પ્લાસ્ટિક બૅનમાં રાહત સારી, પણ હજી પગલાં જરૂરી

03 December, 2022 10:18 AM IST  |  Mumbai | Rohit Parikh

વેપારીઓ કહે છે કે મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિકના પ્રતિબંધમાં આપેલી છૂટછાટો આવકાર્ય, પરંતુ જો કેન્દ્ર સરકારની એક રાષ્ટ્ર, એક કાયદાની નીતિનું અમલીકરણ થાય તો જ મહારાષ્ટ્રમાં મૃતપ્રાય પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ફરી ધમધમતી થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૮માં લાદેલા પ્લાસ્ટિક બૅનમાં અમુક છૂટછાટો જાહેર કરત મરણપથારીએ પડેલા પ્લાસ્ટિક ઉદ્યોગમાં નવી ચેતનાનો સંચાર થવાની શક્યતા છે. સરકારે કરેલી જાહેરાતોમાં સિંગલ યુઝ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક આઇટમો જેવી કે સ્ટ્રૉ, પ્લેટ્સ, કપ્સ, ગ્લાસિસ, ફોર્ક્સ અને કન્ટેનરો જેવી જે આઇટમો કમ્પોઝેબલ મટીરિયલમાંથી બને છે એને હવે પ્લાસ્ટિક બૅનમાંથી મુક્ત કરી છે. આ સાથે સરકારે નૉન-વુવન પૉલિપ્રોપલિન કૅરી બૅગ્સ જે ૬૦ જીએસએમથી વધારે સ્ક્વેર મીટરની હોય અને ૫૦ માઇક્રોનથી વધારે જાડી હોય એના પરથી પણ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ એને આવકાર આપ્યો છે. જોકે આ વેપારીઓ કહે છે કે મહારાષ્ટ્ર સરકારે હકીકતમાં એક રાષ્ટ્ર, એક કાયદાની નીતિની અપનાવીને મહારાષ્ટ્રના મૃતપ્રાય પ્લાસ્ટિક ઉદ્યોગને ઉગારવાની જરૂર છે. અત્યારે દેશમાં ફક્ત મહારાષ્ટ્રમાં જ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો સાવ જ અલગ કાયદો છે, જ્યારે અન્ય રાજ્યો કેન્દ્રના કાયદાને અમલમાં મૂકતાં હોવાથી મહારાષ્ટ્રનો મોટા ભાગનો બિઝનેસ આ રાજ્યોમાં જઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક જ નોટિફિકેશન બહાર પાડવાની જરૂર છે કે મહારાષ્ટ્રમાં કેન્દ્રના કાયદા પ્રમાણે પ્લાસ્ટિક ઉદ્યોગો માલનું મૅન્યુફૅક્ચરિંગ અને વેચાણ કરી શકે છે.

ગુરુવારથી પ્લાસ્ટિક પરના પ્રતિબંધમાં આપેલી છૂટછાટો પ્રમાણે હવે મહારાષ્ટ્રમાં સિંગલ યુઝ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક આઇટમો અને નૉન-વુવન બૅગ્સનો ઉપયોગ, સ્ટોરેજ, વેચાણ, વિતરણ અને ટ્રાન્સપોર્ટેશન થઈ શકે છે. પહેલી ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે ૫૦ માઇક્રોનથી નીચેની બધી જ પ્લાસ્ટિક આઇટમો અને ૬૦ ગ્રામ સ્ક્વેર મીટરથી ઓછી પ્લાસ્ટિક આઇટમો પૅકેજિંગ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. જોકે આના માટે મૅન્યુફૅક્ચરરોએ આ આઇટમોના મૅન્યુફૅક્ચરિંગ અને વેચાણ કરવા માટે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ઍન્ડ ટેક્નૉલૉજી તથા સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડનું સર્ટિફિકેટ લેવું અનિવાર્ય છે.  

