બૅન્કવાળા તમને નોટિસ આપે તો એ શિવસેનાની ઑફિસમાં આપી જજો, અમે જોઈ લઈશું

26 September, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર ખેડૂતોને કર્જમાફી નહીં આપે તો રસ્તા પર ઊતરવાનું એલાન કરીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું...

ધારાશિવ જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે ખેતરોમાં પારાવાર નુકસાન થયા બાદ ભાંગી પડેલા ખેડૂતોને ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રૂબરૂ મળીને આશ્વાસન આપ્યું હતું.

મરાઠવાડામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે ધારાશિવ જિલ્લાના ઇટકુર ગામમાં પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા. વરસાદે સર્જેલી તારાજીનું નિરીક્ષણ કરવા ગયેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘ખેડૂતોને કર્જમાફી આપવાનો આ જ ખરો સમય છે. વડા પ્રધાન રાહતફન્ડમાંથી રકમ ફાળવીને ખેડૂતોનું કર્જ માફ કરવું જોઈએ. ઊભો પાક પૂરના પાણીમાં નાશ પામ્યો છે એથી ખેડૂત આક્રોશ અને ચિંતામાં છે, પણ સરકારે કોઈ પણ મદદનાં મક્કમ પગલાંની ખાતરી આપી નથી. આવા વખતે ખેડૂતોએ શું કરવું?’

ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકારને આ મુદ્દે ચાબખા મારતાં કહ્યું હતું કે ‘આ ગંભીર કુદરતી હોનારત છે. જ્યારે પણ આવું થાય છે ત્યારે મુખ્ય પ્રધાન (દેવેન્દ્ર ફડણવીસ) કહે છે કે યોગ્ય સમયે મદદ કરવામાં આવશે. તો એ ખરો સમય ચૂંટણી આવશે ત્યારે જ આવશે એમ જને? ૨૦૧૯માં પણ કર્જમાફી આપી હતી. એ વખતે એટલી બધી શરતો હતી કે ખેડૂત કહેતો હતો કે આના કરતાં તો હું આત્મહત્યા કરી લઉં. હું ખેડૂતોને કહીશ કે મારા હાથમાં કશું નથી એમ છતાં હું તમારા પડખે ઊભો છું. કોઈ પણ નિરાશ ન થતા, વિચાર્યા વગર કોઈ પણ આડુંઅવળું પગલું ન ભરતા, આત્મહત્યા ન કરતા. બૅન્કો તરફથી ખેડૂતોને લોનની ભરપાઈ કરવાની નોટિસો આપવાનું શરૂ થઈ ગયું છે. તમે એ નોટિસો શિવસેનાની નજીકની શાખામાં આપજો. અમે જોઈશું એ નોટિસનું શું કરવું. ખેડૂતોની કર્જમાફી થવી જોઈએ એવી અમારી માગણી છે. જો એ નહીં સ્વીકારાય તો અમે પણ ખેડૂતો સાથે રસ્તા પર ઊતરીશું.’ 

બીજું શું કહ્યું ઉદ્ધવ ઠાકરેએ?

હું મુખ્ય પ્રધાનને પૂછવા માગું છું કે તમારો એ ‘યોગ્ય’ સમય શું તમે પંચાંગમાં જોઈને કાઢવાના છો? એ માટે મુરત જોવાના છો? 
અત્યારે ૩૫૦૦ રૂપિયા પ્રતિ એકર સરકાર તરફથી મળી રહ્યા છે. પંજાબમાં જ્યારે આવું સંકટ આવ્યું હતું ત્યારે ત્યાંની સરકારે ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકર મદદ કરી હતી. તો મહારાષ્ટ્રને પણ ૫૦,૦૦૦ રૂપિયાની મદદ કરવામાં વાંધો કેમ?
 અજિત પવાર કહે છે કે અમે લાડકી બહિણ યોજના હેઠળ ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની સહાય કરીએ જ છીએ. લાડકી બહિણ યોજનાના એ ૧૫૦૦ રૂપિયામાં શું બહેનના ઘરનું ગુજરાન ચાલવાનું છે?

ખેડૂતોને પ્રતિ એકર ૮૫૦૦ રૂપિયા કરતાં વધુ રકમ મળશે
રાજ્યના મદદ અને પુનર્વસનપ્રધાન મકરંદ પાટીલે ગઈ કાલે પરભણી જિલ્લાના નુકસાનગ્રસ્ત ભાગનું નિરાક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂતોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘પ્રશાસનના નવા નિર્ણય મુજબ ગવર્નમેન્ટ રેઝોલ્યુશન મુજબ હવે એકરદીઠ ૮૫૦૦ રૂપિયા કરતાં વધુ રકમની મદદ આપવામાં આવશે. હાલ અતિવૃષ્ટિને કારણે ખરીફ પાકનું મોટું નુકસાન થયું છે. અત્યાર સુધીની પરિસ્થિતિ જોતાં મદદનો લાભ દરેક ખેડૂતને પહોંચાડવામાં આવશે. કોઈ પણ ખેડૂતને કોઈ પણ તબક્કા પર એકલો નહીં છોડી દેવાય. સ્થાનિક પ્રશાસન દ્વારા પંચનામાં કરીને વહેલી તકે મદદની વહેંચણી કરવામાં આવશે.’

mumbai news mumbai marathwada uddhav thackeray shiv sena maharashtra political crisis political news maharashtra news maharashtra