિવસે ૨૦૦ સંસ્થાએ આટલી કેક મોકલીને અસંખ્ય ઘરવિહોણા અને નિરાધાર લોકોનું મોં મીઠું કરાવ્યું

ટેબલ પર ગોઠવવામાં આવેલી કેક અને કેક કાપવાને બદલે માત્ર ચાકુ અડાડીને બર્થ-ડેની ઉજવણી કરી રહેલો સૂર્યા રાતુડી.

કાંદિવલીનો એક યુવક એકસાથે ૫૫૦ કેક કાપીને પોતાના બર્થ-ડેની ઉજવણી કરતો હોય એવો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. કોવિડના સમયમાં આટલી મોટી સંખ્યામાં કેક કાપવા માટેના યુવાનના ઉદ્દેશ સામે સવાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે જાણવા મળ્યું હતું કે ૩૨ વર્ષના યુવકના જન્મદિવસે નાની-મોટી મળીને કુલ ૨૦૦ સંસ્થાએ ૫૫૦ કેક દિવ્યાંગ અને ગરીબ લોકો માટે મોકલી હતી. આ કેક પર માત્ર ચાકુ અડાડીને કેકને ફરી પૅક કરીને મલાડથી લઈને મીરા રોડ સુધીમાં રહેતા લોકોને મોકલવામાં આવી હતી. સેવાભાવી સંસ્થાઓના પ્રયાસથી યુવકનો બર્થ-ડે અનોખો બની ગયો હતો. 
કાંદિવલી (પશ્ચિમ)માં આવેલા જલારામ મંદિરના સહયોગથી મંગળવારે મધરાતે અહીંની એક સોસાયટીમાં ૩૨મા વર્ષમાં પ્રવેશ કરી રહેલા સૂર્યા રાતુડી નામના યુવકના જન્મદિવસ નિમિત્તે ૫૫૦ કેક લાવવામાં આવી હતી. આ સમયે ૧૦૦ જેટલા ગરીબ-દિવ્યાંગોની હાજરીમાં સૂર્યા રતુડીએ તમામ કેકને માત્ર ચાકુ અડાવ્યું હતું અને કેકને રીપૅક કરાવીને કાંદિવલીના પોઇસર વિસ્તાર સહિત મલાડથી મીરા રોડના વિસ્તારમાં પહોંચાડવામાં આવી હતી. આ બર્થ-ડેની ઉજવણીનો વિડિયો ગઈ કાલે સવારે વાઇરલ થતાં કોવિડના સમયમાં આવા આયોજન સામે સવાલ ઊભા કરાયા હતા.
આવા અનોખા આયોજન બાબતે કાંદિવલીમાં રહેતા સૂર્યા રતુડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પિતા અહીંના જલારામ મંદિર સાથે ૧૯૭૩થી સંકળાયેલા છે. બાપાની કૃપાથી અમે સામાજિક કાર્ય કરીએ છીએ. અમારી નરસિંહા ગ્રુપ સંસ્થા સાથે નાની-મોટી ૨૦૦ જેટલી સેવાભાવી સંસ્થાઓ જોડાયેલી છે. મંદિરમાં દરરોજ ભંડારો થાય છે અને દર ત્રણ મહિને ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. કોવિડની આજની સ્થિતિમાં સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે ત્યારે ગરીબ અને નિરાધાર લોકોનું કોણ? તેમને પણ જીવનમાં કેટલીક આનંદની પળ માણવાનો અધિકાર છે. અહીં અનેક બાળકો એવાં આવે છે જેઓ કેક શું હોય છે અને એનો સ્વાદ કેવો હોય છે એ જાણતાં નથી. મંદિર સાથે સંકળાયેલા કેટલાક મિત્રોએ મારા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગો અને ગરીબોને કેક વહેંચવાનો પ્લાન બનાવ્યો હતો. આથી ૨૦૦ જેટલી સંસ્થાઓએ અમને ૫૫૦ કેક મોકલી આપી હતી. આ કેક કાપવાને બદલે માત્ર છરી અડાડીને સોસાયટીમાં હાજર ૧૦૦ જેટલા લોકોને વહેંચવાની સાથે મલાડથી મીરા રોડ સુધીના વિસ્તારમાં રહેતા ગરીબોને પૅક કરીને પહોંચાડવામાં આવી હતી.’
ઉલ્લેખનીય છે કે સૂર્યા રતુડી પહેલાં બીજેપીની યુવા ટીમમાં હતો, પણ બાદમાં તેણે સામાજિક કાર્ય કરવા માટે નરસિંહા ગ્રુપ નામની બિનસરકારી સંસ્થા સ્થાપી હતી. કોવિડના મુશ્કેલ સમયમાં આ સંસ્થા દ્વારા ૮૫૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હોવાનો દાવો સૂર્યા રતુડી કરે છે. આ સિવાય દરરોજ ૨૦૦ લોકોને જલારામ મંદિરના ભંડારામાં અન્નદાન કરવામાં આવે છે.
કોવિડના નિયમોનું પાલન કરાયું
કાંદિવલીની ત્રિભુવન સોસાયટીમાં ૫૫૦ કેક રાખવામાં આવી હતી ત્યારે ૪૦થી ૫૦ લોકોને જ સૅનિટાઇઝ કરીને એન્ટ્રી અપાઈ હતી. કોવિડના નિયમ મુજબ બધાને માસ્ક પહેરાવીને અમુક અંતરે બેસાડવામાં આવ્યા હતા અને રાતના બાર વાગ્યા બાદ તેમને કેક આપવામાં આવી હતી. વધારે વ્યક્તિ સોસાયટીમાં ન પહોંચે એ માટે ગેટ પર સિક્યૉરિટી રાખવામાં આવી હોવાનું સૂર્યા રતુડીએ જણાવ્યું હતું.
બૅનરને બદલે કેક
સામાન્ય રીતે બર્થ-ડેની ઉજવણીમાં સામાજિક કાર્યકરો કે નેતાઓ અથવા સંસ્થાના પદાધિકારીઓના સમર્થકો દ્વારા ઠેર-ઠેર બૅનરો લગાવીને શુભેચ્છા આપવામાં આવે છે. સૂર્યા રતુડીએ બૅનરને બદલે પોતાના શુભેચ્છો અને કાર્યકરોને કેક આપવાની વિનંતી કરી હતી એટલે ૧૦ કે ૨૦ નહીં ૫૫૦ કેક એકત્રિત થઈ હોવાનું તેણે કહ્યું હતું.
કોઈ ફરિયાદ નથી આવી
સૂર્યા રતુડીએ ૫૫૦ કેક ગરીબોને વહેંચી હતી ત્યારે કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખે પણ હાજર હતા. બર્થ-ડેનો વિડિયો વાઇરલ થયા બાદ કોઈએ કોવિડના નિયમોના ભંગની ફરિયાદ કરી છે કે કેમ? એવા સવાલના જવાબમાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બર્થ-ડે નિમિત્તે દિવ્યાંગો અને ગરીબોને ૫૫૦ કેક વહેંચવાના આયોજનમાં કોવિડના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. બર્થ-ડેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે, પરંતુ હજી સુધી કોઈએ ફરિયાદ નથી નોંધાવી. કાર્યક્રમનું આયોજન કરતાં પહેલાં તેણે અમને જાણ કરી હતી એટલે હું પોતે ત્યાં હાજર હતો. ૧૦૦ જેટલા લોકોને જ સોસાયટીના કમ્પાઉન્ડમાં સૅનિટાઇઝ કરીને પ્રવેશ અપાયો હતો.’

Mumbai mumbai news prakash bambhrolia