સરકારના મરાઠી બોર્ડના આદેશને વેપારીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

29 June, 2022 07:13 AM IST  |  Mumbai | Rohit Parikh

જ્યાં સુધી સુનાવણી થાય નહીં ત્યાં સુધી બીએમસીના અધિકારીઓને બળજબરીથી કાર્યવાહી ન કરવાની યાચિકાકર્તાના વકીલે લેટર લખીને કરી અપીલ

સરકારના મરાઠી બોર્ડના આદેશને વેપારીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

મુંબઈ : બીએમસીએ મુંબઈમાં સાઇનબોર્ડ બદલવાની સમયમર્યાદા શરૂઆતમાં ૩૧ મે સુધી જાહેર કરી હતી. જોકે વેપારીઓની વિનંતીઓના પગલે ત્યાર પછી આ સમયમર્યાદા ૩૦ જૂન સુધી લંબાવવામાં આવી હતી. આમ છતાં મરાઠી બોર્ડ બનાવવા માટે લાંબી પ્રક્રિયા હોવાથી મુંબઈનાં વિવિધ વેપારી સંગઠનોએ એક વર્ષનો સમય માગ્યો છે. જોકે બીએમસી વેપારીઓની તકલીફ સમજવા તૈયાર ન હોવાથી ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાનો ફેંસલો લીધો છે. 
મરાઠીમાં દુકાનો અને સંસ્થાઓનાં બોર્ડ હોવાં જરૂરી છે આ આદેશ આ વર્ષની શરૂઆતમાં રાજ્યની કૅબિનેટે મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) અધિનિયમ, ૨૦૧૭માં સુધારાને મંજૂરી આપ્યા બાદ આવ્યો છે. એટલે ૧૦ કરતાં ઓછા કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓએ પણ મરાઠીમાં બોર્ડ દર્શાવવું પડશે.
ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ વીરેન શાહે આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવા નિયમ પ્રમાણે દુકાનોનાં નામ મરાઠીમાં લખવાનાં હોવાથી અને એમાં પણ ભલે બીજી ગમે એ ભાષામાં દુકાનોનાં નામ લખો પણ મરાઠી શબ્દો મોટા હોવા જરૂરી છે. એને કારણે દુકાનદારોએ તેમના સાઇનબોર્ડ અને નામના બોર્ડને રીડિઝાઇન કરવાં પડશે જે અત્યારની સમયમર્યાદામાં શક્ય નથી.’
આથી અમારા અસોસિએશને મરાઠી બોર્ડના સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી છે એમ જણાવીને વીરેન શાહે કહ્યું હતું કે ‘અમે સુપ્રીમ કોર્ટમાં સરકારના ૨૩ ફેબ્રુઆરીના આદેશને પડકારતી રિટ પિટિશન દાખલ કરી છે. જોકે ૧૦ જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટમાં વેકેશન હોવાથી આ મુદ્દે સુનાવણી હજુ શરૂ કરવામાં આવી નથી. આથી સુપ્રીમ કોર્ટનાં ઍડ્વોકેટ મોહિની પ્રિયાએ મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીને પત્ર લખીને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના વેકેશન પછી જ્યાં સુધી અમારી રિટ પિટિશન પર સુનાવણી કોર્ટમાં થાય નહીં ત્યાં સુધી વેપારીઓ પર કે દુકાનદારો પર કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી કરવી નહીં. વેકેશન પૂરું થયા પછી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે આ મામલો મહત્ત્વપૂર્ણ બંધારણીય મુદ્દાઓ સાથે સંકળાયેલો છે. આમ છતાં સંબંધિત અધિકારીઓ આ મામલે કોઈ પણ જબરદસ્તીથી પગલાં લેશે તો એ અત્યંત અન્યાયી અને હિતોની વિરોધમાં હશે.’

mumbai mumbai news supreme court