ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દરદીઓ માટે રસીના બે નહીં, ત્રણ ડોઝ

19 June, 2021 03:36 PM IST  |  Mumbai | Somita Pal

ડૉક્ટરોનું માનવું છે કે ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દરદીઓમાં ઇમ્યુનોલૉજિકલ રિસ્પૉન્સ ન જણાય તો તેમને બૂસ્ટર ડોઝ આપવા માટે વિચારવું જોઈએ

ધારાવીના વૅક્સિનેશન સેન્ટરમાં ગઈ કાલે રસી મુકાવી રહેલા લોકો

તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેવા દરદીઓને કોરોનાવિરોધી રસીના ત્રણ ડોઝ આપવાથી ઍન્ટિ-બૉડી રિસ્પૉન્સ ઉત્પન્ન થાય છે. ડૉક્ટરોનું માનવું છે કે ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દરદીઓમાં ઇમ્યુનોલૉજિકલ રિસ્પૉન્સ ન જણાય તો તેમને બૂસ્ટર ડોઝ આપવા માટે વિચારવું જોઈએ.

મસીના હૉસ્પિટલ ખાતે ઇન્ફેક્શ્યસ ડિસીઝનાં ફિઝિશ્યન ડૉ. તૃપ્તિ ગિલાડાએ જણાવ્યું હતું કે ‘ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેવા ૩૦ જેટલા દરદીઓમાં બે ડોઝ પછી પણ ઍન્ટિ-બૉડી વિકસ્યા ન હોવાનું માલૂમ પડ્યા બાદ તેમને ત્રીજો ડોઝ અપાયો ત્યાર બાદ આ સમગ્ર ચર્ચા શરૂ થઈ હતી. ત્યાર બાદ આ દરદીઓએ વૉલન્ટિયર્સ તરીકે રિસર્ચ માટે બ્લડ સૅમ્પલ્સ ઑફર કર્યાં હતાં. એમાંથી આઠ સૅમ્પલમાં ચોક્કસ ઍન્ટિ-બૉડી વિકસ્યાં હતાં. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અને સામાન્ય વ્યક્તિની તુલનામાં બે ડોઝ પૂરતા ન હોય એવા સમુદાય માટે આ સાચે જ પ્રોત્સાહજનક બાબત છે. ફ્રાન્સમાં વધુ વ્યાપક અભ્યાસ હાથ ધરાયો છે. અમે પરિણામોની રાહ જોઈ રહ્યાં છીએ.’

પ્રિન્સ અલી ખાન હૉસ્પિટલના નૅફ્રોલૉજિસ્ટ ડૉ. ઝહીર વીરાણીના જણાવ્યા પ્રમાણે ‘સૉલિડ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા લોકો જેવા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારા દરદીઓનું રસીકરણ બાદ ઇમ્યુનોલૉજિકલ રિસ્પૉન્સ માટે મૂલ્યાંકન થવું જોઈએ. જો તેમનામાં ઇમ્યુન રિસ્પૉન્સ ન ઉદ્ભવે તો સમાન રસી કે અન્ય પ્લૅટફૉર્મ પર આધારિત રસીના બૂસ્ટર ડોઝ અંગે રિસર્ચ ટ્રાયલ હેઠળ વિચારણા કરવી જોઈએ.’

બીજી તરફ મસીના હૉસ્પિટલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન ડૉ. ઝૈનુલાબેદ હમદુલાયના જણાવ્યા પ્રમાણે ‘સંક્રમિત બીમારીઓના નિષ્ણાતો અને ઇમ્યુનોલૉજિસ્ટ્સ તમામ પાસાંઓ પર કાર્ય કરી રહ્યા છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારા ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા લોકો માટે માત્ર બે ડોઝ પૂરતા નથી. અત્યારે ભારતમાં આપણી પાસે ત્રીજા બૂસ્ટર ડોઝનો વિકલ્પ નથી, પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમો ચલાવનારી હૉસ્પિટલો આ માટે સરકારને વિનંતી કરવાની છે.’

coronavirus covid19 covid vaccine vaccination drive mumbai mumbai news somita pal