દશેરા રેલીમાં શિંદે પર ઉદ્ધવના આકરા પ્રહાર, કહ્યું - કટપ્પાને લોકો માફ નહીં કરે

05 October, 2022 09:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે આ રેલીમાં ઉદ્ધવ શું કહે છે તેના પર પણ ઘણું નિર્ભર રહેશે

ફાઇલ તસવીર

દશેરાના અવસર પર શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેની રેલી શરૂ થઈ ગઈ છે. અપેક્ષા મુજબ, ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે. ઠાકરેએ એ વાત પર ભાર મૂક્યો કે જનતા કટપ્પાને માફ કરવાની નથી.

ઉદ્ધવે કહ્યું છે કે “ગદ્દારને ગદ્દાર જ કહેવાશે. દરેક વ્યક્તિએ આ વાત જાણવી જોઈએ કે શિવસેનાનું સિંહાસન મારા શિવસૈનિકોનું છે. જનતા કટપ્પાને ક્યારેય માફ કરવાની નથી. ભાજપે પણ યોગ્ય નથી કર્યું, છેતરપિંડીનું કામ પણ કર્યું છે.” શિંદે પર મોટું નિવેદન આપતા ઉદ્ધવે એમ પણ કહ્યું કે “આ લોકો શિવસેનાનું નામ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ લોકો થોડા સમય માટે જ ખુરશી પર રહેવાના છે. તેમનું કોઈ ભવિષ્ય નથી. હું હિંદુ છું, કોઈએ ડરવાની જરૂર નથી, નમવાની જરૂર નથી.”

ઉદ્ધવે વધુમાં કહ્યું કે “મારું નામ માત્ર ઉદ્ધવ ઠાકરે નથી, હું ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે છું. મારે ભાજપના લોકો પાસેથી હિન્દુત્વના પાઠ ભણવાની જરૂર નથી. ભાજપના લોકો અત્યારે શિવસેનાનું સિંહાસન છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જે પણ કરી રહ્યા છે તે યોગ્ય નથી.”

ઉદ્ધવ ઠાકરે પહેલેથી જ પ્રતીકાત્મક જીત મેળવી ચૂક્યા છે. શિવાજી પાર્ક ખાતે કોની રેલી યોજાશે તે અંગે ઘણા સમયથી લડાઈ ચાલી રહી હતી. એકનાથ શિંદે સત્તામાં રહ્યા ત્યારથી સૌપ્રથમ એ સ્પષ્ટ થયું કે તેમનું જૂથ શિવાજી પાર્કમાં રેલી કરવા જઈ રહ્યું છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો અને ત્યાંથી તેમને અપેક્ષા મુજબ મોટી રાહત મળી. ઉદ્ધવ છાવણીને શિવાજી પાર્કમાં રેલી યોજવાની પરવાનગી મળી.

હવે આ રેલીમાં ઉદ્ધવ શું કહે છે તેના પર પણ ઘણું નિર્ભર રહેશે. ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના સૌથી નાના પુત્ર તેજસ ઠાકરે વિશે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, ભૂમિકા તૈયાર કરવામાં આવી છે, ઉદ્ધવ તેને કઈ રીતે અંત સુધી લાવે છે, તેના પર સૌની નજર રહેશે.

mumbai mumbai news shiv sena uddhav thackeray