16 November, 2026 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુહુમાં આવેલા પોતાના બંગલામાંથી અમિતાભ બચ્ચને ગઈ કાલે પણ બુલેટપ્રૂફ ગ્લાસ વગર બહાર ભેગા થયેલા પોતાના ચાહકોને દર્શન આપ્યાં હતાં. તસવીરો: સતેજ શિંદે
અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ની બહાર ફાયરિંગ કરવાના કાવતરાનો દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે મુંબઈ પોલીસની મદદથી પર્દાફાશ કર્યો હતો. આ મામલે બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ હતી. આરોપીઓની ઓળખ જાલંધરના વિકાસ ઠાકુર અને તરનતારનના દીપક સિંહ તરીકે થઈ હતી. પોલીસના કહેવા મુજબ બન્ને વિદેશમાં બેઠેલા એક ગૅન્ગસ્ટરના ઇશારે કામ કરતા હતા.
પૂછપરછમાં બહાર આવ્યું છે કે દીપક સિંહને મુંબઈમાં રોકાઈને ‘જલસા’ની બહાર ફાયરિંગ કરવાની જવાબદારી સોંપાઈ હતી, જ્યારે વિકાસ ઠાકુરને દિલ્હી મોકલીને એક વેપારી પાસેથી ખંડણી વસૂલવા ફાયરિંગ કરવાનો આદેશ અપાયો હતો. પોલીસના કહેવા મુજબ ૧૯૮૪ના સિખવિરોધી રમખાણો વખતે અમિતાભ બચ્ચને કથિત રીતે આપેલા નિવેદનને કારણે તેમને નિશાન બનાવવાનું કાવતરું ઘડાયું હતું. જોકે અભિનેતા અગાઉ જ આ આરોપો નકારી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૬ નવેમ્બરે ‘જલસા’ને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.