02 June, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માત બાદ સ્થાનિક લોકો કચ્ચરઘાણ થઈ ગયેલી કારમાંથી ઘાયલોને કઈ રીતે બહાર કાઢવા એની મથામણ કરતા જોવા મળ્યા હતા.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગઈ કાલે સવારે ૧૨.૧૦ વાગ્યે મેઢવણ ખીણ પાસેના સ્લોપ પાસે મનોર ગેટ હોટેલ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં છે, જ્યારે બે જણ ઘાયલ થયા છે. ઘાયલોમાં ૯ વર્ષના બાળક અને ૭૩ વર્ષના સિનિયર સિટિઝનનો સમાવેશ થાય છે.
ગુજરાત તરફથી મુંબઈ આવી રહેલી કારમાં પાંચ જણ પ્રવાસ કરી રહ્યા હતા. મેઢવણનો સ્લોપ ઊતરતી વખતે કાર સ્પીડમાં હતી. એ વખતે આગળ રોડ પર વરસાદ પહેલાં સફેદ પટ્ટા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું એથી એક લાઇન બંધ કરી દેવામાં આવી હતી. એ વખતે આગળ જઈ રહેલા કન્ટેનરના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં કાર એની સાથે અથડાઈ હતી એટલું જ નહીં. પાછળથી આવી રહેલા સિમેન્ટ મિક્સરે કારને પાછળથી ટક્કર મારી હતી. એમ બન્ને બાજુથી મોટાં વાહનોની ટક્કર લાગતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એમાં પ્રવાસ કરી રહેલા ૭૩ વર્ષનાં ગ્લોરિયા વેલ્સ, ૪૨ વર્ષના ક્લેટન વેલ્સ અને ૪૫ વર્ષના ફૅબિઓલા વેલ્સનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ૯ વર્ષનો રેડન વેલ્સ અને ૭૩ વર્ષના ફ્રાન્સિસ વેલ્સ બચી ગયા હતા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.