આર યા પાર

25 June, 2022 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે લાગે છે કે વિધાનસભા પહેલાં અદાલતોમાં અને રસ્તાઓ પર પણ ખરાખરીનો જંગ ખેલાશે : બીજી તરફ એકનાથ શિંદે સત્તા પર વાયા બીજેપી જવા માગે છે કે વાયા બચ્ચુ કડુ એ પણ જોવાનું રહેશે

બળવાખોર કૅમ્પમાં જોડાનાર વિધાનસભ્ય મંગેશ કુડાલકરના કુર્લામાંના બૅનરની તોડફોડ કરી હતી શિવસૈનિકોએ.

ઉદ્ધવ ઠાકરેની શિવસેના હવે આ લડાઈ લડવાની તૈયારી કરી રહી છે અને શિવસૈનિકો તેમનો અસલ મિજાજ રસ્તાઓ પર ઊતરીને દેખાડી દે તો નવાઈ નહીં : મુંબઈમાં બધાં પોલીસ સ્ટેશનોને અલર્ટ રહેવાનું કહી દેવાયું છે : શરદ પવારને ગઈ કાલે મળ્યા પછી ઉદ્ધવ ફરી ફૉર્મમાં આવી ગયા છે : હવે લાગે છે કે વિધાનસભા પહેલાં અદાલતોમાં અને રસ્તાઓ પર પણ ખરાખરીનો જંગ ખેલાશે : બીજી તરફ એકનાથ શિંદે સત્તા પર વાયા બીજેપી જવા માગે છે કે વાયા બચ્ચુ કડુ એ પણ જોવાનું રહેશે

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો પૉલિટિકલ ડ્રામા જો કાયદાકીય દાવપેચમાં ન અટવાય તો નિર્ણાયક તબક્કામાં આવી ગયો છે. ગુરુવારે શરદ પવાર ઍક્ટિવ થયા બાદ શિવસેના પણ નવા જોમ સાથે લડવા તૈયાર થઈ ગઈ છે. એમાં ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ શિવસૈનિકોને છેક સુધી લડી લેવા કહ્યું હતું. એટલું જ નહીં, સંજય રાઉતે તો આ લડાઈ રસ્તા પર લડવાની પણ તૈયારી બતાવી દીધી હતી અને કહ્યું હતું કે અમે આ યુદ્ધમાં જીતવાના જ છીએ. 
બીજી બાજુ પડદા પાછળથી આખી રમતનો દોરીસંચાર કરી રહેલી બીજેપી પણ નવા ડેવલપમેન્ટને કારણે હરકતમાં આવી છે અને આજે એણે તમામ નેતાઓને મુંબઈ બોલાવી લીધા છે તેમ જ કોર કમિટીની બેઠક પણ બોલાવી છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસ પણ અલર્ટ મોડ પર આવી ગઈ છે. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના ઇમોશનલ સંબોધન બાદ ચાર્જ થઈ ગયેલા શિવસૈનિકોએ મુંબઈમાં બળવાખોર વિધાનસભ્યની ઑફિસની તોડફોડ પણ કરી હતી. રાજ્ય અને ખાસ કરીને મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં એ માટે તમામ પોલીસ સ્ટેશનોને અલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને થાણે જિલ્લામાં કલેક્ટરે આદેશ બહાર પાડીને પાંચ કે એનાથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 
ઉદ્ધવ ઠાકરેએ પણ ગઈ કાલે લડાયક મિજાજમાં કહ્યું હતું કે, છેલ્લાં અઢી વર્ષમાં કોવિડ મહામારીની સાથે મારી તબિયત ખરાબ હતી એનો વિરોધીઓએ લાભ લીધો છે. આપણી લડત ચાલુ રહેશે. વર્ષા બંગલો છોડ્યો હોવા છતાં મહાવિકાસ આઘાડી સરકારમાં હું મુખ્ય પ્રધાનપદે કાયમ છું. બળવો કરનારાઓ જો એમ માનતા હોય કે તેઓ શિવસેના અને ઠાકરે પરિવારના નામ વિના ટકી શકશે તો તેઓ ભૂલ કરી રહ્યા છે.

ગઈ કાલે રાત્રે નગરસેવકોને ઑનલાઇન સંબોધન કરતાં આદિત્ય ઠાકરેએ પણ શિવસેનાને નવેસરથી ઊભી કરવાની હાકલ કરી હતી અને બળવાખોર વિધાનસભ્યોને (જેમને બરતરફ કરવામાં નથી આવ્યા તે) બીજેપી સાથે જવાને બદલે સેનામાં પાછા આવી જવાનું આહવાન કર્યું હતું. બીજી બાજુ ગુવાહાટીમાં એકનાથ શિંદેએ કાયદાકીય સલાહ લેવાની સાથે વિધાનસભ્યો સાથે દિવસ દરમ્યાન બે મીટિંગ પણ કરી હતી. કાયદાકીય મડાગાંઠ વચ્ચે તેમની પાસે બીજેપીમાં વિલીન થઈ જવાનો અથવા તો બચ્ચુ કડુ નામના વિધાનસભ્યના પ્રહાર જનશક્તિ પક્ષમાં સામેલ થઈને બીજેપી સાથે સરકાર બનાવવાનો વિકલ્પ છે. જોકે શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો આ વિકલ્પ પસંદ કરે છે કે નહીં એ જોવું રસપ્રદ રહેવાનું છે.

 બળવો કરનારાઓ જો એમ માનતા હોય કે તેઓ શિવસેના અને ઠાકરે પરિવારના નામ વિના ટકી શકશે તો તેઓ ભૂલ કરી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરે

Mumbai mumbai news maharashtra uddhav thackeray