ઑફિસ પહોંચ્યા બાદ કંગનાએ કરી ટ્વીટ હર હર મહાદેવ...

11 September, 2020 12:16 PM IST  |  Mumbai | Agencies

ઑફિસ પહોંચ્યા બાદ કંગનાએ કરી ટ્વીટ હર હર મહાદેવ...

ગઈ કાલે પોતાની બાંદરાની ઓફિસ પહોંચેલી કંગના રનોટ. તસવીર : શાદાબ ખાન

શિવસેના અને બૉલીવુડ-અભિનેત્રી કંગના રનોટ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધારે વકર્યો છે, જેમાં ગઈ કાલે કંગનાએ શિવસેનાને સોનિયાસેના કહીને સંબોધી હતી.
કંગના ગઈ કાલે પોતાની ઑફિસ જોવા ગઈ હતી, જ્યાં સુધરાઈ દ્વારા મોટા પાયે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યાં જઈને કંગોએ ટ્વીટ કરી હતી, ‘હર હર મહાદેવ...’ આ ટ્વીટ પણ ઘણી વાઇરલ થઈ હતી. એ દરમ્યાન આરપીઆઇના નેતા રામદાસ આઠવલે કંગાનાને મળ્યા હતા.
કંગનાએ કહ્યું કે ‘જે વિચારધારા સાથે બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાનું નિર્માણ કર્યું હતું એ જલધારા અને સત્તા આજે શિવસેનાને બદલે સોનિયાસેના બની ગઈ છે. મારી હાજરીમાં મારું ઘર તોડનારને દેશના નાગરિક ન કહો. ભારતીય સંવિધાનનું અપમાન ન કરો.’ 
કંગનાના વકીલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવેલી ડિમોલિશન-ડ્રાઇવ વિરુદ્ધ બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે ૯ સપ્ટેમ્બરે બૉમ્બે હાઈ કોર્ટે કંગનાની પ્રૉપર્ટી તોડી પાડવાની ડ્રાઇવ પર સ્ટે આપ્યો હતો. ગેરકાનૂની રીતે કંગનાની ઑફિસમાં ઘૂસીને તોડફોડ કરવાનો આરોપ મૂકતી અરજી કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ હાઈ કોર્ટમાં કરી છે.

ઉદ્ધવ ઠાકરેનું અપમાન કરવા બદલ કંગના સામે પોલીસ-ફરિયાદ નોંધાઈ

બે પોલીસ અધિકારીઓએ કંગના રનોટ સામે જનસમુદાયમાં સાંપ્રદાયિક અવ્યવસ્થા ફેલાવવા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું અપમાન કરવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દિંડોશી પોલીસ-સ્ટેશનમાં અરુણ શ્રીકાંત મિશ્રાએ સાંપ્રદાયિક અવ્યવસ્થા ફેલાવવા બદલ કંગના સામે ફરિયાદ દાખલ કરાવી છે અને સાથોસાથ તેણે ઉદ્ધવ ઠાકરેનું અપમાન કર્યું હોવાનો આરોપ પણ અભિનેત્રી પર લગાવ્યો છે. ફરિયાદીએ લખાવ્યું કે ‘કંગનાએ તેની સામે બનેલી કથિત ઘટનાની તુલના કાશ્મીરના પંડિતો સાથે કરી છે અને આમ કરીને તેણે એક વિશિષ્ટ સમુદાય વિરુદ્ધ અવ્યવસ્થા પેદા કરવાનો પ્રયાસ કર્યો છે જે કાયદાની વિરુદ્ધ પણ છે.’
૯ સપ્ટેમ્બરે કંગનાએ એક વિડિયોમાં ઉદ્ધવ ઠાકરેને અપમાનજનક શબ્દો દ્વારા તું’કારે બોલાવ્યા હતા જેને ધ્યાનમાં રાખીને આ ફરિયાદ કરવામાં આવી હતી. સામા પક્ષે બીજી ફરિયાદ વિક્રોલી પોલીસ-સ્ટેશનમાં ઍડ્વોકેટ નીતિન માને દ્વારા કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું અપમાન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કંગનાનો એપિસોડ શિવસેના માટે હવે સમાપ્ત થયો : સંજય રાઉત

