ગાયો પર લમ્પીનો કહેર

21 August, 2022 06:06 PM IST  |  Mumbai | Shailesh Nayak

છેલ્લા કેટલાય સમયથી ગુજરાત અને રાજસ્થાનમાં ગૌપાલકોની ચિંતાનો વિષય બન્યો છે એક વાઇરસ. લમ્પી વાઇરસથી લન્ગ્સ, લિવર અને કિડની પર અસર થતાં મલ્ટિ-ઑર્ગન ફેલ્યર થવાથી ગાયોનાં મોત થાય છે

કચ્છના અંજારમાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં લમ્પીગ્રસ્ત ગાયો

છેલ્લા કેટલાય સમયથી ગુજરાત અને રાજસ્થાનમાં ગૌપાલકોની ચિંતાનો વિષય બન્યો છે એક વાઇરસ. લમ્પી વાઇરસથી લન્ગ્સ, લિવર અને કિડની પર અસર થતાં મલ્ટિ-ઑર્ગન ફેલ્યર થવાથી ગાયોનાં મોત થાય છે. મૂંગાં પશુઓને લમ્પી ઝપટમાં લઈ રહ્યો છે ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રશાસન, ખેડૂતો અને ગૌપ્રેમીઓએ કેવી કમર કસી છે એનો અંદાજ મેળવીએ

માણસોમાં કોરોના વાઇરસના કહેર પછી હવે મૂંગાં દૂધાળાં પ્રાણીઓ પર લમ્પી વાઇરસની તવાઈ આવી છે. સરકારી ચોપડાની વાત કરીએ તો ગુજરાતના ૨૪ જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પીની લપેટમાં ૯૭,૮૪૫ પશુઓ આવી ગયાં છે, પરંતુ અનઑફિશ્યલી આ આંકડો ઘણો મોટો હોય એવી સંભાવના છે. ૧૮ ઑગસ્ટ સુધીમાં ૭૪,૬૪૪ પશુઓ લમ્પીના ચેપમાંથી સ્વસ્થ થયાં છે અને હજી ૧૯,૩૭૫ ઍક્ટિવ કેસ છે. જોકે ૩,૮૨૬ પશુઓનાં મૃત્યુ થયાં છે. છેલ્લા લગભગ ત્રણથી ચાર મહિનામાં લમ્પીના વાવરે જબરી સ્પીડ પકડી છે. મૂંગાં પ્રાણીઓને બચાવવા માટે સરકારી તંત્ર સાબદું તો થયું છે, પણ હજી પૂરી રીતે એના પર કન્ટ્રોલ આવ્યો હોય એવું જણાતું નથી. વાઇરસથી રક્ષણ આપવા માટે રસી આવી ગઈ છે અને દરેક જિલ્લામાં ડૉક્ટરોની ટીમ દ્વારા એનું મૉનિટરિંગ થાય એ માટેનાં આઇસોલેશન સેન્ટર્સ પણ તૈયાર થયાં છે. 
પશુપાલકો મુશ્કેલીમાં
મોટી સંખ્યામાં ગાયો આ રોગની ઝપટમાં આવી હોવાથી બે-પાંચ ગાયો પાળનારા પરિવારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પરિવારો ગાયોનું દૂધ ગામની દૂધમંડળીમાં ભરાવીને બે પૈસાની આવક રળતો હતો જે અત્યારે બંધ થઈ ગઈ છે. ગુજરાતના ૨૪ જિલ્લામાં આવા સેંકડો ગૌપાલક પરિવારોએ લમ્પી રોગને કારણે તેમની વહાલસોયી ગાયોને ગુમાવવાનો વારો આવ્યો છે. માત્ર પશુપાલકોની જ નહીં, શેરીઓમાં છૂટી ફરતી ગાયો પણ લમ્પીની ઝપટમાં આવી રહી છે. લમ્પીના ભરડામાં આવેલી ગાયો જે અસહ્ય પીડા વેઠી રહી છે એ જોઈ શકાય એવું નથી. 
