બેફામ ટૅન્કરે લઈ લીધો ગુજરાતી મહિલાનો જીવ, પતિને માથામાં ઇન્જરી

10 February, 2021 01:14 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

બેફામ ટૅન્કરે લઈ લીધો ગુજરાતી મહિલાનો જીવ, પતિને માથામાં ઇન્જરી

ટૅન્કરની ટક્કર લાગતાં સ્કૂટર સાથે પતિ-પત્ની રસ્તામાં પડી ગયાં હતાં.

વિરારના ચંદનસાર વિસ્તારમાં સોમવારે સવારે પાણીના એક ટૅન્કરે ટૂ-વ્હીલર પર જઈ રહેલા ગુજરાતી કપલને ટક્કર મારતાં તેઓ રસ્તામાં પડી ગયાં હતાં. આ બનાવમાં પંચાવન વર્ષની પત્નીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે પતિને માથામાં ગંભીર ઈજા થતાં તેને એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વિરાર પોલીસે જણાવ્યું હતું કે ‘સોમવારે સવારે દસેક વાગ્યે વિરાર (ઈસ્ટ)માં ચંદનસાર વિસ્તારમાં આવેલી સાંઈ હિલનગર સોસાયટીમાં રહેતા ગોપીલાલ જૈન પત્ની જયવંતી સાથે ઘરેથી ટૂ-વ્હીલર પર સામાન લેવા માટે નીકળ્યા હતા. તેઓ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ ઝડપે આવી રહેલા પાણીના એક ટૅન્કરે ટૂ-વ્હીલરને અડફેટે લીધું હતું. આથી ગોપીલાલ જૈને ટૂ-વ્હીલર પરથી કાબૂ ગુમાવતાં એ પડી ગયું હતું. આ સાથે બન્ને જણ રસ્તાની વચ્ચે ફંગોળાઈ ગયાં હતાં. પાણીના ટૅન્કરનું પાછળનું પૈડું જયવંતીબહેનને અડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ગોપીલાલ જૈનને માથામાં ઈજા પહોંચતાં તેમને એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. અકસ્માત કર્યા બાદ ટૅન્કરનો ડ્રાઇવર પલાયન થઈ ગયો હતો.’
જોકે, બાદમાં વિરાર પોલીસે ૨૭ વર્ષના શિવનાથ રામજિત નિશાદ નામના ટૅન્કરના ડ્રાઇવરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.
ગોપીલાલ જૈનના પુત્ર દીપેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી-પપ્પા સામાન લેવા માટે ઘરેથી ટૂ-વ્હીલર પર નીકળ્યાં હતાં. થોડા સમય બાદ તેમનો ઍક્સિડન્ટ થયો હોવાની જાણ પોલીસે અમને કરી હતી. પપ્પાના માથામાં ઈજા થવાથી તેઓ અર્ધબેભાન હોવાનું ડૉક્ટરોએ કહ્યું છે.’
વિરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ વર્હાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ ચંદનસાર રોડ પર ઝડપથી જઈ રહેલા એક ટૅન્કરે ટૂ-વ્હીલરને અડફેટે લેતાં ગોપીલાલ અને જયવંતી જૈન રસ્તાની વચ્ચે પડી ગયાં હતાં. આ ઍક્સિડન્ટમાં જયવંતી જૈનનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પતિ ગોપીલાલ જૈનની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે જો હેલ્મેટ પહેરી હોત તો કદાચ માથામાં ઓછી ઈજા થાત. કેવી રીતે વાહન ચલાવવાં જોઈએ એ માટે પોલીસ અને પ્રશાસન દ્વારા અવારનવાર માહિતી અપાતી હોવા છતાં કેટલાક લોકો સમજતા નથી અને ઍક્સિડન્ટ કરે છે. અમે ટૅન્કરના ડ્રાઇવરની ધરપકડ કરી છે.’

બેફામ ટૅન્કર-માફિયાઓ

વસઈ-વિરારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ થતાં હોવાથી તેમને પાણીનું કનેક્શન નથી મળતું. આથી આ લોકોને પાણી ટૅન્કરથી પહોંચાડાય છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ વધુ લોકોને ઝડપથી પાણી પહોંચાડવા માટે ટૅન્કરના ડ્રાઇવરો બેફામ ડ્રાઇવિંગ કરે છે. અગાઉ પણ ટૅન્કરે ઍક્સિડન્ટ કર્યાના બનાવ પોલીસના ચોપડે નોંધાયા છે. લોકલ પોલીસ અને ટ્રાફિક-પોલીસે બેફામ વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

ગોપીલાલ જૈને જો હેલ્મેટ પહેરી હોત તો કદાચ માથામાં ઓછી ઈજા થાત. કેવી રીતે વાહન ચલાવવાં જોઈએ એ માટે પોલીસ અને પ્રશાસન દ્વારા અવારનવાર માહિતી અપાતી હોવા છતાં કેટલાક લોકો સમજતા નથી અને ઍક્સિડન્ટ કરે છે. અમે ટૅન્કરના ડ્રાઇવરની ધરપકડ કરી છે. - વિરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ વર્હાડે

prakash bambhrolia mumbai mumbai news