કર્ણાટકે પચાવી પાડેલાં ક્ષેત્રો મહારાષ્ટ્રમાં ભેળવવા કટિબદ્ધ છીએ: ઉદ્ધવ

18 January, 2021 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કર્ણાટકે પચાવી પાડેલાં ક્ષેત્રો મહારાષ્ટ્રમાં ભેળવવા કટિબદ્ધ છીએ: ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરે (ફાઈલ તસવીર)

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કર્ણાટકના મરાઠીભાષીઓની બહુમતી ધરાવતા કેટલાક સીમાવર્તી પ્રદેશોને મહારાષ્ટ્રમાં ભેળવવાની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. બેલગામ તથા અન્ય પ્રાંતોને ફરી પ્રાપ્ત કરવાની વર્ષ ૧૯૫૬ની લડતમાં પ્રાણની આહુતિ આપનારા મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે દર ૧૭ જાન્યુઆરીએ હુતાત્મા દિન મનાવવામાં આવે છે. હુતાત્મા દિન નિમિત્તે ૬૪ વર્ષ પહેલાં વીરગતિ પામેલા મહારાષ્ટ્રના સપૂતોને ચીફ મિનિસ્ટર્સ ઑફિસ (સીઓમઓ) તરફથી શ્રદ્ધાંજલિ રૂપે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખવામાં આવેલી પોસ્ટમાં કટિબદ્ધતા દાખવવામાં આવી હતી.

ટ્વિટરની પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કર્ણાટકે પચાવી પાડેલા બેલગામ, કારવાર અને નિપાણી વિસ્તારોમાં મરાઠીભાષીઓની બહુમતી હોવાથી એ ક્ષેત્રો પર મહારાષ્ટ્રનો અધિકાર છે. એ અધિકાર માટેની અમારી લડત ચાલુ રહેશે. એ ક્ષેત્રોને મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં સફળતા જ વર્ષ ૧૯૫૬ની લડતના હુતાત્માઓને ખરી શ્રદ્ધાંજલિ ગણાશે.’

mumbai mumbai news uddhav thackeray maharashtra karnataka