લમ્પીના રોગમાં બે ગાય ગુમાવનાર બનાસકાંઠાના રાહ ગામના સુરેશ માલી કહે છે, ‘અમારે ચાર ગાય હતી અને છ ભેંસ છે. એક ગાય સાતથી આઠ લિટર દૂધ આપતી હતી. પંદર દિવસ પહેલાં જ મારી બે ગાય લમ્પીને કારણે મૃત્યુ પામી. આ ગાયોને પહેલાં પગમાં સોજા આવ્યા હતા અને શરીર પર ગૂમડાં થઈ ગયાં હતાં. દવા કરાવી, પણ ફરક ન પડ્યો. હાલમાં બીજી બે ગાયને લમ્પી થયો છે અને એમની સારવાર ચાલે છે. દેશી દવા ચાલે છે અને રસી પણ મુકાવી છે એટલે આ બે ગાયની સ્થિતિ હવે સારી છે.’ 
રોગ કારમો કેમ?
કોરોનામાં જે સ્થિતિ દરદીઓની થઈ હતી એની જેમ લમ્પીના કેસમાં પણ જોવા મળી રહ્યું છે, કેમ કે લમ્પીગ્રસ્ત ગાયો પૈકી ઘણી ગાયોનાં મલ્ટિ-ઑર્ગન ફેલ્યર થયાં છે. આવી ગાયોનાં લન્ગ્સ, લિવર અને કિડની પર અસર થતી હોવાનાં તારણો બહાર આવ્યાં છે. ગુજરાત સરકારે લમ્પી રોગથી પીડિત ગાયોની સારવાર અને રસીકરણ ઝુંબેશ શરૂ કરી દીધી છે. 
ઍક્ચ્યુઅલી લમ્પીગ્રસ્ત ગાયને શું થાય છે અને એની સારવાર કેવી રીતે થાય છે એ વિશે વાત કરતાં બનાસકાંઠા જિલ્લાના પશુપાલન અધિકારી ડૉ. જગદીશ મજીઠિયા કહે છે, ‘આવી ગાયોને કેપ્રીપોક્સ વાઇરસથી ઉગ્ર તાવ આવે છે. આખા શરીરે ફોલ્લા–ગૂમડાં થાય છે. ગાયો બે-ત્રણ દિવસ ખાવાનું બંધ કરી દે છે. જનરલી ત્રણ દિવસ તાવ રહે એટલે ગાય આ દિવસ દરમ્યાન ખાતી નથી. આ રોગમાં ગાયોના આખા શરીરે નાનાં-મોટાં ગૂમડાં થાય છે. ક્યારેક અડધાથી એક ઇંચ સુધીનાં ગૂમડાં થાય છે. આ ગૂમડાં પર મલમ લગાવીએ, ફટકડીનું પાણી રેડીએ, હળદર અને અલોવેરા એટલે કે કુંવારપાઠું મિક્સ કરીને લગાવીએ એટલે એ પાકે નહીં અને જલદી રૂઝ આવે. આ ગૂમડાંને રૂઝ આવતાં લગભગ મહિનો લાગે છે. ખાવા-પીવાનું પાંચ-છ દિવસ માટે છોડી દે એવી ગાયોને ત્રણ દિવસ સારવાર આપવી પડે છે. તાવનાં ઇન્જેક્શન, ખંજવાળ ન આવે એનાં ઇન્જેક્શન, રોગપ્રતિકારક શક્તિ વધે એ માટેનાં ઇન્જેક્શન અમે આપીએ છીએ. રોગની તીવ્રતા કેટલી છે એના આધારે ત્રણથી પાંચ દિવસ સુધી ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવી ગાયો ૧૦થી ૧૫ દિવસે ખાવાનું ચાલુ કરે છે. ઓછી રિકવરીવાળી ગાયો મૃત્યુ પણ પામતી હોય છે. ૧૦૦માંથી પાંચ વધુ અસરવાળી ગાયો મૃત્યુ પામતી હોય છે.’ 
