અમારું હિન્દુત્વ રાષ્ટ્રીય, નવાસવા હિન્દુત્વવાદીઓ અમને ન શીખવે

16 October, 2021 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહીને ઉદ્ધવ ઠાકરેએ દશેરા રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને બીજેપીના નેતાઓને નિશાના પર લીધા : આરએસએસને પણ હિન્દુત્વ કે બીજા મુદ્દે પહેલાં પોતાના માણસોને શિખામણ આપવા કહ્યું

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે પત્ની રશ્મિ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે ષણ્મુખાનંદમાં દશેરાની રૅલીને સંબોધવા આવ્યા ત્યારે ત્યાં પોલીસનો જોરદાર બંદોબસ્ત કરવામાં આવ્યો હતો (નીચે). સૈયદ સમીર અબેદી

વિજયાદશમી એટલે કે દશેરા નિમિત્તે ષણ્મુખાનંદ હૉલમાં આયોજિત પરંપરાગત રૅલીમાં મુખ્ય પ્રધાન અને શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ, સત્તા માટે બીજેપીને સત્તાનું વ્યસન અને કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રને બદનામ કરવાના પ્રયાસ કરાઈ રહ્યા હોવાનું કહ્યું હતું. રાજ્યના તમામ મરાઠીઓને એકત્રિત થઈને મરાઠી અને અમરાઠી કે અંગ્રેજોની જેમ લોકોમાં ફૂટ પાડીને રાજ કરવા માગતા લોકોનો સામી છાતીએ સામનો કરવાની અપીલ શિવસૈનિકોને કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ દેશપ્રેમ બાબતે અને આઝાદીનાં ૭૫ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે તેમણે દેશ માટે શું કર્યું એવો સવાલ કરીને ઉદ્ધવ ઠાકરેએ ટીકા કરી હતી. અમુક ગ્રામ ડ્રગ્સ સાથે સેલિબ્રિટીઓ સામે કાર્યવાહી કરીને વાહવાહી કરાઈ રહી છે. કેન્દ્રની આ મહારાષ્ટ્રને બદનામ કરવાની ચાલ છે. યુવાનોને રોજગાર નહીં અપાય તો તેઓ ગુનેગારી તરફ વળી શકે છે એના પર કેન્દ્ર સરકારે ધ્યાન આપવાનું જોઈએ. આમ કહીને તેમણે વિરોધીઓને નિશાના પર લીધા હતા.
ઉદ્ધવ ઠાકરેએ કિંગ્સસર્કલમાં આવેલા ષણ્મુખાનંદ હૉલમાં આયોજિત શિવસેનાની પરંપરાગત દશેરા રૅલીમાં શિવસૈનિકોને સંબોધિત કર્યા હતા. તેમણે બીજેપી પર નિશાન તાકતાં કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માંથી બહાર પડેલા નવા નેતાઓને કારણે હિન્દુત્વ જોખમમાં મુકાયું છે. તેઓ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ વાપરીને રાજ કરી રહ્યા છે.’ 
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘શિવસેના અને આરએસએસના વિચાર એક છે, પણ રસ્તા જુદા છે. શિવસેનાને આપેલું વચન પાળવામાં આવ્યું હોત તો તમે પણ મુખ્ય પ્રધાન રહ્યા હોત. શિવસેનાપ્રમુખ બાળાસાહેબને વચન આપ્યું હોવાથી મેં મુખ્ય પ્રધાનની જવાબદારી સ્વીકારી. શિવસૈનિકોને મુખ્ય પ્રધાનપદે બેસાડીશ જ.’ 
ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ વિશે ઉમેર્યું હતું કે ‘અમારું હિન્દુત્વ રાષ્ટ્રીય છે. ઘરની બહાર દેશપ્રેમ પહેલો છે. આરએસએસના પ્રમુખ વારંવાર કહે છે કે ભારતના તમામ નાગરિકોના પૂર્વજ એક હતા. આ વાત સ્વીકારીએ તો શું વિરોધી પક્ષ અને આંદોલન કરી રહેલા ખેડૂતો બીજા ગ્રહમાંથી આવ્યા છે? મોહન ભાગવતજીની આ વાત જનતાને માન્ય છે? સત્તા માટે સંઘર્ષ નહીં એવું કહેતા ભાગવતજી તમે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ તમારા લોકોનો શીખવો. સત્તાનું વ્યસન એ અમલી પદાર્થ છે. સરકારને પાડવાના બે વર્ષમાં અનેક પ્રયાસ કરાયા. દરોડા પાડીને કાંટો કાઢવાનો પ્રયાસ વધુ સમય ચાલી નહીં શકે. દેશને આઝાદ થયાને ૭૫ વર્ષ થયાં છે.’ 
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા કેટલીક સેલિબ્રિટીઝ પાસેથી અમુક ગ્રામ નશીલા પદાર્થ પકડીને કાર્યવાહી કરીને મહારાષ્ટ્રને બદનામ કરવામાં આવી રહ્યું હોવાનું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ‘શું દેશમાં બીજે ક્યાંય ડ્રગ્સ નથી પકડાતું? ગુજરાતના અદાણી પોર્ટ પર હજારો કિલો નશીલા પદાર્થ મળ્યો હતોને? મુંબઈ પોલીસે પણ ૧૫૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે. મને પોલીસ માટે ગર્વ છે. રાજ્યમાં બધા જ યુવાનો વ્યસની છે એવો સીન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે યુવાનોને રોજગાર આપ્યો હોત તો તેઓ ડ્રગ્સના માર્ગે ન જાત.’
મહારાષ્ટ્ર કે બીજાં રાજ્યોને બદલે મોદીની સરકાર ગુજરાતને વધુ આર્થિક મદદ કરી રહી હોવાની એક માહિતી બાબતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘બીજેપી અને આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થાઓને સૌથી વધારે રૂપિયા ગુજરાતને ફાળવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પણ દેશનું મહત્ત્વનું રાજ્ય છે તો એની અવગણના કેમ? આવી જ રીતે કૅગના રિપોર્ટ મુજબ ગુજરાતને બીજાં રાજ્યો કરતાં ૩૫૦ ટકા વધારે ભંડોળ મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ આપવામાં આવ્યું છે.’ 
પોતાના ભાષણના અંતમાં ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને કહ્યું હતું કે ‘હિન્દુત્વ અત્યારે ખરા અર્થમાં જોખમમાં છે. આથી બંગાળમાં મમતા બૅનરજીએ સામનો કર્યો છે એવી રીતે લડત લડવાની તમારામાં હિંમત છે? મરાઠી કે અમરાઠીનો ભેદ ન કરો. મરાઠી તરીકે એક થઈને મરાઠીની સાથે હિન્દુત્વને પણ વધારો.’

Mumbai mumbai news uddhav thackeray