સ્કૂલ બંક કરીને આરે કૉલોનીની પાણીની ટાંકીમાં નહાવા પડેલા બે ટીનેજર ડૂબી ગયા

22 August, 2026 08:16 AM IST  |  Mumbai | Samiullah Khan

શુક્રવારે સવારે ગોરેગામ-ઈસ્ટની આરે મિલ્ક કૉલોનીમાં ગૌતમનગર ખાતે ૮૦x૮૦ ફુટની પાણીની ટાંકીમાં બે ટીનેજર ડૂબી ગયા હતા

તસવીરો- ખાસ વ્યવસ્થા/સમીઉલ્લા ખાન

શુક્રવારે સવારે ગોરેગામ-ઈસ્ટની આરે મિલ્ક કૉલોનીમાં ગૌતમનગર ખાતે ૮૦x૮૦ ફુટની પાણીની ટાંકીમાં બે ટીનેજર ડૂબી ગયા હતા. જોગેશ્વરીની ગુફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતો ૧૫ વર્ષનો ઝૈબ પટેલ અને નવમા ધોરણમાં ભણતો ૧૩ વર્ષનો નકિબ ખાન ગઈ કાલે સ્કૂલમાં ગયા નહોતા અને તેમના અન્ય એક મિત્ર સાથે આરે કૉલોનીમાં પાણીની ટાંકીમાં નહાવા પડ્યા હતા. ટાંકીમાં જતાં પહેલાં તેમણે ટાંકી પાસે તેમની બૅગ અને કપડાં છોડી દીધાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ નકિબ ખાન સૌથી પહેલાં ડૂબી ગયો હતો અને ઝૈબ પટેલ તેને બચાવવા અંદર ગયો હતો, પરંતુ બન્ને પાણીની અંદર ખેંચાઈ ગયા હતા. તેમનો ત્રીજો મિત્ર જે બહાર ઊભો હતો તે ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગી ગયો હતો. તેણે પાછળથી રસ્તા પર એક વ્યક્તિને જાણ કરી કે બે છોકરાઓ ડૂબી ગયા છે. 

ઘટના વિશે જાણ થયા પછી આરે પોલીસે મરોલ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પોલીસને ટાંકી પાસે છોકરાઓની બૅગ અને કપડાં અને કાંડાઘડિયાળ મળી આવ્યાં હતાં. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ હુકનો ઉપયોગ કરીને શોધખોળ શરૂ કરી અને બન્ને કિશોરોને પાણીની અંદર શોધી કાઢ્યા હતા. બન્નેને બહાર કાઢીને જોગેશ્વરી-ઈસ્ટના ટ્રૉમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમને બન્નેને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

mumbai news mumbai aarey colony jogeshwari mumbai police