લમ્પીગ્રસ્ત ગાયોમાં મલ્ટિ-ઑર્ગન ફેલ્યર જીવલેણ નીવડે છે એની વાત કરતાં ડૉ. જગદીશ મજીઠિયા કહે છે, ‘આ રોગને કારણે ઘણી વખત ગાયના લિવર, કિડની અને ફેફસાં પર અસર થાય છે. આને મલ્ટિ-ઑર્ગન ફેલ્યર કહેવાય છે. મૃત્યુ પામતી એકથી પાંચ ટકા ગાયોનું પોસ્ટમૉર્ટમ કર્યું એના પરથી જાણવા મળ્યું છે કે એમની કિડની, લિવર અને ફેફસાં પર મોટા પાયે અસર થતી હોય છે અને એમાં રિકવરી ન આવતાં મલ્ટિ-ઑર્ગન ફેલ્યરવાળી ગાયોનાં મૃત્યુ થતાં હોય છે. અંદર વાઇરસ એટલા બધા હોય છે કે ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ નથી કરતા અને ડે બાય ડે ઑર્ગન પર અસર કરતા હોય છે.’ 
રસીકરણ એ જ ઉપાય
ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠામાં લમ્પી રોગની અસર વધુ જોવા મળી છે, પરંતુ આ બન્ને જિલ્લામાં ફરક પણ છે એની વાત કરતાં ડૉ. જગદીશ મજીઠિયા કહે છે, ‘કચ્છ જેવો ટ્રેન્ડ અહીં નથી. અહીં બનાસકાંઠામાં મોટા ભાગે ઘરઉ એટલે કે લોકો પોતાના ઘરે ગાયો રાખતા હોય છે. રખડતી ગાયો બનાસકાંઠામાં ઓછી હોય છે એટલે કચ્છની જેમ આઇસોલેશન વૉર્ડ રાખવાની જરૂર નથી પડતી. પશુપાલકો ડૉક્ટરને બોલાવીને સારવાર કરાવે છે તેમ જ દેશી દવા જાતે બનાવીને સારવાર કરતા હોય છે. આ જિલ્લામાં મુખ્ય ધંધો પશુપાલનનો છે એટલે લોકો પશુઓને ઘરે રાખીને સારવાર કરાવે છે.  આ જિલ્લામાં ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં ૬૦ હજારથી વધુ પશુઓ છે અને ત્યાં શરૂઆતથી જ રસીકરણ કર્યું છે 
એટલે પ્રૉબ્લેમ નથી. ક્યાંક હશે, પણ નાના પાયે હશે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે ૧૩ લાખ પશુધન ગાય વર્ગનું છે અને એમાંથી ૯૫ ટકા ગાયોનું રસીકરણ થઈ ગયું છે એટલે આ બધી ગાયો ૧૫થી ૨૧ દિવસમાં સેફ ઝોનમાં આવી જાય છે. જિલ્લામાં રસીકરણ થતાં રોગ અંકુશમાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ૩૨ સરકારી અને ૧૯૦ બનાસ ડેરીના પશુ-ચકિત્સકો છે તેમ જ ૧૨૦૦નો સ્ટાફ રસીકરણ માટે છે. બધી સારવાર ફ્રી મળે છે તેમ જ ડૉક્ટરો ફોન પર પણ સારવાર માટે માર્ગદર્શન આપે છે.’ 
અત્યાર સુધીમાં લમ્પીગ્રસ્ત ૪૦૦થી પણ વધુ ગાયોની સારવાર કરી ચૂકેલા અને ડૉ. જગદીશ મજીઠિયાની વાતમાં સુર પુરાવતાં કચ્છના અંજારમાં આવેલા આઇસોલેશન સેન્ટરના પશુ-ચિકિત્સક અધિકારી ડૉ. પ્રદીપ પઢિયાર કહે છે, ‘લમ્પીવાળી ગાયોમાં લન્ગ્સ અને કિડનીમાં પણ લક્ષણો દેખાય એ સિરિયસ કહેવાય. આવી ગાયોને સાજી થતાં ટાઇમ લાગે છે. ક્યાંક પડી રહી હોય એવી ગાયોને અહીં આઇસોલેશન સેન્ટરમાં લાવવામાં આવે છે. અંજાર ઉપરાંત તાલુકાના ચાંદરાણી અને મોટી નાગલ ખાતે પણ આઇસોલેશન સેન્ટરોમાં ગાયોની સારવાર કરવામાં આવે છે.’ 
