04 February, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના દાણાબજારમાં એક વેપારીની વિવિધ કંપનીઓમાં ૨૦૧૭થી ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન કરોડો રૂપિયાનો ઑનલાઇન નાણાકીય ગેરવહીવટ થવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. કંપનીમાં વિશ્વાસુ તરીકે કામ કરતી બે મહિલા અકાઉન્ટન્ટે કંપનીના અને માલિકના વ્યક્તિગત એમ કુલ ૭ ખાતાંમાંથી ગેરરીતિથી ૨.૭૯ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે APMC પોલીસે સોમવારે બન્ને અકાઉન્ટન્ટ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી મહિલાઓએ ૭ વર્ષમાં પોતાનાં બૅન્ક-ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. બન્ને મહિલાએ માલિકના પૈસાથી ફ્લૅટ ખરીદ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘APMCના દાણાબજારમાં વેપારીની પાંચ પ્રોપ્રાઇટરશિપ ફર્મ દ્વારા અનાજનો વેપાર કરવામાં આવે છે. આ તમામ કંપનીઓના નાણાકીય વ્યવહારો બે મહિલા અકાઉન્ટન્ટ વર્ષોથી સંભાળતી હતી. બન્ને મહિલાઓને લાંબા સમયથી સંપૂર્ણ વિશ્વાસ સાથે કંપનીનાં બૅન્ક-ખાતાંઓની જવાબદારી સોંપવામાં આવી હતી. જૂન ૨૦૨૪માં એક ફર્મના ખાતાની તપાસમાં ૧૨ લાખ રૂપિયાના ખરીદીના હિસાબમાં ગરબડ જણાતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ એક પછી એક ફર્મની તપાસ કરવામાં આવી ત્યારે ખુલાસો થયો કે કંપનીનાં વિવિધ ખાતાંઓમાંથી તેમ જ બન્ને માલિકનાં ખાતાંમાંથી મોટી રકમ ઑનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે માત્ર કંપનીનાં ખાતાંઓમાંથી જ આશરે ૨.૧૧ કરોડ રૂપિયા અને વ્યક્તિગત ખાતાંઓમાંથી અંદાજે ૬૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બન્ને મહિલા અકાઉન્ટન્ટોએ પૂછપરછ દરમ્યાન છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરતાં તેમની સામે અમારી પાસે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં બૅન્ક-વ્યવહારોની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે. આરોપી મહિલાઓએ મિલકત લેવા માટે આ પૈસાનો ઉપયોગ કર્યો હોવાનો હાલમાં ખુલાસો થયો છે.’