09 February, 2026 07:31 AM IST | Solapur | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ખાણી-પીણીની એક દુકાન પાસે એક કારમાંથી બે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) મળી આવ્યાં હતાં. એને લઈને હોબાળો મચી ગયો હતો. જોકે સરકારી અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે એ EVM અનામત એટલે કે રિઝર્વ્ડ મશીન હતાં.
મહારાષ્ટ્રમાં શનિવારે સોલાપુર સહિત ૧૨ જિલ્લાપરિષદો અને ૧૨૫ પંચાયત સમિતિઓની ચૂંટણીઓ યોજાઈ હતી. શનિવારે મધરાતની આસપાસ મોહોળમાં હોટેલ સ્વરાજ્ય નજીક ચૂંટણીની ફરજ પરના અધિકારી માટે ભાડે રાખેલી કારમાંથી બે EVM મળી આવ્યાં હતાં. એને કારણે કેટલાક રાજકીય પક્ષોએ છેડછાડનો આરોપ લગાવ્યો હતો. મતદાન-પ્રક્રિયામાં પારદર્શિતા સાથે જોડાયેલા પ્રશ્નો ઊભા કરીને NCPના ઉમેદવારે ત્યાર બાદ આ શોધની સંપૂર્ણ તપાસ કરવાની માગણી કરી હતી.
એક ઑફિસરે જણાવ્યું હતું કે ચેતવણી મળ્યા બાદ ચૂંટણી રિટર્નિંગ ઑફિસર, તહસીલદાર અને પોલીસ-કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન એવું બહાર આવ્યું હતું કે એ EVM રિઝર્વ્ડ હતાં અને શનિવારે મતદાન માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. બન્ને મશીનો સીલબંધ સ્થિતિમાં હતાં એમ તેમણે જણાવ્યું હતું. ઑફિસરોએ જણાવ્યું હતું કે મતદાન નોંધવા માટે ઉપયોગમાં લેવાતાં તમામ EVM શનિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધીમાં સ્ટ્રૉન્ગરૂમમાં જમા કરાવી દેવામાં આવ્યાં હતાં.