10 July, 2025 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમલેશ જેઠવા
થાણે-વેસ્ટના ચેકનાકા પર કિશનનગર-૧ના સંગમ સદન બિલ્ડિંગમાં રહેતા અને ટેલરિંગનો વ્યવસાય કરતા ૩૫ વર્ષના કમલેશ જેઠવાની ડેડ-બૉડી યમુનોત્રી નજીકના ભૂસ્ખલન વિસ્તારમાં છેક ૧૫ દિવસે મળી હતી. સોમવારે સાંજે મળી આવેલી કોહવાઈ ગયેલી ડેડ-બૉડી વિશે તાત્કાલિક પોલીસે કમલેશના પરિવારને જાણ કરતાં કમલેશની ડેડ-બૉડીને ગઈ કાલે થાણે લાવવામાં આવી હતી. એના થાણેની લોકમાન્ય સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કમલેશ તેનાં મમ્મી ચંપાબહેનને ચારધામ યાત્રા કરાવવા લઈ ગયો હતો. એ દરમ્યાન ૨૩ જૂને બપોરે યમુનોત્રી ધામ નજીક આવેલા ભૈરવ મંદિર પાસે થયેલા ભૂસ્ખલનમાં તે ગુમ થયો હતો. કમલેશે સોનાની ચેઇન પહેરી હતી. તેનો મૃતદેહ મળ્યો ત્યારે ચેઇન તથા તેનો મોબાઇલ અને તેની પાસે રહેલા રોકડા પૈસા પણ ન મળ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો પરિવારના સભ્યોએ કર્યો છે.
અમે એવું અનુમાન લગાડ્યું હતું કે કમલેશ સુખરૂપ ઘરે પાછો ફરશે, કારણ કે જે ભોલેબાબાનાં દર્શન કરવા ગયું હોય તેને કંઈ જ ન થાય એવી માન્યતા અમે રાખી હતી; પણ સોમવારે મોડી સાંજે ડેડ-બૉડી વિશે જાણ થતાં અમે તૂટી ગયા હતા એમ જણાવતાં કમલેશના નજીકના એક સંબંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉત્તરાખંડમાં એવા અનેક બનાવ બન્યા છે જેમાં ભૂસ્ખલન થયા બાદ માણસો જીવતા પાછા ફર્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા પણ અમને એવી હૂંફ આપવામાં આવી હતી કે કમલેશના જીવતા પાછા આવવાની ઘણીબધી શક્યતા છે. આ ઘટના બની ત્યારથી કમલેશની પત્ની અને તેનાં મમ્મી ચંપાબહેન સતત માતાજી અને ભોલેનાથને એક જ પ્રાર્થના કરતાં હતાં કે કમલેશને સુખરૂપ ઘરે પાછો મોકલી આપે. એટલું જ નહીં, આ ઘટના બની ત્યારથી તેની મમ્મી સતત રડી રહી હતી એટલે આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે કમલેશની મમ્મી અને તેની પત્નીને તાત્કાલિક જાણ કરી નહોતી. અમારા સંબંધીઓ તાત્કાલિક યમુનોત્રી જવા રવાના થયા હતા. ત્યાં ખૂબ જ ખરાબ રીતે ડીકમ્પોઝ થઈ ગયેલી ડેડ-બૉડીનું નિરીક્ષણ કરતાં એ કમલેશની હોવાની ખાતરી થઈ હતી. જોકે ત્યાંથી ડેડ-બૉડીને મુંબઈ લાવવી મોટી સમસ્યા હતી, પણ તેનાં છેલ્લાં દર્શન તેની મમ્મી, પત્ની અને તેમનાં બાળકોને થવાં ખૂબ જ જરૂરી હતાં. એટલે તેને ઍમ્બ્યુલન્સની મદદથી મુંબઈ લાવવામાં આવ્યો હતો જેમાં ૩૦થી વધારે કલાક લાગ્યા હતા. જ્યાં સુધી તેની ડેડ-બૉડી થાણે લાવવામાં ન આવી ત્યાં સુધી તેની મમ્મી અને પત્નીને જાણ કરવામાં આવી નહોતી, કારણ તેમને ૩૦ કલાક સંભાળવાં ખૂબ જ મુશ્કેલ થઈ જાત.’
કમલેશના ભાઈ મહેશ જેઠવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે ૧૭મા દિવસે મારા ભાઈની ડેડ-બૉડી થાણેમાં લાવીને અમે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. થાણેથી ચારધામ યાત્રા માટે કમલેશ ગયો ત્યારે તેના ગળામાં સોનાની ચેઇન હતી. ઉપરાંત મમ્મી સાથેની તેની યાત્રા હોવાથી તેની હૅન્ડબૅગમાં મોટા પ્રમાણમાં પૈસા પણ હતા. એ સાથે તેનો મોબાઇલ અને તેના દસ્તાવેજો પણ તેના ખિસ્સામાં હતા જેની કોઈ માહિતી અમને મળી નથી.’
બડકોટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દીપકસિંહ કથૈતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈનો યુવાન અને દિલ્હીમાં રહેતી એક કિશોરી ૨૩ જૂને થયેલા ભૂસ્ખલનમાં ગુમ થયાં હતાં. આ કેસમાં અમે ડૉગ-સ્ક્વૉડની સતત મદદ લીધી હતી. ઉપરાંત વધુ નીચે ને નીચે તપાસ કરીને પંદરમા દિવસે અમે મુંબઈના યુવાનની ડેડ-બૉડી શોધી કાઢી હતી. જોકે ૧૫ દિવસ જૂની ડેડ-બૉડી હોવાને કારણે એને ઓળખવી મુશ્કેલ હતું. એટલે અમે તેના પરિવારજનોને અહીં બોલાવીને એની ઓળખ કરાવી હતી. દરમ્યાન યુવાનની જે પણ વસ્તુઓ મિસિંગ છે એની પણ તપાસ કરવામાં આવશે.’