ઑડ-ઈવનના આધારે વેપારીઓને મળશે રાહત?

08 April, 2021 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલની મીટિંગમાં મુખ્ય પ્રધાને વેપારીઓ પાસે બે દિવસનો સમય માગ્યા બાદ જો કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થાય તો સોમવારથી ટ્રેડરોને રાહત આપવાની તૈયારીમાં છે ઉદ્ધવ ઠાકરે સરકાર

ગઈ કાલે કલ્યાણના લાલચોકી વિસ્તારમાં કોરોનાના કેસ વધી જતાં પ્રશાસને રસ્તા પર બામ્બુ લગાવીને રસ્તો બંધ કરી દીધો હતો

વેપારીઓના વિરોધને લીધે ગઈ કાલે પૉલિટિકલ પાર્ટીઓ પણ ઍક્ટિવ થઈ ગઈ હતી અને તેમણે એક પછી એક વેપારી સંગઠનોને મળવા બોલાવ્યાં હતાં અને તેમને આ બાબતે ઘટતું કરવાની બાંયધરી આપી હતી. ગઈ કાલના એક જ દિવસમાં વેપારીઓ વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકારે, મુંબઈ શહેરના પાલકપ્રધાન અને કૉન્ગ્રેસના મલાડના વિધાનસભ્ય અસલમ શેખને મળ્યા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ઝૂમ મીટિંગ કરી હતી.

આ મીટિંગમાં સીએમએ બે દિવસમાં મંત્રીમંડળના સભ્યો તથા અમલદારો સાથે આ બાબતે ચર્ચા કરીને નિર્ણય લેવાનું આશ્વાસન વેપારીઓને આપ્યું હતું. આ મીટિંગમાં ઘણાં બધાં વેપારી અસોસિએશનના પદાધિકારીઓ સામેલ થયા હતા. સામે પક્ષે સરકાર તરફથી પણ હેલ્થ મિનિસ્ટર, હેલ્થ સેક્રેટરી, ચીફ સેક્રેટરી સહિતના ઘણા અધિકારીઓએ ભાગ લીધો હતો. મીટિંગમાં વેપારીઓ તરફથી તેમને પડી રહેલી તકલીફો સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી, જેને સકારાત્મક અભિગમ સાથે મુખ્ય પ્રધાને સાંભળી હતી. જોકે ત્યાર બાદ તેમણે સરકારની બાજુ પણ વેપારીઓની સામે મૂકીને શું કામ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે એની જાણકારી આપી હતી તેમ જ વેપારીઓને સરકાર તેમની ખિલાફ નથી એ વાત કહી હતી.

દરમ્યાન, મુખ્ય પ્રધાન કાર્યાલયનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસ મુંબઈમાં ૧૦,૦૦૦ની આસપાસ છે. અત્યારે આરોગ્ય વ્યવસ્થા પણ એને પહોંચી વળવા સક્ષમ છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો સરકાર સોમવારથી વેપારીઓને ઑડ-ઇવન ફૉર્મ્યુલાને આધારે દુકાનો શરૂ કરવા દે એવી શક્યતા છે. જોકે, બધું આગામી બે-ત્રણ દિવસના કોરોનાના આંકડા પર નિર્ભર છે. મુખ્ય પ્રધાનને કામ-ધંધાની સાથે લોકોની જિંદગીની પણ એટલી જ ચિંતા છે. તેમનું કહેવું છે કે હૉસ્પિટલના બેડ કે બીજાં ઉપકરણો ક્યાંયથી પણ ઊભાં થઈ જશે, પણ જો કોરોનાના કેસમાં પહોંચ બહાર વધારો થશે તો દરદીઓની સારવાર કરવા નવા ડૉક્ટર ક્યાંથી લાવીશું. આ જ કારણસર તેઓ કોઈ ચાન્સ નથી લેવા માગતા.’