સારવાર માટેની સિસ્ટમ
આઇસોલેશન સેન્ટરમાં કઈ ગાયની કેટલા દિવસની સારવાર પૂરી થઈ કે કઈ ગાયને કેટલાં ઇન્જેક્શન આપ્યાં એની ખબર કેવી રીતે પડે એ સિસ્ટમની વાત કરતાં ડૉ. પ્રદીપ પઢિયાર કહે છે, ‘અમારે ત્યાં ફોન આવે કે અહીં ગાય સિરિયસ છે ત્યારે જે-તે ગાયને લેવા માટે અમારે ત્યાંથી ઍમ્બ્યુલન્સ જાય અને ગંભીર સ્થિતિમાં હોય એવી ગાયોને લઈ આવીએ. દરેક ગાયને અમે નંબર આપી દઈએ છીએ અને એના શિંગડામાં નંબરની પટ્ટી લગાવી દઈએ છીએ એટલે એની કેસ-હિસ્ટરી જાળવી શકાય. એનાથી એ ગાયને કેટલા દિવસની સારવાર કરી, ઇન્જેક્શન આપ્યાં કે નહીં એ સહિતની સારવારની ખબર પડે છે અને એનો ડેટા રાખવામાં આવે છે. સાજી થઈ ગયેલી ગાયોને અમે પાંજરાપોળમાં મૂકી આવીએ છીએ.’ 
અંજારના આઇસોલેશન સેન્ટરમાં અંજાર ઉપરાંત મુંદ્રા, થરાવડા, નાગલપર, નગાવાલડિયા, સાપેડા, સગારિયા, સિનોગ્રા, ખંભરા જેવાં ગામોની લમ્પી રોગથી અસરગ્રસ્ત ગાયોને સારવાર માટે લાવવામાં આવે છે. 
આ આઇસોલેશન સેન્ટરમાં સેવાભાવી લોકો અને વિવિધ સંસ્થાઓ પણ ગૌસેવા માટે આગળ આવ્યાં છે. આ આઇસોલેશન સેન્ટર શરૂ કરવા માટે પોતાની જગ્યા આપનાર અંજારના પંકજ કોઠારીને ગાયોની સારવાર કરવા માટે જગ્યા ફાળવી દેવાનો વિચાર ક્યાંથી આવ્યો એ મુદ્દે કહે છે, ‘મારી પોતાની વાડી છે અને એમાં આઠ ગાય છે. આ આઠેય ગાયને લમ્પી થઈ ગયો હતો અને એમાંથી એક ગાય દેવ થઈ ગઈ. ત્યારે મને થયું કે આ લમ્પી રોગથી પીડાતી ગાયો માટે કંઈક કરવું જોઈએ. એક દિવસ હું અને મારા પાર્ટનર ભરત શાહ કલેક્ટર કચેરીમાં કામ માટે ગયા હતા. ત્યાં અધિકારીની ચેમ્બરમાં ગૌસેવાવાળા બેઠા હતા અને લમ્પીવાળી ગાયોની સારવારના મુદ્દે વાત કરી રહ્યા હતા. એટલે મને મનમાં ભાવ જાગ્યો કે અમારી જગ્યા છે ત્યાં ગાયોની સારવાર કરો અને જે ખર્ચ થશે એ અમે કરીશું. અત્યારે આ સેન્ટરમાં સ્વયંસેવકો સાથે આઠેક સામાજિક સંસ્થાઓ પણ સેવાનું કામ કરી રહી છે. અહીં ગાયને લાવવાનું, ઉતારવાનું, ખવડાવવાનું, દવા આપવાનું, કસરત કરાવવાનું, માખી–મચ્છર ન આવે એ માટે દવા છાંટવાનું અને ધુમાડો કરવાનું, સફાઈકામ કરવાનું સહિત ગાયોની સેવા કરવા દસ માણસો છે.’