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કંગનાનું ચૅપ્ટર હવે તેમની પાર્ટી માટે સમાપ્ત થઈ ગયું છે. શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કરેલી મીટિંગ બાદ રાઉતે ‌આ ટિપ્પણી આપી હતી. સંજય રાઉતે કહ્યું કે ‘કંગનાનો એપિસોડ અમારે માટે સમાપ્ત થઈ ગયો છે. અમે હવે એ ઘટનાને ભૂલી જવા માગીએ છીએ. અમે દિવસનાં સરકારી અને સામાજિક અનેક કામોમાં વ્યસ્ત હોઈએ છીએ. પવારસાહેબ કે સોનિયાજી, કોઈએ નારાજગી વ્યક્ત કરતાં નિવેદન આપ્યું નથી. અમે તેને અરજ કરીએ છીએ કે તે મુંબઈ ન આવે. એ કાંઈ નહીં, મુંબઈ પોલીસનું અપમાન છે.’

કંગનાની ઑફિસ તોડી પાડવા માટે રાઉતે બીએમસીને જવાબદાર ગણાવી

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કંગના રનોટની ઑફિસ તોડી પાડવાની ઘટનાથી પોતાને અળગો કરીને આ ઘટના માટે બીએમસીને જવાબદાર ગણાવી છે. પોતાનો પક્ષ સ્પષ્ટ કરતાં રાઉતે દોષનો ટોપલો બીએમસીના માથે ઢોળ્યો હતો. આ મુદ્દે મીડિયા સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું કે ‘કંગના રનોટની ઑફિસ તોડી પાડવાનું કામ બીએમસીએ કર્યું છે અને શિવસેનાને એની સાથે કોઈ લેવાદેવા નથી. તમારે આ વિશે બીએમસીના કમિશનર અથવા તો મેયર સાથે વાત કરવી જોઈએ.’

કંગનાનું બાંધકામ ગેરકાનૂની હતું અને હવે તે આ વિવાદને વધારી રહી છે : બીએમસી

તાજેતરમાં બીએમસીએ કંગનાની ઑફિસ તોડી પાડવાના વિવાદમાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે કંગનાનું બાંધકામ ગેરકાનૂની હતું અને હવે તે વિવાદને વધારી રહી છે. કંગનાએ પોતાના બાંધકામને તોડી પાડવા બદલ કોર્ટમાં અરજી કરી હતી, જેની સામે સિવિલ બૉડીએ ઍફિડેવિટ દાખલ કરતાં તેની અરજીને પડકારી હતી. કંગનાના વકીલે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પ્રૉપર્ટી ઉપરાંત પાણી અને ઇલેક્ટ્રિસિટીના કનેક્શનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જોકે જજની બેન્ચે કોઈ પણ ઑર્ડર પાસ કરવાની ના પાડી હતી અને આગામી સુનાવણી બાવીસમી સપ્ટેમ્બરે રાખી છે.

રાજ્યપાલે નારાજગી વ્યક્ત કરી

મહારાષ્ટ્રના રાજ્યપાલ બી. એસ. કોશ્યારીએ કંગના રનોટનું પ્રકરણ જે રીતે આકાર પામ્યું અને જે રીતે મુંબઈ મનપાએ તેના બંગલાનાં ‘ગેરકાયદે બાંધકામ’ની તોડફોડ કરી, એ ‌‌‌‌‌વિશે નારાજગી વ્યક્ત કરી હોવાનું તેમનાં નિકટનાં સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું.

કંગના બાદ બીએમસીના રડારમાં હવે મનીષ મલ્હોત્રા

તાજેતરમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને અભિનેત્રી કંગના રનોટની ઑફિસનો ગેરકાયદે હિસ્સો તોડી પાડ્યો હતો. ત્યાર બાદ બીએમસી રડારમાં હવે ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું નામ ઉમેરાયું છે. ગેરકાનૂની બાંધકામના વિવાદ સામે ૭ દિવસમાં જવાબ આપવા જણાવાયું છે. મનીષ મલ્હોત્રાના બાંદરામાં પાલી હિલ ખાતે નર્ગિસ દત્ત રોડ પર આવેલા બંગલાના પહેલા માળે અનુમત વિદા રેસિડેન્શિયલ જગ્યાને કમર્શિયલ ઑફિસ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ૯ સપ્ટેમ્બરે બીએમસીના એચ-વૉર્ડની ઑફિસથી મનીષ મલ્હોત્રા પાસે પોતાના બંગલામાં ચાર સુધારા કર્યા હોવાના પુરાવા ૭ દિવસમાં માગવામાં આવ્યા હતા.

bollywood kangana ranaut shiv sena mumbai mumbai news brihanmumbai municipal corporation bollywood news bollywood gossips