અમે મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ એમ જણાવતાં પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ સોશ્યલ વેલ્ફેર અસોસિએશનના સેક્રેટરી કૌશિક સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે જ્યારે નૉન-વુવન બૅગ્સ અને ૫૦ માઇક્રોનથી વધારે જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકને પૅકેજિંગ માટે છૂટ આપી છે ત્યારે દેશભરનાં રાજ્યોની જેમ ૭૫ માઇક્રોનથી વધુ જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બૅગ્સને પણ છૂટ આપવી જોઈએ. કેન્દ્ર સરકારના કાયદામાં ૭૫ માઇક્રોનથી વધુ જાડાઈની પ્લાસ્ટિક બૅગ્સ (ઝભલા થેલી)ને મૅન્યુફૅક્ચર કરવા અને ઉપયોગમાં લેવા સામે પ્રતિબંધ નથી તો ફક્ત મહારાષ્ટ્રમાં જ શા માટે? જાન્યુઆરી ૨૦૨૩થી કેન્દ્ર સરકાર નવો કાયદો લાવીને ૭૫માંથી ૧૨૦ માઇક્રોનથી વધુ જાડી પ્લાસ્ટિક બૅગ્સ (ઝભલા થેલી)ને મૅન્યુફૅક્ચર કરવાની અને ઉપયોગમાં લેવાની છૂટ આપવાની છે. વુવન બૅગ્સની વજન ઊંચકવાની ક્ષમતા ઓછી છે, જ્યારે ૭૫ માઇક્રોનથી વધારે જાડી પ્લાસ્ટિકની થેલી લાંબો સમય ચાલે છે અને એની ક્ષમતા પણ વધારે છે.’

કૌશિક સંઘવીએ વધુમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ૭૫ માઇક્રોનથી જાડીની પ્લાસ્ટિકની થેલીને છૂટ આપવાથી ૨૦૧૮થી મૃત:પ્રાય પર આવી ગયેલી પ્લાસ્ટિકની ફૅક્ટરીઓ ફરીથી ધમધમતી થશે અને એની સાથે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લાખો કારીગરોને રોજગાર મળશે. અત્યારે વસઈની જેમ મહારાષ્ટ્રના અનેક ભાગોમાંથી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી વાપી, દમણ અને સિલ્વાસા તરફ સ્થળાંતર કરી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર આ ઇન્ડ્રસ્ટ્રીને ફરીથી મહારાષ્ટ્રમાં લાવવા માટે પ્રોત્સાહિત કરી શકશે જેનાથી સરકારને રેવન્યુનો પણ મોટો ફાયદો મળશે.’

અમારી એક રાષ્ટ્ર, એક કાયદાની પહેલા દિવસથી જ માગ છે એમ જણાવીને મહારાષ્ટ્ર પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર અસોસિએશનના પ્રમુખ ભરત રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે પર્યાવરણ વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરીને ૨૦૧૮ના પ્લાસ્ટિક પ્રતિબંધમાંથી પૅકેજિંગ મટીરિયલ અને અન્ય આઇટમોમાં જે છૂટછાટ આપી છે એનાથી ખરેખર અમારી ઇન્ડસ્ટ્રીને બહુ મોટી રાહત મળી છે. સરકારે જ્યારે આટલી છૂટ આપી છે તો અમારી એક જ વિનંતી છે કે મહારાષ્ટ્ર સરકારે ફક્ત એક રાષ્ટ્ર અને એક કાયદાનો અમલ કરવાની જરૂર છે. એનાથી કેન્દ્ર સરકારનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જે કાયદો છે એનું અમલીકરણ કરવામાં મહારાષ્ટ્રના વેપારીઓ અને મૅન્યુફૅક્ચરરોને સુવિધા મળશે. સરકારને પણ એનાથી ફાયદો થશે. અત્યારે મહારાષ્ટ્રમાંથી પ્લાસ્ટિકનો બિઝનેસ અન્ય રાજ્યોમાં જતો રહ્યો છે એને પાછો લાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. મહારાષ્ટ્રના વેપારીઓ અને કામદારો જેઓ બેકારીનો સામનો કરી રહ્યા છે તેમને બહુ મોટી રાહત મળશે.’

mumbai mumbai news maharashtra rohit parikh