થાણેમાં દુકાનો નિયમિત ખોલવા વેપારીઓને ફરજિયાત કોવિડ-ટેસ્ટ કરવું-કમિશનર

06 August, 2020 04:06 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

થાણેમાં દુકાનો નિયમિત ખોલવા વેપારીઓને ફરજિયાત કોવિડ-ટેસ્ટ કરવું-કમિશનર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ગઈ કાલથી તમામ દુકાનો અને મૉલ ખૂલી ગયાં છે, પરંતુ થાણે જિલ્લાના થાણે, નવી મુંબઈ, મીરા-ભાઈંદર સહિત પાલઘરના વસઈ-વિરાર વિસ્તારમાં ઑડ-ઇવન દિવસનો નિયમ કાયમ રખાતાં વેપારી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓનાં પ્રતિનિધિમંડળોએ પ્રશાસનિક અધિકારીઓ સાથે ગઈ કાલે બેઠક યોજી હતી એમાં તેમને કોવિડ-ટેસ્ટ કરાવીને રિપોર્ટ રજૂ કર્યા બાદ આ બાબતે નિર્ણય લેવાનું કહેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આથી વેપારીઓ આજે થાણેના કલેક્ટરને મળશે અને તેઓ સંતોષજનક જવાબ નહીં આપે તો અસહકાર આંદોલન કરવાનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે.
થાણેમાં બુધવાર સુધીમાં ૯૧,૧૦૨ કેસ નોંધાયા છે. જોકે મુંબઈમાં ૧.૧૮ લાખ કેસ થવા આવ્યા હોવા છતાં ગઈ કાલથી મુંબઈ મહાનગરપાલિકાએ ઑડ-ઇવન નિયમમાં છૂટ આપીને દુકાનો રાબેતા મુજબ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. મુંબઈ બાદ થાણે જિલ્લામાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા હોવાથી અહીં લાંબા સમયથી લૉકડાઉન કાયમ રહ્યું છે.
જોકે થાણે જિલ્લાના થાણે, નવી મુંબઈ, મીરા-ભાઈંદર વગેરે વિસ્તારમાં ઑડ-ઇવનનો નિયમ કાયમ રખાતાં અહીં પણ આ નિયમ કાઢવા માટેની રજૂઆત કરવા માટે વેપારીઓનું પ્રતિનિધિમંડળ પ્રશાસનિક અધિકારીને છેલ્લા બે દિવસથી મળી રહ્યું છે. હકારાત્મક અભિગમ અપનાવવાને બદલે અધિકારીઓ વેપારીઓ તથા તેમના કર્મચારીઓને કોવિડ-ટેસ્ટ કરાવીને રિપોર્ટ રજૂ કરશે તો ઑડ-ઇવન નિયમ વિશે વિચારીશું એવો વિચિત્ર જવાબ આપતાં વેપારી વર્ગમાં ભારે નારાજગી ફેલાઈ છે.
થાણે બીજેપીના સ્થાનિક વિધાનસભ્ય સંજય કેળકર અને એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સહિતના સ્થાનિક નેતાઓ સાથે વેપારીઓએ થાણેના કમિશનર ડૉ. વિપિન શર્માની મુલાકાત લીધી હતી. આ વિશે કૅઇટના પ્રતિનિધિ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓએ લૉકડાઉનના કપરા સમયમાં જીવના જોખમે જીવન જરૂરી વસ્તુઓની સપ્લાય ચાલુ રાખી છે. હવે જ્યારે કોરોનાનું જોખમ ઘટી રહ્યું છે અને તહેવારો માથા પર છે ત્યારે પાલિકાના કમિશનર કહે છે કે કોવિડની ટેસ્ટ કરાવો પછી અમે નિર્ણય લઈશું, આ યોગ્ય નથી. આજે અમે થાણેના કલેક્ટરને મળીશું. તેઓ બરાબર જવાબ નહીં આપે તો દુકાનો બંધ કરીને અસહકાર આંદોલન શરૂ કરીશું.’
થાણે મહાનગરપાલિકાના પ્રવક્તા સંદીપ મલાવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનો ખોલવા બાબતના ઑડ-ઇવનના નિયમ વિશે હજી સુધી કોઈ નિર્ણય નથી લેવાયો. થાણેમાં અમે પહેલેથી જ દુકાનો ખોલવા માગતા વેપારીઓની કોવિડ-ટેસ્ટ કરાવવાનું ફરમાન બહાર પાડ્યું હતું. મુંબઈની જેમ વધુ ને વધુ લોકોની ટેસ્ટ થવાથી કોરોના પર કાબૂ મેળવી શકાશે. આથી ટેસ્ટ કરાવવાનું કમિશનરસાહેબે વેપારીઓને કહેવું યોગ્ય જ છે.’
ઉલ્લેખનીય છે કે થાણેની સાથે નવી મુંબઈ, મીરા-ભાઈંદર અને પાલઘર જિલ્લાના વસઈ-વિરારમાં પણ ઑડ-ઇવન કે પી1-પી2 નિયમ બાબતે પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય ન લેવાતાં અહીંના વેપારીઓમાં ભારે નારાજગી છે. તેઓ પણ થાણેના વેપારીઓની જેમ જો યોગ્ય સમયે હકારાત્મક નિર્ણય ન લેવાય તો બેમુદત કામ બંધ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું.

thane mumbai mumbai news coronavirus covid19