લમ્પીના કહેર વિશે વાત કરતાં પંકજ કોઠારી કહે છે, ‘એ બોલી શકવાની નથી એટલે ગાયની પીડા કોણ જાણે? મનુષ્ય માટે તો મનુષ્ય કામ કરવાનો છે, પણ અબોલ જીવો માટે કોણ કામ કરે? ગાયોની મુશ્કેલી કોણ સમજે?’ 

શિક્ષકો આવ્યા ગાયોની વહારે 
અંજારમાં લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે બનાવેલા આઇસોલેશન સેન્ટરમાં અહીંના પ્રાથમિક શિક્ષક સમાજના શિક્ષકો સેવા આપે છે. મેઘપર ગામ બોરીચીની ખોડિયારનગર પ્રાથમિક શાળાના શિક્ષક અને અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના રાજ્ય પ્રતિનિધિ નિર્મળસિંહ જાડેજા કહે છે, ‘લમ્પીગ્રસ્ત ગાયોની મદદ માટે અમે એક મહિના સુધી લમ્પી રોગવાળી અને સાજી ગાયોને લાડુ ખવડાવવા માટે શિક્ષકોએ નેમ લીધી છે. ઉપરાંત અંજારના આઇસોલેશન સેન્ટરમાં વારાફરતી રોજ ત્રણ શિક્ષકોએ સેવા કરવા જવું એવો સંકલ્પ કર્યો છે. અમારા ગ્રુપમાં અમે મેસેજ મૂક્યો અને ત્રણ લાખ રૂપિયાનું ફન્ડ એકઠું થયું. અંજારમાં બીઆરસી ભવનમાં રોજ પાંચ શિ​િક્ષકાઓ અને પાંચ શિક્ષકો સાથે મળીને જવ, વરિયાળી, અજમો, મેથી અને ઔષધિઓ સાથે રોજ લાડુ બનાવી રહ્યાં છે. લમ્પીવાળી ગાયોને ઇમ્યુનિટી વધારનારા લાડુ ખવડાવીએ છીએ. આ ઉપરાંત ગામની ગાયોને રાત્રે લાડુ ખવડાવીએ છીએ જેથી એમને લમ્પી ન થાય. અમારા શિક્ષકો આઇસોલેશન સેન્ટરમાં અડધો દિવસ સેવા કરવા આવે છે. અહીં શિક્ષકો જ ડૉક્ટરની દેખરેખ હેઠળ ગાયોને ડ્રેસિંગ કરે છે, દવા આપે છે. ગાયોને વરિયાળી અને ગોળનું પાણી પીવડાવીએ છીએ.’ 
અંજારના આઇસોલેશન સેન્ટરમાં સેવા આપતા ભારત વિકાસ પરિષદના દિનેશ ઠક્કર કહે છે, ‘અહીં ગાયોની દેખરેખ રાખવાની હોય, દવા લાવવાની હોય કે ગાયને લાવવાની હોય એ સહિતની સેવા કરીએ છીએ. અસરગ્રસ્ત ગાયને વહેલામાં વહેલી સેન્ટરમાં લાવીને તેની ડૉક્ટર તપાસ થાય એ માટે અમે મથીએ છીએ.’ 
શિક્ષકોની જેમ અંજારના આઇસોલેશન સેન્ટરમાં ભારત વિકાસ પરિષદ ઉપરાંત સંવેદના ગૌસેવા ગ્રુપ, સેવા સમર્પણ ટ્રસ્ટ, હિન્દુ યુવા સંગઠન, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ, સેવા સાધના, રાધે સંવેદના ગ્રુપ જેવી વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો પણ ગાયોની સેવા આપી રહ્યાં છે.

columnists shailesh nayak