Breaking News: કૉર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી આપ્યું રાજીનામું

29 June, 2022 10:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉદ્ધવ ઠાકરેએ બુધવાર, 29 જૂનના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર સ્ટે મૂકવાની MVA સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા પછી તરત જ ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત.

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

સુપ્રીમ કૉર્ટમાં ઝટકો લાગ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું છે. તેમણે આની જાહેરાત રાજ્યની જનતાને સંબોધિત કરતા કરી. સાથે જ ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે મારી પાસે જે શિવસેના છે, તે કોઈ છીનવી નહીં શકે. હું વિધાનપરિષદ સભ્ય પદ પરથી પણ રાજીનામું આપું છું.

તેમણે સુપ્રીમ કૉર્ટના નિર્ણયની તરત બાદ રાજ્યની જનતાનું સંબોધન કરતા પોતાના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અમારા સારા કર્મોને નજર લાગી. અમે શહેરના નામ બદલવાનો નિર્ણય લીધો. ઉદ્ધવવ ઠાકરેએ આ દરમિયાન સોનિયા ગાંધી અને શરદ પવારના વખાણ કર્યા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ન્યાય દેવતાએ નિર્ણય લીધો છે, ફ્લોર ટેસ્ટ માટે કહ્યું છે. રાજ્યપાલનો પણ આભાર. લોકતંત્રનું પાલન થવું જોઈએ. અમે તેનું પાલન કરશું. શિવસેના પ્રમુખે બળવાખોરો પર નિશાનો સાધતા કહ્યું કે, તમારે સામે આવીને વાત કરવાની હતી. સૂરત અને ગુવાહાટી જઈને નહીં. જેને બધું આપ્યું તે નારાજ છે.

કેબિનેટમાં આપ્યા હતા સંકેત

ઉદ્ધવ ઠાકરેએ આજે કેબિનેટની બેઠકમાં જ રાજીનામાંના સંકેત આપ્યા હતા. તેમણે બેઠક ખતમ થયા બાદ કહ્યું હતું કે તમે અઢી વર્ષ મારો સાથ આપ્યો. આભારી છું. આ અઢી વર્ષમાં મારાથી જે ભૂલ થઈ ગઈ હોય, અપમાન થયુુંહોય તો માફી માગું છું. તેમણે બળવાખોરો પર નિશાનો સાધતા કહ્યું કે અનેક લોકોએ દગો પણ આપ્યો. મંત્રાલય પહોંચતા મુખ્યમંત્રીએ છત્રપતિ શિવાજી અને સંવિધાન નિર્માતા બી આર આંબેડકરની પ્રતિમાઓની સામે નમન પણ કર્યું.

કેબિનેટ બેઠકમાં પોતાના સહયોગીઓનો આભાર માન્યા બાદ ઉદ્ધવ ઠાકરે સીએમઓ પહોંચ્યા. અહીં તેમણે મુખ્યમંત્રી ઑફિસના બધા સ્ટાફને સાથે બોલાવી આભાર માન્યો. મુખ્યમંત્રીએ છેલ્લા અઢી વર્ષમાં સાથ આપવાની ભાવના વ્યક્ત કરતા મુખ્યમંત્રી ઑફિસના કર્મચારીઓનો આભાર માન્યો.

uddhav thackeray maharashtra Mumbai mumbai news