02 October, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે પ્રદીપ પુર્ણેકરના પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વન આપ્યું હતું અને છેવટ સુધી તેઓ તેમની સાથે છે એવું આશ્વાસન આપ્યું હતું.
થાણે-માનપાડા વિસ્તારના શિવસેના (UBT)ના વિભાગ પ્રમુખ પ્રદીપ પુર્ણેકરની મંગળવારે રાતે ગોળી મારીને અને પછી કોયતાના વાર કરીને હત્યા કરવામાં આવી હતી. માનપાડા વિસ્તારમાં પ્રદીપ પુર્ણેકરને માનનારો એક મોટો વર્ગ હતો. થાણે ભલે એકનાથ શિંદેનો ગઢ કહેવાય; પણ માનપાડા, મનોરમાનગર, આઝાદનગર એરિયામાં પ્રદીપ પુર્ણેકરનો દબદબો હતો અને તેના અનેક સમર્થકો હતા. તેની હત્યા થવાથી તેના સમર્થકોમાં ખળભળાટ મચી ગયો હતો. બુધવારે ઉદ્ધવ ઠાકરે પ્રદીપ પુર્ણેકરના ઘરે ગયા હતા અને તેના પરિવારને સાંત્વન આપ્યું હતું. હાલ તમે જે કંઈ પણ કરો એ ઠંડા દિમાગે કરજો, ભાવનાના અતિરેકમાં આવીને કોઈ પગલું ન લેતા એવી સલાહ તેમણે પ્રદીપના ભાઈ અને દીકરાને આપી હતી.
ઉદ્ધવ ઠાકરેએ પરિવારજનોને સાંત્વન આપ્યા બાદ આશ્વાસન આપતાં કહ્યું હતું કે અમે છેલ્લે સુધી તમને સાથ આપીશું. ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરતી વખતે પ્રદીપની પત્ની વિજેતા, દીકરો રામ અને દીકરી બધાં જ ભાવુક થઈ ગયાં હતાં. પ્રદીપની ઇચ્છા હતી કે એક વાર ઉદ્ધવ ઠાકરે તેના ઘરે આવે. તેના પરિવારજનોએ કહ્યું હતું કે તમને આવેલા જોઈને તેમને પણ આનંદ થયો હોત. આ કેસની જુડિશ્યલ તપાસ થવી જોઈએ અથવા આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવે એવી રજૂઆત તેના પરિવારના સભ્યોએ ઉદ્ધવ ઠાકરે સમક્ષ કરી હતી.
પુર્ણેકર પરિવારના આક્ષેપ
પ્રદીપ પુર્ણેકરની પત્ની વિજેતાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘પોલીસ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં સંશયિત ગણાતાં શિવસેનાનાં નેતા અને ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદે અને તેમના પતિ રાજેન્દ્ર શિંદેનાં નામ લખવા જ તૈયાર નહોતી. જોકે એ પછી સંજય રાઉતે એ માટે રજૂઆત કરતાં પોલીસે તેમનાં નામનો સમાવેશ FIRમાં કર્યો હતો. એ પછી મોડી રાતે મીનાક્ષી શિંદે પોલીસ-સ્ટેશનના પાછલા દરવાજેથી અંદર ગયાં હતાં અને સહી કરીને નીકળી ગયાં હતાં. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં મારી મમ્મી અને કાકા બન્ને જીતી રહ્યાં હોવાનું જણાતું હતું. એ પછી કંઈ ફેરફાર થયો અને તે બન્નેની હાર થઈ. એ વખતે તો મીનાક્ષી શિંદેને ફૉર્મ ભરતાં પણ આવડતું નહોતું, પણ એ લોકોએ ચૂંટણીમાં બહુ જ પૈસા ખર્ચ્યા હતા. અમને હરાવવા એકનાથ શિંદેએ અહીં આવવું પડ્યું હતું.’
મીનાક્ષી શિંદેની ઑડિયો-ક્લિપ વાઇરલ
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી વખતે મીનાક્ષી શિંદેની એક ઑડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં તે પ્રદીપ અને તેના સાથીદારોને ધમકાવી રહ્યાં છે એવો દાવો કરવામાં આવ્યો છે. એ ક્લિપમાં ગાળો પણ બોલાય છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આરોપ કરાયો છે. શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે એ ઑડિયો-ક્લિપ ફરી વાઇરલ કરી છે જેમાં મીનાક્ષી શિંદે ગાળાગાળ કરે છે અને સામેવાળાને તેના ઘરમાં મહિલાઓ મોકલીને મારવાની ધમકી આપે છે. એટલું જ નહીં, એમાં તે એમ કહેતાં પણ સંભળાય છે કે મારો વર શું તમારાં બૈરાં ભગાવી ગયો છે? આવો સવાલ ગંદી ગાળો સાથે પુછાયો હોવાનું કહેવાય છે. આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે પોલીસ સામે ધરણા કરી સંશયિત આરોપી મીનાક્ષી શિંદે અને તેના પતિ રાજેન્દ્ર શિંદેનાં નામ FIRમાં નોંધવા જોરદાર રજૂઆત કર્યા બાદ તેમનાં નામ FIRમાં લેવામાં આવ્યાં હતાં.
પોલીસે ૩ મહિલા સહિત પાંચ આરોપીને પકડ્યા
પ્રદીપ પુર્ણેકરની હત્યા સંદર્ભે થાણે ક્રાઇમ બ્રાન્ચે તેના જ મિત્ર પપ્યા શિંદેની બુધવારે ધરપકડ કરી હતી. ત્યાર બાદ મીરા રોડમાંથી ૩ મહિલા અને બે પુરુષને તાબામાં લીધા હતા. પ્રદીપની હત્યા કરવા વપરાયેલાં બે ટૂ-વ્હીલર પોલીસને મળ્યાં છે. કાપુરબાવડી પોલીસે એ બન્ને ટૂ- વ્હીલર જપ્ત કર્યાં છે. આ કેસમાં પ્રદીપ પુર્ણેકરના પરિવારને શંકા છે કે મીનાક્ષી શિંદે અને તેમના પતિ રાજેન્દ્ર શિંદેની સંડોવણી હોઈ શકે. એ માટે તેમણે પોલીસમાં રજૂઆત કરી હતી. આ કેસની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.