મુલુંડના કચ્છી લોહાણા પરિવારમાં જબરદસ્ત ટ્રૅજેડી

26 July, 2020 08:50 AM IST  |  Mumbai Desk | Mehul Jethva

મુલુંડના કચ્છી લોહાણા પરિવારમાં જબરદસ્ત ટ્રૅજેડી

મુલુંડમાં એક જ પરિવારના મોટા બે સભ્યોનું એક જ મહિનામાં મુત્યુ થયું છે. એમાં ઘરમાં રહેતા સિનિયર સિટિઝનનું કિડનીની બીમારીને લીધે મૃત્યુ થયું હતું અને તેમની બારમાની વિધિમાં ભેગા થયેલા આઠ જણને કોરોના થયો હતો. એમાં ઘરના બીજા સિનિયર સિટિઝનને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા, જ્યાં તેમનું પણ મૃત્યુ થયું હતું.
મુલુંડ-વેસ્ટમાં રહેતા શરદરામ સેજપાલનાં ૮૦ વર્ષનાં મમ્મી નિર્મલાબહેનનું કિડનીની બીમારીને લીધે ૨૩ જૂને મૃત્યુ થયું હતું. તેમની બારમાની વિધિ જુલાઈમાં રાખવામાં આવી હતી અને એમાં પરિવારના સભ્યો ભેગા થયા હતા. જોકે એ વિધિ દરમ્યાન તમામ સાવધાનીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું છતાં પરિવારના ૮ સભ્યો કોરોના-સંક્રમિત થયા હતા. ત્યાર બાદ શરદભાઈના પપ્પા નાનજી સુંદરજી સેજપાલ (ભિવંડીવાલા) પણ કોરોના-સંક્રમિત થતાં તેમને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં ૧૦ જુલાઈએ ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમની હાલત વધુ બગડતાં તેમને ૧૪મીએ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ૨૫ જુલાઈએ સવારે ૭ વાગ્યે મૃત્યુ થયું હતું.
મુલુંડ-વેસ્ટમાં અંતરીક્ષ ટાવરમાં રહેતા અને શ્રી કચ્છી લોહાણા મહાજન મુલુંડના ભૂતપૂર્વ મૅનેજિંગ ટ્રસ્ટી નાનજી સુંદરજી સેજપાલ (ભિવંડીવાલા)નું મૃત્યુ શનિવારે સવારે ૭ વાગ્યે થયું હતું. તેમની સારવાર છેલ્લા ૧૫ દિવસથી મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. શરૂઆતના દિવસોમાં તેમની હાલત સુધારા પર હતી, પણ છેલ્લા ચાર-પાંચ દિવસથી તબિયત વધુ બગડી હતી.
મુલુંડ કચ્છી લોહાણા સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર ભિવંડી પાવરલૂમ અસોસિએશનના સક્રિય નેતા શરદરામ સેજપાલે જણાવ્યું હતું કે ‘મારી મમ્મીનું કિડનીની બીમારીને લીધે ૨૩ જૂને મૃત્યુ થયું હતું. ત્યાર બાદ આજે મારા પપ્પાનું પર મૃત્યુ થયું. એક જ મહિનામાં અમારા ઘરના બન્ને વડીલોને મોત ભરખી ગયું. અમારા માથેથી છત ચાલી ગઈ. પાંચમી જુલાઈએ મારી મમ્મીની બારમાની વિધિ પછી મારા પરિવારના ૨૫ વર્ષથી લઈને ૮૧ વર્ષ સુધીના કુલ આઠ જણ કોરોના-સંક્રમિત થયા હતા, જેમાં મારો પણ સમાવેશ છે. ૮માંથી મારા પપ્પા અને બહેનને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાં પડ્યાં હતાં, જેમાં મારી બહેનની હજી પણ સારવાર ચાલી રહી છે.’

mehul jethva mumbai mumbai news mulund