રાજ્યની ખીચડી સરકારનો ખટરાગ હવે બહાર આવ્યો

20 May, 2022 08:03 AM IST  |  Mumbai | Dharmendra Jore

ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના વિધાનસભ્યોની ફરિયાદ બાદ કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદીએ મંજૂર કરેલાં કામ અટકાવી દીધાં

ઉદ્ધવ ઠાકરેએ ૧૪ મેએ બીકેસીમાં પક્ષની સભા સંબોધી હતી.


મુંબઈ : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના વિધાનસભ્યોના મતવિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યો થોભાવી દીધાં છે, કારણ કે એ ભંડોળ શિવસેના સિવાય આઘાડીના પ્રધાનો દ્વારા મંજૂર કરવામાં આવ્યાં હોવાથી એ શિવસેનાના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઑથોરિટી પર અતિક્રમણ કરતાં હતાં. શિવસેનાના વિધાનસભ્યોએ સેનાસુપ્રીમોને ફરિયાદ કરી હતી કે આવી ચાલબાજી ‘રાજકીય અતિક્રમણ’ છે અને ગઠબંધનના સિદ્ધાંતની વિરુદ્ધ છે.
આ મુદ્દો ચાલુ સપ્તાહના પ્રારંભમાં મુખ્ય પ્રધાન સાથેની સેનાના વિધાનસભ્યોની બેઠકમાં સપાટી પર આવ્યો હતો. બેઠકના થોડા દિવસ પહેલાં સેનાના લગભગ ૨૫ વિધાનસભ્યોએ કૉન્ગ્રેસના નેતા અને આદિવાસી વિકાસ પ્રધાન કે. સી. પડવી પર તેમનાં સંબંધિત મતક્ષેત્રોમાં રોડ વર્ક્સ માટેનું ભંડોળ મંજૂર કરવાનો આક્ષેપ મૂક્યો હતો. ફરિયાદ અનુસાર કૉન્ગ્રેસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને ચોક્કસ કૉન્ટ્રૅક્ટર્સને કામના કૉન્ટ્રૅક્ટ્સ અપાયા હતા. આદિવાસી વિકાસ વિભાગે આગામી હુકમ ન મળે ત્યાં સુધી આ કાર્યો સ્થગિત કરી દીધાં છે. સૂત્રોએ જણાવ્યા મુજબ સેનાના વિધાનસભ્યોને એનસીપીના નિયંત્રણ હેઠળના ગ્રામીણ વિકાસ અને અન્ય વિભાગો સામે પણ આવી જ ફરિયાદ છે.
ઉદ્ધવ ઠાકરેએ આ પ્રકારના અન્ય વર્ક ઑર્ડર્સ શોધી કાઢવાનો અને એ તરફ તેમનું ધ્યાન દોરવાનો આદેશ આપ્યો છે. સેનાના વિધાનસભ્યો આશિષ જયસ્વાલ, અનિલ બાબર, ચિમણરાવ પાટીલ અને પ્રકાશ અબીતકરને આ કામ સોંપાયું છે.
આવી ગ્રાન્ટ્સ ‘રાજકીય અતિક્રમણ’ ગણાય છે, કારણ કે વિકાસલક્ષી કામનું શ્રેય સ્થાનિક વિધાનસભ્ય સિવાયની વ્યક્તિને જાય છે. અન્ય શાસક પક્ષો મતદારોને રીઝવવા આ પ્રોજેક્ટ્સ પોતાના નામે કરે છે.

mumbai news uddhav thackeray