લૉકડાઉનમાં નોકરી જતી રહેતાં જલદી પૈસા બનાવવાની લાયમાં બે યુવાન બન્યા લૂંટારા

14 September, 2021 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈંદરના બન્ને આરોપીને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા

પકડાયેલા બન્ને આરોપીની સાથે અંધેરી રેલવે પોલીસ

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં વહેલી સવારે ચાલુ ટ્રેનમાં લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓ લૉકડાઉનમાં પોતાની નોકરી ગુમાવી બેસ્યા હતા અને જલદી પૈસા કમાવાની લાલચે તેઓ લૂંટ ચલાવવાનો પ્લાન કરવા લાગ્યા હતા.વહેલી સવારે લોકલમાં ભીડ ખૂબ ઓછી અને મોટા ભાગના લોકો ઊંઘમાં હોય અથવા તો સૂતા હોય છે. એનો અંદાજ હોવાથી યુવકો એનો લાભ લેવા માગતા હતા. આ યુવાનો ભાઈંદરથી ચડ્યા અને જોગેશ્વરીથી અંધેરી તરફ જેમ ટ્રેન વધી કે આ બન્ને યુવકોમાંથી એકે એક પ્રવાસીને પકડીને તેનું મોઢું દબાવ્યું તો બીજાએ પ્રવાસીનો મોબાઇલ અને પર્સ છીનવી લીધાં હતાં. આ દરમિયાન જ અંધેરી સ્ટેશન આવતાં જ બન્ને આરોપીઓ ચાલુ ટ્રેને જ ઊતરી ગયા હતા. અંધેરી જીઆરપીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. કે. ખરાતના જણાવ્યા પ્રમાણે ‘ટ્રેનમાંથી ઊતરતી વખતે પ્રવાસીએ બૂમાબૂમ કરતાં પ્લૅટફૉર્મ ઊભા રહેલા અન્ય પ્રવાસીઓએ ભાગી રહેલા આરોપીને સ્ટેશન પર જ પકડી લીધો હતો. આરોપીઓ વહેલી સવારે ટ્રેનમાં કોઈ ન હોય એનો લાભ લેવા માગતા હતા. રેલવે પોલીસે આરોપીની કડક રીતે પૂછપરછ કરતાં લગભગ છ કલાકની અંદર જ બીજા આરોપીને પણ પકડી પાડ્યો હતો. પોલીસે ૧૯ વર્ષના અંકિત ચૌબે અને ૨૦ વર્ષના જિતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે અને તે બન્ને ભાઈંદરના રહેવાસી છે. આરોપીની પૂછપરછ કરતાં બન્ને આરોપી ભાઈંદરમાં સિક્યૉરિટી ગાર્ડનું કામ કરતા હતા, પરંતુ લૉકડાઉનને કારણે તેમનું કામ છૂટી ગયું હતું, એમાં નશાની પણ તેમને લત હતી. કામકાજ ન હોવાથી પૈસાની તાણ ઊભી થતાં જલદી પૈસા કમવા માટે બન્ને તત્પર હોવાથી આ રીતે પૈસા કમાવાનો તેમનો પ્લાન હતો, પરંતુ તેમના પ્લાનમાં તેઓ સફળ રહે એ પહેલાં જ એ ફ્લૉપ થયો હતો.’

mumbai mumbai news Crime News mumbai crime news andheri