10 October, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લામાં આદિવાસી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ચાલતી આશ્રમ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા કરે એવી ચોંકાવનારી ઘટના બની છે. વાડા તાલુકાના આંબિસ્તેની આશ્રમ સ્કૂલમાં ભણી રહેલા બે વિદ્યાર્થીઓએ બુધવારે મધરાત બાદ અંદાજે એક વાગ્યે એકસાથે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની જાણકારી મળી હતી. દસમા ધોરણમાં ભણતા દેવીદાસ પરશુરામ નાવળે અને નવમા ધોરણમાં ભણતા મનોજ સીતારામ વડ આ બન્ને વિદ્યાર્થીઓએ કપડાં સૂકવવાની દોરી ઝાડ પર લટકાવીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આંબિસ્તેમાં આવેલી આ આશ્રમ સ્કૂલમાં ૪૫૦ વિદ્યાર્થીઓ ભણે છે.
આ ઘટનાની માહિતી મળતાં જવ્હારના પ્રોજેક્ટ અધિકારી સહિત ઍડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને પાલઘર લોકસભાના સંસદસભ્ય હેમંત સાવરા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બન્ને વિદ્યાર્થીઓએ શા માટે જીવન ટૂંકાવ્યું એની શોધ ચાલી રહી છે. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે.
દીકરાએ આત્મહત્યા કરી હોવાની વાતે પરિવારને શંકા
વિદ્યાર્થીઓના વાલીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી, પણ પરિવાર પહોંચે એ પહેલાં જ બન્નેને સ્કૂલના સ્ટાફે નીચે ઉતારી લેતાં પરિવારે તે બન્નેનાં અપમૃત્યુ બાબતે શંકા વ્યકત કરી હતી. એક વિદ્યાર્થીના પરિવારે કહ્યું હતું કે ‘છેલ્લે અમારો દીકરો ગણેશોત્સવમાં મળવા આવ્યો હતો. તેણે ક્યારેય કોઈ બાબતે ફરિયાદ કરી નહોતી એટલે તેણે આત્મહત્યા કરી હોય એ બાબત અમને માનવામાં નથી આવતી.’