એક પણ વિધાનસભ્ય હું નાલાયક હોવાનું કહેશે તો બધું છોડી દઈશ

23 June, 2022 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બળવાથી આંચકો અનુભવ્યા બાદ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સાથે સાધ્યો સંવાદ

ઉદ્ધવ ઠાકરે

એકનાથ શિંદેએ બળવો પોકાર્યા બાદ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લોકો સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી પહેલી વખત મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘બીજું કોઈ નહીં પણ એકેય શિવસૈનિક માનતો હોય કે હું મુખ્ય પ્રધાન કે શિવસેના-પ્રમુખ તરીકે નાલાયક છું તો તે મારી સામે ફેસ-ટુ-ફેસ આવીને કહે, હું તાત્કાલિક બંને પદ પરથી રાજીનામું આપી દઈશ. ભવિષ્યમાં શિવસેનાનો મુખ્ય પ્રધાન બનશે તો મને ગમશે.’ આમ કહીને તેમણે હાર ન માનીને તેમની સામે બળવો કરનારાઓને પડકાર્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ફેસબુકના માધ્યમથી જનતાને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે ‘હિન્દુત્વના મુદ્દે શિવસેનાની સ્થાપના બાળાસાહેબે કરી હતી એટલે હિન્દુત્વ છોડવાનો તો કોઈ સવાલ જ નથી. ભૂતકાળમાં, આજે અને ભવિષ્યમાં પણ શિવસેના હિન્દુત્વતરફી જ રહેશે. વિધાનસભામાં હિન્દુત્વ વિશે બોલનારો હું કદાચ દેશનો એકમાત્ર મુખ્ય પ્રધાન છું. આથી કોઈએ અમને હિન્દુત્વનું જ્ઞાન ન આપવું. અત્યારની શિવસેના બાળાસાહેબની શિવસેના નથી એવું કહેનારાઓને જવાબ છે કે ૨૦૧૪માં પક્ષના ૬૩ વિધાનસભ્યો યુતિ વિના ચૂંટાયા હતા ત્યારે બાળાસાહેબ નહોતા. હિન્દુત્વના મુદ્દે જ તેઓ ચૂંટાયા હતા.’

વિધાન પરિ‌ષદની ચૂંટણીના બે દિવસ પહેલાં હોટેલમાં મેં જ્યારે પક્ષના વિધાનસભ્યોને સંબોધ્યા હતા ત્યારે કહ્યું હતું કે ‘મહત્ત્વની પળે પોતાના જ પક્ષનો કોઈ નેતા આપણી સાથે છે કે કેમ એની શંકા ઊભી થવી એ સૌથી મોટી કમનસીબી છે. વિધાનસભ્યોને હોટેલમાં રાખવા પડે એનાથી વધુ શરમજનક કંઈ ન હોય. બાળાસાહેબને પણ એ પસંદ નહોતું અને હું પણ એ ક્યારેય ન સ્વીકારું.’

૨૦૧૯માં અમુક કારણથી બીજેપી સાથેની યુતિ તોડીને જેમની સાથે ૨૫થી ૩૦ વર્ષથી અમે લડતા આવ્યા છીએ તેમની સાથે સરકાર બનાવવા આગળ વધ્યા એમ જણાવીને તેમણે કહ્યું હતું કે ‘શરદ પવાર અને કૉન્ગ્રેસના નેતાઓએ સરકારની જવાબદારી લેવાનું કહેતાં મેં પડકાર ઝીલ્યો અને કોઈ પણ અનુભવ વિના મુખ્ય પ્રધાન બન્યો. હું કંઈ સ્વાર્થ માટે મુખ્ય પ્રધાન નથી બન્યો, પણ દરરોજ જુદા-જુદા વળાંક લેતા રાજકારણને બદલે સ્થિર સરકાર સ્થપાય એ માટે મેં આ નિર્ણય લીધો હતો. અત્યાર સુધી તમામે મને પૂરતો સહયોગ કર્યો છે.’

મારા પર એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓને વિશ્વાસ છે, પણ મારા જ પક્ષના મારા લોકોને હું સ્વીકાર ન હોવાની જાણ થઈ ત્યારે મને આંચકો લાગ્યો હતો એમ જણાવીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘હું તેમને મારા માનું છું. તેઓ શું વિચારે છે એની મને ખબર નથી. તમે ભાગો છો શા માટે? તમારામાંથી કોઈએ પણ મારી સામે આવીને કહ્યું હોત કે હું મુખ્ય પ્રધાન કે શિવસેના-પ્રમુખ તરીકે નાલાયક છું તો હું બંને પદ છોડી દેત. હું મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલાથી માતોશ્રી શિફ્ટ થઈશ, પણ મારી સામે આવીને બોલો.’

ઉદ્ધવ ઠાકરેએ કુહાડી અને લાકડાનું ઉદાહરણ આપતાં બળવો કરનારાઓને કહ્યું હતું કે ‘શિવસેનાની લાકડીનો ઉપયોગ કરીને શિવસેના પર પ્રહાર ન કરો. હું રાજીનામું આપું છું. તમે આવીને મારી પાસેથી લઈને રાજ્યપાલને આપી આવો. આ કંઈ મોટી વાત નથી. જ્યાં સુધી શિવસૈનિકો મારી સાથે છે ત્યાં સુધી હું કોઈ પણ પડકારનો સામનો કરીશ. શિવસૈનિકોને પણ એવું લાગતું હોય કે હું પ્રમુખપદને લાયક નથી તો એ પણ છોડી દઈશ. મારી સામે આવીને કહે. ભવિષ્યમાં શિવસેનાના મુખ્ય પ્રધાન બનશે તો મને ગમશે.’

બળવો કરનારાઓને સંબોધીને અંતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘તમે નક્કી કરો. મારી સામે આવો અથવા સંકોચ થતો હોય તો સોશ્યલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કહો. હું બધું છોડવા તૈયાર છું. જીવનની કમાણી પદ નહીં લોકોનો પ્રેમ છે. મને તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે. હું મારી સાથે કેટલા લોકો છે એ સંખ્યા ગણવામાં નથી માનતો. હું આવું નાટક નથી કરતો. તમારો પ્રેમ આવી જ રીતે રાખજો.’ 

mumbai mumbai news maharashtra shiv sena uddhav thackeray