24 January, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસેના (UBT)ના ભાસ્કર જાધવની શિંદેસેનાને હાકલ : મેયરના પદ માટે ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ કરો
મહારાષ્ટ્રમાં ચૂંટણી પછી સત્તા માટે ચાલી રહેલી ખેંચતાણ દરમ્યાન શિવસેના (UBT)ના એક નેતાએ ચોંકાવનારું નિવેદન કર્યું છે. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મેયરપદની ચૂંટણીમાં મહાયુતિના સાથી BJPને બદલે ઉદ્ધવ ઠાકરેના પક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈએ એવી ટિપ્પણી શિવસેના (UBT)ના ભાસ્કર જાધવે કરી છે અને એને પગલે પક્ષમાં ખળભળાટ મચ્યો છે.
શિવસેના (UBT)ના નેતા ભાસ્કર જાધવે કહ્યું હતું કે જો શિવસેના અમારા પક્ષને ટેકો આપે તો એ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેને તેમના શતાબ્દી વર્ષમાં સાચી શ્રદ્ધાંજલિ હશે.
મુંબઈના મેયરપદ માટે ગુરુવારે યોજાયેલી લૉટરીમાં જનરલ કૅટેગરીની મહિલા માટે પદ અનામત રાખવામાં આવ્યું હતું.
ભાસ્કર જાધવે કહ્યું હતું કે બાળ ઠાકરેના જન્મશતાબ્દી વર્ષમાં BMCમાં બાળ ઠાકરેની શિવસેનાનો મેયર ન હોય એ ખૂબ દુખદ વાત છે. જોકે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આ નિવેદનનો વિરોધ કરતાં કહ્યું હતું કે અમે એકનાથ શિંદે સાથે ક્યારેય નહીં જોડાઈએ.