મુખ્ય પ્રધાન સાથેની મીટિંગમાં હાજર રહેલા ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન (એફઆરડબ્લ્યુએ) પ્રેસિડન્ટ વિરેન શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સરકારે દુકાનો પર લાદેલા પ્રતિબંધથી વેપારીવર્ગ ખૂબ નારાજ હોવાથી અને પોતાની રોજીરોટી છીનવાઈ રહી હોવાથી વિવિધ રીતે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. અમારા વિરોધને ધ્યાનમાં લઈને સરકાર પણ થોડી ઢીલી પડતી જોવા મળી રહી છે. મુંબઈમાં સાડાત્રણ લાખથી વધુ દુકાનો આવેલી છે અને એમાં ૧૨થી ૧૫ લાખ લોકો કામ કરે છે. જો દુકાનો બંધ રહેશે તો તેઓ પણ બેરોજગાર થઈ જશે. એ વાતને અમે મીટિંગ વખતે મૂકી અને એને ગંભીરતાથી લઈને મુખ્ય પ્રધાને આ સંદર્ભે વિચાર કરવા બે દિવસનો સમય માગ્યો છે. ભલે સરકાર નરમ પડી હોય, પણ વેપારીઓનો વિરોધ ચાલુ રહેશે, સાઇલન્ટ રીતે વિરોધ કરીશું. અમારી વાતોને ધ્યાનમાં લઈને સરકારે સોમવાર સુધી કોઈ નિર્ણય જાહેર કર્યો નહીં તો વેપારીઓ મોટાપાયે આંદોલન કરશે અને એને માટે જવાબદાર સરકાર જ રહેશે.’

ચેમ્બર અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (સીએએમઆઇટી)ના ચૅરમૅન મોહન ગુરનાનીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘વેપારીઓની તકલીફો મુખ્ય પ્રધાન સામે મૂકી અને તેમણે પૉઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે તેમ જ આ વિશે કોઈ નિવાકરણ કરશે એવું વર્તન તેમનું દેખાયું હતું. એક-બે દિવસની અંદર સરકાર દુકાનદારોને કોઈ રિલીફ આપે એવી શક્યતા લાગી રહી છે. તેમને અમે જણાવ્યું હતું કે કોરોનાથી નહીં, પણ લોકો ભૂખમરાથી મૃત્યુ પામશે એવી પરિસ્થિત્ ઊભી થઈ શકે એમ છે. દુકાનો બંધ રહેતાં લોકો રસ્તા પર આવી જશે એવી સમસ્યા તેમની આગળ અમે મૂકી હતી.’

ગઈ કાલની મીટિંગમાં હાજર રહેલા વસઈ ઇન્ડસ્ટ્રિયલ મૅન્યુફૅક્ચરર્સ વેલ્ફેર અસોસિએશન (વીઆઇએમએ)ના પ્રેસિડન્ટ અજય મોદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન સાથે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી એમાં મેં કહ્યું હતું કે દુકાનો શરૂ કરવાની દિશામાં વિચારવું જોઈએ, કારણ કે ફેક્ટરીવાળાઓને કાચો સામાન ઉપલબ્ધ થઈ શકે. જોઈએ તો સરકાર ઑફિસનો ટાઇમ અલગ રાખે, પણ હાલમાં ઉદ્યોગને રોકવાથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. મુખ્ય પ્રધાને અમારી વાતને સાંભળીને અમને પણ અનેક વાત સમજાવી હતી તેમ જ બે દિવસ પણ માગ્યા છે અને અમુક જવાબદારી વેપારી લે અને અમુક જવાબદારી સરકાર લેશે એમ મળીને આપણે કોરોનાની લડત કરવાની વાત કરી છે. વૅક્સિન લેવાથી લઈને ઑક્સિજનની જરૂરિયાત વિશે વાત કરી હતી. એથી સરરના નિર્ણયની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.’

10428 - મુંબઈમાં ગઈ કાલે કોરોનાના આટલા કેસ નોંધાયા હતા.

coronavirus covid19 lockdown mumbai mumbai news